1 વિકેટ ઝડપી છતાં રાશિદ ખાન મેન ઓફ ધ મેચ

આઈપીએલમાં મુંબઇ-હૈદરાબાદ વચ્ચેના મેચની ઘટના હરભજનસિંઘે રાશિદને ચેમ્પિયન બોલર ગણાવી તેની પ્રશંસા કરી
હૈદરાબાદ તા,14
આઈપીએલમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને મુંબઇ વચ્ચેના મેચમાં અતિ કરકસરયુકત બોલીંગ કરી મેન ઓફ ધ મેચ બનેલા હૈદરાબાદના સ્પિન બોલર રાશિદખાનથી ઓફ સ્પિનર હરભજનસિંઘ ખુબ જ પ્રભાવિત થયો હતો અને તેને ચેમ્પિયન બોલર પણ ગણાવ્યો હતો. આઈપીએલમાં ગુરુવારે સનરાઝઈઝર્સ હૈદરાબાદ (એસઆરએચ)અને મુંબઈ ઈન્ડિયન્સ (એમઆઈ)વચ્ચે રમાયેલી મેચ ભારે રોમાંચકતા બાદ હૈદરાબાદે એક વિકેટે જીતી લીધી. યજમાન ટીમને આ જીત મેચના છેલ્લા બોલે મળી.
એસઆરએચના ઘણાં ખેલાડીઓના શાનદાર પરફોર્મન્સ છતા તેમને સ્થાન મેચમાં માત્ર એક વિકેટ ઝડપનારા હૈદરાબાદના બોલર રાશિદ ખાનને મેન ઑફ ધ મેચ જાહેર કરાયો. જેના માટે તેની ઘણી પ્રશંસા કરવામાં આવી રહી છે. રાશિદની બોલિંગની પ્રશંસા કરતાં સીએસકેના ખેલાડી હરભજન સિંહે તેને ચેમ્પિયન બોલર કહી દીધો છે.ભજ્જીએ ટ્વિટ કરી લખ્યું છે કે, રાશિદ ખાનમાં ઘણો આત્મવિશ્વાસ છે, તે એક ચેમ્પિયન બોલર છે. રાશિદે પણ પોતાની પ્રશંસા માટે હરભજનનો આભાર માન્યો છે.હરભજનના ટ્વિટ પર મહાન સ્પિન બોલર શેન વોર્ને પણ પ્રતિક્રિયા આપી છે. જેના પર વોર્ને ટ્વિટ લખ્યું છે, આઈપીએલમાં રમી રહેલા તમામ અલગ-અલગ લેગ સ્પિનરની બોલિંગ કરતાં જોવું શાનદાર છે રાશિદ ખાને પોતાના 4 ઓવરના સ્પેલમાં માત્ર 13 રન આપ્યા અને 1 વિકેટ ઝડપી, આ દરમિયાન તેણે 18 બોલ એવા
ફેંક્યા જેના પર મુંબઈના બેટ્સમેન એક પણ રન બનાવી શક્યા નહીં. તેની આટલી ચુસ્ત બોલિંગના કારણે જ મુંબઈને 147 રનના સ્કોર સુધી મર્યાદિત રાખી શકાયું.
ટી20માં 6 રનના ઈકોનોમી રેટથી રન ખર્ચનારા બોલરને પણ શાનદાર ગણવામાં આવે છે જ્યારે રાશિદની ઈકોનોમી માત્ર 3.25 રન પ્રતિ ઓવરની જ રહી. રાશિદની ચુસ્ત બોલિંગના લીધે જ મુંબઈના બેટ્સમેનો પર ઝડપી રન બનાવવાનું પ્રેશર વધતું રહ્યું અને તે નિયમિત રીતે વિકેટો ગુમાવતા રહ્યાં. આ રીતે રાશિદને મેચના સર્વશ્રેષ્ઠ ખેલાડી તરીકે પસંદ કરવામાં આવ્યો.ઉલ્લેખનીય બાબત એ છે કે, રાશિદે એવા સમયે બોલિંગ ફેંકી હતી જ્યારે ક્રિઝ પર કૃણાલ પંડ્યા અને કેરોન પોલાર્ડ જેવા હાર્ડહિટિંગ બેટ્સમેનો હતા.