આવતીકાલે અનંતનાથ ભગવાન દીક્ષા કલ્યાણક અને કેવળજ્ઞાન કલ્યાણક તથા કુંથુનાથ ભગવાન જન્મકલ્યાણક

"ના જોઇએ ધન વૈભવો, સંતોષ મુજને આપજે
ના જોઇએ સુખ સાધનો, મન સંયમે મુજ સ્થાપજે,
ના જોઇએ અનુકુળતા, સુખસંગ મારો કાપજે,
મુજ જીવનઘરમાં હે પ્રભુ ! તુજ પ્રેમ સૌરભ આપજે !
અનંતજિત પ્રભુ પોતાના સંસારના ભોગાવલી કર્મો નિસ્પૃહ ભાવે, માર્ગના વિસામાને પ્રવાસી જેમ ત્યાગબુધ્ધિએ કરે તેમ છોડવાલાયક છે તેમ નિશ્ર્ચયે ખપાવી રહ્યાં છે. પિતાની આજ્ઞાથી લગ્ન કર્યા, રાજ્યભાર ગ્રહણ કર્યો. પંદર લાખ વર્ષ સુધી પૃથ્વીનું પાલન કર્યુ.
મનના વિરકત ભાવો સંસારથી વિમુખ કરતાં જતા હતા. નવ તત્વને જાણનારા આત્માની ઉપર પડળ રૂપે રહેલાં કર્મોને હવે વિખેરવાનો સમય આવી ચુકયો છે તેવું ત્રણ જ્ઞાનના જાણકાર પ્રભુએ દીક્ષા લેવાનું નક્કી કર્યુ. પ્રભુના ભાવોના આંદોલનો સારસ્વતાદિક, લોકાંતિક દેવોએ અનુભવ્યા. દેવતાઓ બ્રહ્મલોકમાંથી આવી પ્રભુને વંદન કરી, ‘હે નાથ !’ તીર્થ પ્રર્વતાવો ! એમ વિનંતી કરી ઇન્દ્રની આજ્ઞાથી કુબેરે પ્રેરેલા જૃંભક દેવતાઓએ પુરેલા ધન વડે પ્રભુએ વાર્ષિક દાન આપ્યું.
સંસારનો અંત કરવાની ઇચ્છાવાળા પ્રભુનો સુર, અસુર અને રાજાઓએ દીક્ષાભિષેક કર્યો.
ઉત્તમ વસ્ત્રાલંકારથી શોભતા જગત્પતિ ‘સાગરદત્તા’ નામની શિબિકામાં આરૂઢ થયા. ઇન્દ્રોએ તેમની ઉપર છત્ર, ચામર, પંખા ધારણ કર્યા છે તે શિબિકામાં પ્રભુ સહસ્રામ્રવનમાં પધાર્યા. પ્રભુની પધરામણીથી સમસ્ત ઉદ્યાન પુષ્પો, સુગંધિત વાયરો, નવપલ્લવિત વૃક્ષોથી શોભી ઉઠયું.
શિબિકામાંથી ઉતરવા માટે ઇન્દ્રએ પ્રભુને પોતાના હાથનો ટેકો કર્યો. પ્રભુના એ પ્યારા સ્પર્શને અને પોતાના અતિ સદ્દભાગ્યને પોષતો ઇન્દ્ર આનંદથી ઝુમી ઉઠયો.
પરમાત્માના પરમ તત્વને પામી પરમ સુખ-સિધ્ધિપદ પામવાનું તેને વરદાન-વચન મળી ગયું.
છઠ્ઠના તપસ્વી પ્રભુની સાથે એક હજાર રાજાઓ પણ દીક્ષા લેવાને તત્પર હતા. પ્રભુએ સંસારના મોહના આવરણો દુર કર્યા, પંચમુષ્ઠિ લોચ કર્યો, કરેમિ ભંતે સૂત્ર ઉચ્ચરીને પાવન સૂત્રની સાથે આત્માની પાવનતાને પામવા પાવન એવી દીક્ષા કેડીએ પોતાના પગ માંડયા.
પ્રભુના આ મહાભિનિષ્ક્રિમણના પંથે પ્રભુની સાથે એક હજાર રાજાઓ નીકળી પડયા.
વર્ધમાન નગરના વિજય રાજાના મહેલમાં, ‘ચૌદમા અર્હતે’ પરમ અન્ન વડે ધારણ કર્યુ. મન: પર્યવજ્ઞાની છદ્મસ્થ એવા અનંતનાથ પ્રભુને પરીષહ સહન કરતા કરતા વિહાર કરવા લાગ્યા.
