આવતીકાલે શ્રી અનંતનાથ ભગવાન જન્મ કલ્યાણક

‘છે એક વિનંતી નાથ ! મ્હારી કાનમાં અવધારજે,
પ્રત્યેક અક્ષર પ્રાર્થનાના હૃદયમાં કંડારજે
સાક્ષાત કે સ્વપ્ન દઇ દર્શન પ્રભુ! મને ઠારજે
હૈયે ઉછળી જે ભાવધારા સતત તેને વધારજે’
આ સંસારમાં અનંત સુખ આપનારા અને જેમણે અનંત ચતુષ્ટયની સિધ્ધ કરેલાં છે એવા શ્રી અનંતનાથ પ્રભુના ત્રણ કલ્યાણકો જન્મ (ચૈત્રવદ-13) દીક્ષા અને કેવળજ્ઞાન (ચૈત્રવદ -14) એમ સળંગ બે દિવસ છે. અપાર સંસારરૂપ સમુદ્રને તરવામાં વહાણ જેવું શ્રી અનંતનાથ પ્રભુનું ચરિત્ર આપણે આ બે દિવસ જાણીશું.
અયોધ્યા નગરીમાં સિંહસેન નામે રાજા રાજય કરતો હતો. તેમને શીલ અને યશના ગુણો વડે શોભતી સુયશા નામે રાણી હતી. ઉત્તમ ગુણોથી શોભતા, હૃદયમાં પરમાત્મા ભક્તિ, સંસારના જીવો પ્રત્યે મૈત્રી, કરુણા જેવા ભાવો ધરાવતા શાંત, શીલવાન, એવા આ રાજા-રાણીને ત્યાં જગતમાં સર્વને ધ્યાન કરવા યોગ્ય અનંત શક્તિઓ જેના આત્મપ્રદેશોમાં ફેલાયેલી હતી તેવા જગતના તાત, નાથ શ્રી અનંતનાથ, પ્રભુનો જન્મ ચૈત્રવદ 13ના શુભ દિવસે થયો.
પ્રભુના જન્મ સમયે ત્રણે લોકમાં આનંદ છવાઈ ગયો. નારકીના જીવોને એક અદભુત સુખનો ક્ષણિક આનંદ થયો. બાજપક્ષીના ચિહનવાળા, સુવર્ણવર્ણ, અર્હતના જન્મને વધાવવા દેવલોકમાંથી છપ્પનદિકકુમારીકાઓ પધારી. સુતિકા કર્મ બજાવ્યો. સૌધર્મ કલ્પના ઈન્દ્ર નાના બાળપ્રભુને મેરુપર્વત પર લઇ ગયા. ‘અતિપાંડુકંબલા’ નામની શિલા ઉપર હજારો કળશો, વાંજિત્રો, ગાયન, પુષ્પવૃષ્ટિથી પ્રભુને સ્નાન કરાવ્યું. પ્રભુની ચંદાનાદિકથી વિલેપનપૂજન કરી આરતી કરી. સ્તુતિ કરી પાછા માતાની બાજુમાં મૂક્યા. જયારે પ્રભુ ગર્ભમાં હતા તે વખતે પિતા સિંહસેને શત્રુઓના અનંત સૈન્યને જીત્યું હતું. તનેથી પ્રભુનું નામ ‘અનંતજિત’ એવું પાડવામાં આવ્યું.
જપ તપ વિધી
ૐ હ્રીં શ્રી અનંતનાથ અર્હતે નમ : 20 નવકારવાળી
12 લોગસ્સનો કાઉસગ્ગ, 12 સાથિયા, 12 ફળ, 12 નૈવેદ્ય, 12 ખમાસમણા
તપ: ઉપવાસ/આયંબીલ/એકાસણા/શક્તિમુજબ
ખમાસમણાનો દુહો : પરમ પંચ પરમેષ્ઠિના પરમેશ્ર્વર ભગવાન ચાર નિક્ષેપે ધ્યાઈએ નમો નમો શ્રી જિનભાણ
(જિનઆજ્ઞા વિરુધ્ધ કાંઇપણ લખાયું હોય તો ત્રિવિધે ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ્ )