કર્ણાટકમાં ભાજપનો મેળ નહીં પડે

ઓપિનિયન પોલ: 225 સભ્યોની વિધાનસભામાં કોંગ્રેસને 90 થી 101 અને ભાજપને ફ્કત 78 થી 86 બેઠકો મળે તેવું તારણ
બેંગલુરુ: કર્ણાટક વિધાનસભાની ચૂંટણીની આડે બરોબર એક મહિનાનો સમય બાકી રહ્યો છે તેવામાં રાજ્યમાં સત્તાધીશ કોંગ્રેસ અને ભાજપ એમ બંને પોતપોતાના વિજયના દાવા થઈ રહ્યા છે, તે દરમિયાન હાથ ધરવામાં આવેલા આજ તક ચેનલના ઓપિનિયન પોલનાં તારણ મુજબ આજની તારીખમાં ચૂંટણી યોજાય જાય તો 225 સભ્યોની વિધાનસભામાં સત્તાધારી કોંગ્રેસ 90થી 101 બેઠક મેળવીને સૌથી મોટા પક્ષ તરીકે ઊભરી શકે છે, પરંતુ ભાજપને 78થી 86 બેઠક મેળવીને સંતોષ મેળવવો પડશે. જેડીએસ ગઠબંધનને 34થી 43 બેઠક મળી શકે છે. વર્તમાન વિધાનસભામાં કોંગ્રેસ 122, ભાજપ 43, જેડીએસ 29 તો અન્ય વિધાનસભ્યો 14 બેઠક ધરાવે છે, તો 16 બેઠક ખાલી છે. એક વિધાનસભ્યની વરણી એંગ્લો-ઇન્ડિયન સમુદાયમાંથી થાય છે. સર્વેક્ષણમાં સિદ્ધારમૈયા સૌથી વધુ લોકોની પસંદગી હોવાનું બહાર આવ્યું છે. 33 ટકા લોકોનું માનવું છે કે સિદ્ધારમૈયા ફરી મુખ્ય પ્રધાન બનશે જ્યારે 26 ટકાનું માનવું છે કે બી. એસ. યેદીયુરપ્પા મુખ્ય પ્રધાન બનશે. ભાજપના અલગ અલગ નેતાને મુખ્ય પ્રધાનપદે પસંદ કરવાને મુદ્દે લોકોનો અભિપ્રાય વહેંચાયેલો રહ્યો હતો. જેડીએસના નેતા એસ. ડી. કુમારસ્વામી પર 21 લોકોએ મુખ્ય પ્રધાનપદ માટે પસંદગી ઉતારી છે. 73 ટકા લોકોએ સિદ્ધારમૈયા સરકારે કન્નડભાષાને ફરજિયાત બનાવી તે નીતિનું સમર્થન કર્યું હતું.