કલાનગરી ભાવનગરમાં કાલથી ચાર દી’ ગંગાજળિયા કાર્નિવલ

શહેરના 296માં સ્થાપના દિને બોરતળાવ ખાતે ભવ્ય કાર્યક્રમ 18મીએ ‘ભાવોત્સવ’માં લોકગીતોની જમાવટ, કેકકટિંગ-કેન્ડલ લાઈટિંગ
લેઝર લાઈટિંગ, આતશબાજી અને શણગારથી શહેર બન્યું દુલ્હન સમું કાલે ચિત્ર-સ્પર્ધા,16મીએ સાંજે ગીત-સંગીત, 17મીએ નૃત્યોત્સવ (વિપુલ હિરાણી) ભાવનગર તા.14
ભાવનગર પશ્ર્ચિમના ધારાસભ્ય અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી દ્વારા પ્રેરિત અને પ્રોત્સાહિત ભાવનગર જન્મોત્સવ સમિતિ દ્વારા પ્રતિવર્ષ સંસ્કાર અને કલાનગરી ભાવનગરના જન્મ દિવસની ભવ્ય અને યાદગાર કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવે છે. આ પરંપરા મુજબ આ વર્ષે પણ આવા જ ભવ્ય કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવે છે. આ પરંપરા મુજબ આ વર્ષે પણ આવા જ ભવ્ય કાર્યક્રમો સાથે ગંગાજળીયા કાર્નિવલ- 2018ની ઉજવણી તા.15થી 18 કૈલાસ વાટીકા-બોરતળાવ ખાતે થશે. આ અંગેની તૈયારીઓ પૂર્ણતાના આરે છે.
નવપલ્લવિત થયેલ ગૌરીશંકર સરોવર (બોરતળાવ) ભાવનગરનું નજરાણું બન્યું છે ત્યારે આ સ્થળની ભાવેણાવાસીઓ મુલાકાત લે અને સાથે ભાવનગરના જન્મ દિવસની ઉજવણીમાં પણ સામેલ થાય તે હેતુથી બોરતળાવની કૈલાસવાટીકા ખાતે તા.16થી 18 સાંસ્કૃતિક કાર્યક્રમો અને ઉજવણી થશે. જયારે તા.15ને રવિવારે બોરતળાવ ખાતે ડ્રોઈંગ કોમ્પીટીશન યોજાશે.
તા.15 એપ્રિલને રવિવારે ભાવેણા રંગોત્સવ 2018 કલાગુરૂ સ્વ.ખોડીદાસભાઈ પરમારને અર્પણ કરીને આ ડ્રોઈંગ કોમ્પીટીશન યોજાશે જેમાં વિવિધ વિષયો પર 80થી વધુ કલાકારો બોરતળાવની દિવાલો પર વિવિધ વિષયો પર ચીત્રો તૈયાર કરશે. તા.16ને સોમવારે સાંજે 7 કલાકે કૈલાસવાટીકામાં તૈયાર કરાયેલ વિશાળ સ્ટેજ પર ગીત સંગીત અને વેસ્ટર્ન ડાન્સનો ભવ્ય કાર્યક્રમ યોજાશે. ભાવેણા સ્વરોત્સવ 2018નો આ કાર્યક્રમ કલાગુરૂ મહમદભાઈ દેખૈયાને અર્પણ કરાયો છે. અને આ કાર્યક્રમમાં ભાવનગરના સુપ્રસિધ્ધ કલાકારો ફિલ્મી, સુગમ, ગુજરાતી ગીતોની રમઝટ બોલાવશે તો ડાન્સ ગ્રુપ દ્વારા વેસ્ટર્ન ડાન્સની પ્રસ્તુતિ પણ સૌ કોઈને મંત્રમુગ્ધ કરશે.