પંચેન્દ્રીયપણાને તમે કર્યો છે સાર્થક
તમારા મોહને તમે કર્યા છો ઘાતક
પંચાચાર પાળે, મહાવ્રતને ધારે
મનને જીતનારા તમને વંદન અમારા
જપ તપ વિધી
ૐ હ્રીં શ્રી અનંતનાથ નાથાય નમ : 20 નવકારવાળી
12 લોગસ્સનો કાઉસગ્ગ, 12 સાથિયા, 12 ફળ, 12 નૈવેદ્ય, 12 ખમાસમણા
તપ: ઉપવાસ/આયંબીલ/એકાસણા/શક્તિમુજબ
ખમાસમણાનો દુહો : પરમ પંચ પરમેષ્ઠિના પરમેશ્ર્વર ભગવાન ચાર નિક્ષેપે ધ્યાઈએ નમો નમો શ્રી જિનભાણ
શ્રી અનંતનાથ ભગવાન કેવળજ્ઞાન
‘કરી કલ્પના ઉદયંકરી કરી પ્રાર્થના ક્ષેમંકરી
મનમાં ઉતારી સોંસરી છબી આપની નયને ભરી
નેત્રો તણા સઘળા પ્રદેશે આપ એવા વસી રહ્યા
કે નેત્રોમાં નહીં સ્થાન મળતાં આંસુઓ મુજ રડી રહ્યા’
ઘોર પરિષહોને, દુ:ખને સહન કરતા મૌનપણે, છદ્મસ્થપણે અનંતનાથ પ્રભુ વિહાર કરતાં રહ્યા. ધ્યાન, કાઉસગ્ગમાં મન-ચિત્તને જોડી આત્માના ગુણકમળને ખિલવતા રહ્યા. કર્મોના પડળો તૂટતા રહ્યા. નિજ સ્વભાવમાં રમતા રહ્યા. ત્રણ વર્ષ પછી અનંતનાથ પ્રભુ સહસ્રામ્રવનમાં પાછા ફર્યા.
ત્યાં અશોક વૃક્ષની નીચે ધ્યાનમાં લીન બન્યા. પ્રતિમા ધરીને રહેલા અને દ્વિતીય એવા શુકલ ધ્યાનના અંતભાગમાં વર્તતા એવા તાપમાં જેમ મીણ પીગળે તેમ પ્રભુના જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય એ ચાર ઘાતી કર્મો નાશ પામ્યા. અને ચૈત્ર વદની ચૌદસે છઠ્ઠ તપ કરી રહેલા પ્રભુને કેવળજ્ઞાન ઉપજયું.
‘પાતાળ’ નામે યક્ષ અને ‘અંકુશા’ નામે દેવી. જેમની પાસે રહીને નિરંતર ઉપાસના કરે છે એવા અને મોક્ષદ્વાર તરફ અગ્રેસર છે એવા શ્રી અનંતનાથ પ્રભુ પૃથ્વી પર વિહાર કરતાં દ્વારકાપૂરી પધાર્યા. ત્યાં શક્રેદ્રાદિક દેવતાઓએ છસો ધનુષ્ય ઉંચા ચૈત્યવૃક્ષ વડે સુશોભિત સમવસરણ રચ્યું. ઈન્દ્ર, વાસુદેવ અને બળભદ્ર સૌ પ્રભુની સ્તુતિ કરી.
અનંતનાથ પ્રભુએ 35 અતિશયોથી યુકત ધીર-ગંભીર વાણીમાં દેશના દેવાની શરૂઆત કરી.
તત્ત્વ વિદ્વાનો કહે છે કે કુલ 7 તત્ત્વો છે. જીવ, અજીવ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ. આ તત્ત્વોને નહી જાણનારા અને નહી માનનારા પ્રાણીઓ સંસારમાં અપાર ભટકયા કરે છે. આ બધાના પ્રકારો અને પેટાપ્રકારો છે: જીવ તત્ત્વ મુકત અને સંસારી છે. મુકત જીવ અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત આનંદથી વ્યાપત છે. સંસારી જીવ સ્થાવર અને ત્રસ છે તેના બે ભેદ છે. તેના પણ પ્રકાર છે. એક્ધદ્રીય થી પંચેન્દ્રીય, પૃથ્વીકાય, અપકાય, વાયુકાય અને વનસ્પતિકાય તેમાં પણ સાધારણ બાદર અને સુક્ષ્મબાદર છે. જીવો બે પ્રકારના છે. વ્યવહારી અને અવ્યવહારી સુક્ષ્મ નિગોદ અવ્યવહારી છે. બાકી વ્યવહારી છે.
દરેક જીવની યોનિઓ, મૂળ ભેદો, ગુણસ્થાનો, કેવળીએ કેવળજ્ઞાનમાં જોયેલાં છે, અને તેની સમજ આપી છે.
અજીવ તત્ત્તવ પાંચં છે- ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, કાળ અને પુદ્ગલાસ્તિકાય.
