ધ્રોલના સણોસરા પાસેની જીનિંગ મિલમાં આગ

ભીષણ આગથી મોટું નુકસાન સંભવ: આગ બુઝાવવા ધ્રોલ, રાજકોટ, મોરબી, જેતપુર, જામનગરથી ફાયર ફાઈટરો દોડાવાયા
જામનગર તા,14
જામનગર - રાજકોટ ધોરીમાર્ગ પર ધ્રોલ અને પડધરીની વચ્ચે સણોસરા ગામના પાટીયા પાસે આવેલી બાલકૃષ્ણ જીનીંગ મીલમાં ગઇકાલે બપોરે એકાએક આગ ભભુકી ઉઠી હતી અને થોડી ક્ષણોમાંજ પવનના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ હતું જે આગને બુઝાવવા માટે ધ્રોલ ઉપરાંત જામનગર - રાજકોટ જેતપુર અને મોરબી થી ફાયર ફાઇટરો દોડયા હતા અને ચારેય તરફથી આગને બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. અને પાણીના 90 થી વધુ ટેન્કરો જેટલા ફાયર ફાયરીંગ કરવામાં આવ્યા હતા અને અંદાજે સાત થી આઠ કરોડનું નુકશાન થયુ છે .
જામનગર -રાજકોટ ધોરી માર્ગ પર સણોસરા ગામના પાટીયા પાસે આવેલી બાલકૃષ્ણ જીનીંગ મીલમાં ગઇકાલે બપોરે એકાદ વાગ્યાના અરસામાં અકસ્માતે આગ ભભુકી ઉઠી હતી ઉપરોકત જીનીંગ મીલનો આઠ એકર જેટલો વિસ્તાર છે અને તેના ખુલ્લા પટમાં 4318 જેટલી રૂની ઘાંસડીઓ રાખવામાં આવેલી છે જેમાં આગ પ્રસરી ચુકી હતી જે આગને કાબુમા લેવા માટે સૌ પ્રથમ જામનગરના બે ફાઇટરો અને ધ્રોલના એક ફાયર ફાઇટરને દોડાવાયા હતા.
પરંતુ આગે ભિષણ સ્વરૂપ ધારણ કરી લીધુ હોવાથી જેતપુર-મોરબી- રાજકોટ -જુનાગઢ વગેરેના ફાયર ફાઇટરોને પણ આગ બુઝાવવા માટે દોડાવી લેવાયા હતા જામનગરની રિલાયન્સ કંપ્નીના બે, એસ્સાર કંપ્નીના બે અને જીએસએફસીના એક , ફાયર ફાઇટરની મદદ લેવાઇ હતી.
આગને બુઝાવવા માટે જેસીબી મશીનની મદદથી જીનીંગ મીલની કેટલીક દિવાલોને પણ તોડવામાં આવી હતી અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી આગના કારણે જીનીંગ મીલના સંચાલકને ભારે નુકશાન થયું છે ધ્રોલ પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો.
ગઇકાલે બપોરના સમયે લાગેલી આગ આજે સવારે 10 વાગ્યા સુધી ચાલુ રહી હતી અને અંદાજે 22 કલાક સુધી સતત 90 જેટલા પાણીના ટેન્કરો વડે આગને બુઝાવવા માટે સૌરાષ્ટ્રના 16 જેટલા ફાયર ફાઇટરોના 60 થી વધુ ફાયરના જવાનોએ આગ બુઝાવવા માટે ભારે દોડધામ કરી હતી. જીનીંગ મીલના ભાગીદાર રાજકોટના વતની રાકેશભાઇ શાહના જણાવાયા અનુસાર સાત થી આઠ કરોડનું નુકશાન થયાનો અંદાજ છે.
વિમા કંપ્નીની ટુકડી ઘટના સ્થળે દોડી આવી હતી અને સર્વેની કામગીરી આરંભી દીધી છે. આ બુઝાવવા માટે ધ્રોલ નજીક આવેલા પાણીના સંપમાંથી આજુબાજુની વાડીઓમાંથી ઉપરાંત ફેકટરીના પાણીના બોરમાંથી પાણીના ફેરા કરવામાં આવ્યા હતા. (તસવીર: સુનીલ ચુડાસમા)