લેઝર લાઈટીંગ વિશાળ સ્ટેજ, રંગબેરંગી રોશની, આતશબાજી, વિશાળ એલઈડી સ્ક્રીન, સહિતના આકર્ષણો સાથેના આ કાર્યક્રમોની શ્રૃંખલામાં બીજા દિવસે ભાવેણા નૃત્યોત્સવ 2018 યોજાશે. કલાગુરૂ સ્વ. ધરમશીભાઈ શાહને સમર્પિત આ કાર્યક્રમમાં માત્ર ભાવનગર જ નહીં પરંતુ રાજય અને રાષ્ટ્રીય સ્તરે નામના અને ખ્યાતિ ધરાવતી સંસ્તાઓ અને કલાકારો લોકનૃત્યો, સમુહનૃત્ય, માઈમ, સ્કીટ સહિતની કૃતિઓની જમાવટ કરશે. ઉલ્લેખનીય છે કે તમામ કાર્યક્રમો જાહેર જનતા માટે અને વિનામૂલ્યે આયોજીત કરાયા છે. તા.18 એપ્રિલને બુધવારે અખાત્રીજ એટલે કે ભાવનગરનો જન્મ દિવસ ભાવેણા ભાવોત્સવ 2918 ઉજવાશે. આ કાર્યક્રમ ભાવનગરના રાજકવિ સ્વ. પીંગળશીભાઈ ગઢવી (નરેલા) ને અર્પણ કરાયો છે. આ કાર્યક્રમમાં રાત્રે જાણીતા કલાકાર મારી લાડલી અને માડી મોગલ ફેઈમ કીર્તીદાન ગઢવી અને તેના સાથીદારો ભાવેણાવાસીઓને જલસો કરાવશે. આ ઉપરાંત ભાવનગરનું નામ રોશન કરનાર પ્રતિભાઓનું સન્માન, ભાવેણાના જન્મદિનનું કેક કટીંગ, કેન્ડલ લાઈટીંગ તથા અન્ય કાર્યક્રમો પણ આ સાથે યોજાશે. આ દિવસે સવારે મહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ સહિતના કાર્યક્રમો પણ યોજાશે.
આમ, તા.15થી 18 એપ્રિલ કલા અને સાંસ્કૃતિકનગરી ભાવેણા પોતાની માતૃભૂમિ ભાવનગરના 296માં જન્મદિવસની ભવ્ય ઉજવણી કરશે. આ તમામ કાર્યક્રમોમાં ભાવેણાવાસીઓને ઉમળકાભેર જોડાવા અને કાર્યક્રમોને માણવા ધારાસભ્ય ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ સહુ ભાવેણાવાસીઓને જાહેર આમંત્રણ આપતા જણાવ્યુ છે કે, સહુ કોઈને જાહેર આમંત્રણ છે અને આ કોઈ વ્યકિત કે સંસ્થાનો નહીં પરંતુ આપણા સહુનો કાર્યક્રમ છે અને મીડિયાના માધ્યમથી સહુને હું આમંત્રણ આપું છું. ભાવનગરની સુવિખ્યાત વાનગીઓ સાતેનો ફુડ કોર્ટ પણ રહેશે 16થી 18ના આ ભવ્ય કાર્યક્રમો દરમ્યાન કાર્યક્રમ સ્થળે ભાવનગરી પાઉં-ગાંઠીયા, ભુંગળા-બટેટા સહિતની વાનગીઓ અને ઠંડા પીણા, આઈસ્ક્રીમ સાથેનો ફુડ કોર્ટ પણ રહેશે જેથી કાર્યક્રમ માણવા આવેલા ભાવનગરવાસીઓ કાર્યક્રમ સાથે ભાવનગરની વાનગીઓની જીયાફત પણ માણી શકશે.
450થી વધુ કલાકારો-કસબીઓ પ્રસ્તુતિ કરશે આ ચાર દિવસના ભવ્ય ગંગાજળીયા કાર્નિવલ-2018 દરમ્યાન શહેર અને રાજયના સુખ્યાત 450 થી વધુ કલાકારો અને કસબીઓ માત્ર ભાવેણા પ્રત્યેના પોતાના પ્રેમ અને લાગણીના ભાવ સાથે પોતાની પ્રસ્તુતિ કરશે.