હવે દિલ્હીના મેચનું સ્થળ બદલાશે

આઇપીએલ: ચેન્નાઇ બાદ દિલ્હી ડેરડેવિલ્સના હોમ મેચ પર સંકટ વૈકલ્પિક શહેરોમાં રાજકોટના નામની પણ વિચારણા
નવી દિલ્હી તા.14
આ વખતે આઇપીએલની શરૂઆતમાં અવળા ગણેશ બેઠા હોય તેમ કાવેરી જળ વિવાદને પગલે ચેન્નાઇ સુપર કિંગ્ઝ ટીમના છ હોમ મેચ ચેન્નાઇથી પુણે ખસેડવાની ભારતીય ક્રિકેટ બોર્ડને ફરજ પડી છે, ત્યાં જ હવે દિલ્હી ડેરડેવિલ્સ ટીમના દિલ્હીમાં રમાનારા હોમ મેચનું પણ અન્ય શહેરમાં સ્થળાંતર કરવું પડે તેવી સંભાવના વ્યકત થઇ રહી છે.
ચેન્નાઇના મેચ માટેના વૈકલ્પિક શહેરોમાં સ્થાન પામ્યા બાદ છેલ્લે મેચ નહીં મેળવી શકનાર રાજકોટનો દિલ્હીના મેચ માટે પણ વૈકલ્પીક શહેરોમાં સમાવેશ કરાયો છે. રાજકોટને મેચ મળશે કે કેમ તે જોવું રસપ્રદ બનશે.
આઇપીએલ-11 શરૂ થયા પછી પહેલા ચેન્નાઇ સુપર કિંગ્સ પછી હવે દિલ્હી ડેયરડેવિલ્સના હોમ મેચો ઉપર સંકટના વાદળો આવી રહ્યા છે. જો દિલ્હી હાઇકોર્ટ આધિકારીક બ્રોડકાસ્ટરને આઇપીએલ મેચો દરમિયાન ફિરોઝશાહ કોટલા સ્ટેડિયમના જૂના ક્લબ હાઉસમાં કેમેરા લગાવવાની અનુમતિ આપતું નથી. જ્યારે દિલ્હીની મેચો બીજા શહેરોમાં શિફ્ટ થઇ શકે છે.
આ અંગે પ્રારંભિક ધોરણે એવું માનવામાં આવી રહ્યું છે કે મેચના પ્રસારણ સાથે જોડાયેલા આ ગંભીર મુદ્દા ઉપર આઇપીએલ દિલ્હી ડેયરડેવિલ્સ અને દિલ્હી ક્રિકેટ એસોસિએશન મેનેજમેન્ટ વચ્ચે એક બેઠક પણ થઈ હતી. બેઠકમાં લગભગ બધા પક્ષો એ વાત ઉપર સહમત થયા હતા કે, બોલરના બોલિંગ આર્મને ફોલો કરનારા કેમેરા ન લગાવવું એ પ્રસારણ સાથે મોટું સમાધાન થશે. આવી સ્થિતિમાં દિલ્હી ઉપરાંત વૈકલ્પિક મેદાનો ઉપર પણ વિચાર શરૂ થઇ ગયો છે. જેમાં કાનપુર, રાજકોટ, રાયપુર ઉપરાંત ઇન્દોરના સ્ટેડિયમનો સમાવેશ થાય છે.
દિલ્હી હાઇકોર્ટે ક્લબ હાઉસ સાથે સંકળાયેલા મુદ્દાઓ ઉપર 18 એપ્રિલે સુનાવણી હાથ ધરશે. આ પહેલા જ દિલ્હી ક્રિકેટ એસોસિએશન હાઇકોર્ટમાં અરજી દાખલ કરી શકે છે. અત્રે નોંધનીય છે કે આરપી મેહરા બ્લોક ફિરોજશાહ કોટલાના અવશેષોની નજીક હોવાના કારણે વિવાદોમાં છે. ટી20 વર્લ્ડ કપ દરમિયાન દિલ્હીમાં રમાનારી મેચો ઉપર આ પ્રકારનું સંકટ મંડરાઇ રહ્યું છે. જોકે, ત્યારે હાઇકોર્ટની મંજૂરી મળ્યા પછી દિલ્હીમાં નક્કી કરેલા કાર્યક્રમ અંતર્ગત મેચો રમાશે. મીડિયા અને કેમેરાઓ માટે કોર્ટ પાસેથી મંજૂરી મળી પણ જાય તો રેવેન્યૂના હિસાબથી દિલ્હી ફ્રેન્ચાઇઝી માટે ખુબ જ નુકસાન કારક હશે. કારણ કે ઓછામાં ઓછું 2300 સીટ વેચાણ માટે ઉપલબ્ધ નહીં હોય.