મુંબઇની ટીમે નવા એરપોર્ટની સાઇટ વિઝીટ કરી

જનરલ મેનેજર, આસી. મેનેજર, એટીસીના મેનેજર, રાજકોટ એરપોર્ટના ડાયરેકટર સહિતના કાફલાનું સુપર વિઝન
રાજકોટ તા.14
રાજકોટના કુવાડવા પાસે બનનાર આંતરરાષ્ટ્રીય ગ્રીનફીલ્ડ એરપોર્ટની સાઇટ વીઝટ આજે મુંબઇના ઉચ્ચ અધિકારીઓની ટીમ દ્વારા કરવામાં આવી હતી. રપ00 એકર જમીન ફરતે બાઉન્ડ્રી માર્કીંગનું કામ પૂર્ણ થઇ જતા ટીમ દ્વારા આજે સુપરવિઝન કરવામાં આવ્યું હતું.
રાજકોટ શહેર પ્રાંત-ર કચેરીના ડે.કલેકટર પ્રજ્ઞેશ જાનીએ જણાવ્યું હતું કે પશ્ર્ચિમ રીજીયનની ઉચ્ચ અધિકારીની એરપોર્ટની ટીમ રાજકોટ આવી હતી અને નવા બનનાર એરપોર્ટના પ્રોજેકટ અંગે સમીક્ષા કરી હતી.
રાજકોટ આવેલ મુંબઇ એરપોર્ટ ઓથોરીટીના અધિકારીઓમાં એન્જીનીયર વિભાગના જનરલ મેનેજર કે.પી.જોશ, એન્જીનીયર વિભાગના આસી. જનરલ મેનેજર દિપકકુમાર, એર ટ્રાફીક કંટ્રોલના મેનેજર સુભાષ શર્મા, રાજકોટ એરપોર્ટના ડીરેકટર બી.કે.દાસ સહિતના અધિકારીઓની ટીમ દ્વારા આજે નવા એરપોર્ટની બાઉન્ડ્રી અને ટર્મીનલ અને રન-વે અંગેનું નિરીક્ષણ કર્યુ છે.
કેન્દ્ર સરકાર દ્વારા આગામી ર3 એપ્રિલના રોજ નવા એરપોર્ટના ટર્મીનલ અને કમ્પાઉન્ડ વોલ માટેનું રૂા.800 કરોડનું ટેન્ડર પ્રસિધ્ધ થનાર છે. ત્યારબાદ એરપોર્ટનું કામકાજ શરૂ થનાર છે.
તેના માટે કેન્દ્રીય એરપોર્ટ ઓથોરીટીએ ખાસ અધિકારીની નિમણુંક કરી દીધી છે.
આગામી મહિનાથી નવા એરપોર્ટનું કામકાજ શરૂ થાય તેવા નિર્દેશ
મળી રહ્યા છે.