સરકાર ‘દલિત’ શબ્દ જ પ્રતિબંધિત કરશે

નવીદિલ્હી તા,14
કેન્દ્રિય સામાજીક ન્યાય તથા અધિકારિતા મંત્રાલયએ મોટું પગલું લેતા તમામ રાજ્યોના પ્રમુખ સચિવોને લેખિત આદેશ આપ્યા છે કે હવે સરકારી સ્તર પર કે કયાંય પણ દલિત શબ્દનો પ્રયોગ નહીં કરવામાં આવે. આ સંબંધે પત્ર જાહેર કરી દેવાયો છે. કેન્દ્ર સરકારે મધ્યપ્રદેશ કોર્ટ દ્વારા આ પગલું ઉઠાવ્યું છે. ડો. મોહનલાલ માહૌરએ મધ્યપ્રદેશ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી અને આ અરજી પર તેમણે દલિત શબ્દના પ્રયોગ પરવાંધો દર્શાવતા તેના પર પ્રતિબંધની માગ કરી હતી. કેન્દ્રએ હવે સરકારી દલસ્તાવેજથી લઈને કોઈપણ પત્રાવલીમાં દલિત શબ્દનો પ્રયોગ કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. મોદી સરકારે મધ્યપ્રદેશ હાઈકોર્ટ દ્વારા 21 જાન્યુઆરીએ અપાયેલા નિર્ણય અનુસાર સરકારી દસ્તાવેજો અને કોઈ અન્ય જગ્યાઓ પર દલિત શબ્દનો પ્રયોગ કરવા પર રોક લગાવી છે.
મધ્યપ્રદેશ હાઈકોર્ટનો હવાલો આપતા કેન્દ્રએ તમામ પ્રદેશોમાં આ શબ્દના પ્રયોગ પર પ્રતિબંધ કરાવ્યો છે. હવે કોઈપણ અનુસૂચિત જાતિના વ્યક્તિની આગળ તેની જાતિનું જ નામ લખાય તેવું સરકારે અનિવાર્ય કરી દીધું છે. પહેલા તત્કાલીન સરકારે 10 ફેબ્રુઆરી 1982એ નોટિફિકેશન જાહેર કરી હરિજન શબ્દ પર પ્રતિબંધ લગાવ્યો હતો. હવે હરિજન બોલવા પર સખ્ત સજાની જોગવાઈ છે પરંતુ હજુ બે બાબત સ્પષ્ટ નથી કે દલિત શબ્દના પ્રયોગ પર કેટલી સજાની જોગવાઈ કરાઈ છે.
મંત્રાલય દ્વારા પ્રમુખ સચિવને લખાયેલા પત્રમાં કહેવાયું છે કે દલિત શબ્દનો પ્રયોગ સંવિધાનમાં ક્યાંય નથી. ઉલ્લેખનીય છે કે તેના પહેલા 1990માં આ પ્રકારનો એક આદેશ જાહેર થયો હતો જ્યારે સરકારે દસ્તાવેજોમાં અનુસૂચિત જાતિના લોકો માટે ફકત જાતિ લખવાના નિર્દેશ આપ્યા હતા.
હાઈકોર્ટના ગ્વાલિયર બેચએ એક જનહિત અરજી પર સુનાવણી કરતા દલિત શબ્દના ઉપયોગ પર પ્રતિબંધ મુકવાના આદેશ કર્યા હતા. ઉલ્લેખનિય છે કે દલિત શબ્દ ઘણો ચર્ચામાં રહ્યો છે સાથે જ આ શબ્દ પર રાજકારણ પણ ઘણુ રમાયું છે.