દીવાલ માથે પડશે એવા ડરથી દોડેલા યુવકનું હાર્ટએટેકથી મોત!

ધારીના શીવડ ગામે સરપંચે વીજચેકીંગ ટીમના કર્મીને ગાળો ભાંડીને ધમકી આપી
અમરેલી તા.14
કોનું મૃત્યુ કયારે કઇ રીતે આવશે એ કોઇ નથી જાણી શકતું. જાફરાબાદ તાલુકામાં આ વાત સાચી ઠરે એવા એક કિસ્સામાં એક યુવાન દીવાલ પોતાની ઉપર પડશે તેવા ડરે દોડવા લાગતાં હાર્ટએટેકથી મોત નિપજ્યું હતું. રાજુલાનાં ચાંચબંદર ગામે રહેતા અને જાફરાબાદના લુણસાપુર ગામે આવેલ સિન્ટેક્ષ કંપનીમાં દીવાલ પાડવાની કામની મજુરી કરતા સુખદેવ રૂપસીંગભાઇ શીયાળ નામનો 18 વર્ષીય યુવક પોતાના પિતા સાથે કામ કરી રહયો હતો ત્યારે દીવાલ માથે પડશે તેવી બીક લાગતા ભયનાં કારણે એકદમ દોડવા લાગતા તેમને હૃદયરોગનો હુમલો આવી જતા મૃત્યુ થયાનું પોલીસમાં જાહેર થવા પામેલ છે.
વીજકર્મીની ફરજમાં રૂકાવટ
ધારી ગામે વીજ કંપનીમાં ફરજ બજાવતા મેહુલભાઇ લીંબાસીયા તથા તેમની સાથે કામ કરતા કર્મચારીઓ ગઇકાલે બપોરે ધારીના શીવડમાં ચેકીંગ કરી રહયા હતા ત્યારે સરપંચ ચંપુભાઇ તથા બે માણસોએ ચેકીંગ ટીમને તેમની ફરજમાં અવરોધ ઉભો કરી ગાળો આપી, લાકડી જેવા હથીયારો ધારણ કરી ટીમને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ ધારી પોલીસમાં નોંધાઇ છે.