પ્રભુએ જીવ-અજીવ તત્ત્વનું સ્વરૂપ વિસ્તારથી સમજાવ્યું. મોક્ષતત્ત્વનું સ્વરૂપ સમજાવ્યું અને કહ્યું કે નવ તત્ત્વોને જાણનારો મનુષ્ય સંસાર સમુદ્રને પાર કરી જાય છે.
અનંતનાથ પ્રભુના 50 ગણધરો હતા. તેમાં યશ નામના મુખ્ય ગણધર હતા. કેવળજ્ઞાન થયા પછી ત્રણ વર્ષ ઓછા સાડા સાત લાખ વર્ષ સુધી પૃથ્વી પર વિહાર પ્રભુ કરતાં રહ્યાં.
જપ તપ વિધી
ૐ હ્રીં શ્રી અનંતનાથ સર્વજ્ઞાય નમ : 20 નવકારવાળી
12 લોગસ્સનો કાઉસગ્ગ, 12 સાથિયા, 12 ફળ, 12 નૈવેદ્ય, 12 ખમાસમણા
તપ: ઉપવાસ/આયંબીલ/એકાસણા/શક્તિમુજબ
ખમાસમણાનો દુહો : પરમ પંચ પરમેષ્ઠિના પરમેશ્ર્વર ભગવાન ચાર નિક્ષેપે ધ્યાઈએ નમો નમો શ્રી જિનભાણ
શ્રી કુંથુનાથ ભગવાન જન્મકલ્યાણક
‘જે દ્રષ્ટિ પ્રભુ દરશન કરે તે દ્રષ્ટિને પણ ધન્ય છે,
જે જીભ જિનવરને સ્તવે તે જીભને પણ ધન્ય છે
પીએ મુદા વાણી સુધા તે કર્ણયુગલને પણ ધન્ય છે
તુજ નામ, મંત્ર વિશદ ધરે તે હૃદયને પણ ધન્ય છે’
જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં હસ્તિનાપૂરના સૂર્ય જેવા ‘શૂર’ નામે રાજા હતા.
તેમને ‘શ્રી’ નામના રાણી હતા. બન્નેના હૃદયમાં ધર્મ વસેલો હતો. શાંત, સૌમ્ય, સરળ, પ્રકૃતિના હતા. સર્વાથસિધ્ધ વિમાનમાં તેત્રીસ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરી શ્રીદેવીની રત્નકૃક્ષિમાં આવેલ તિર્થંકર શ્રી કુંથુનાથ ભગવાનનો જન્મ નવમાસ અને સાડા સાત દિવસ જતાં ચૈત્ર વદ -14ના દિવસે થયો. ત્રણ જગતમાં ઉદ્યોત થઇ રહ્યો. છપ્પન દિકકુમારીઓએ સૂતિકર્મ કર્યુ. પછી શક્રેન્દ્ર પાંચરૂપે થઇ પ્રભુને મેરુગિરી પર લઇ ગયા. ત્રેસઠ ઈન્દ્રોએ તીર્થજળથી પ્રભુનો અભિષેક કર્યો.
ઈન્દ્રે પ્રભુની સ્તુતિ કરતાં કહ્યું કે હે ભૂવનેશ્ર્વર! તમારા દર્શન અને સ્પર્શથી આજે અમારું જીવન સાર્થક થયું.
હે પ્રભુ! સ્નાત્રકાળે તમે મારા હૃદયમાં રહ્યાં તેમ નિરંતર હૃદયની અંદર ચિરકાળ સુધી રહો!’
બીજા દિવસે શુર રાજાએ પ્રભુનો જન્મોત્સવ કર્યો છે. પ્રભુ ગર્ભમાં હતા. ત્યારે તેમની માતાએ કુંથુ નામનો રત્નસંચય જોયો હતો. તેથી બાળકનું નામ ‘કુંથુ’ પાડવામાં આવ્યું.
જયારે તીર્થકર જન્મે છે ત્યારે સમસ્ત બ્રહ્માંડ ઉત્સવમય બને છે.
જપ તપ વિધી
ૐ હ્રીં શ્રી કુંથુનાથ અર્હતે નમ : 20 નવકારવાળી
12 લોગસ્સનો કાઉસગ્ગ, 12 સાથિયા, 12 ફળ, 12 નૈવેદ્ય, 12 ખમાસમણા
તપ: ઉપવાસ/આયંબીલ/એકાસણા/શક્તિમુજબ
ખમાસમણાનો દુહો : પરમ પંચ પરમેષ્ઠિના પરમેશ્ર્વર ભગવાન ચાર નિક્ષેપે ધ્યાઈએ નમો નમો શ્રી જિનભાણ
(જિનઆજ્ઞા વિરુધ્ધ કાંઇપણ લખાયું હોય તો ત્રિવિધે ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ્ )