ઇશ્ર્વરિયા પાર્કમાં બે વર્ષમાં બની જશે સાયન્સ સિટી

રાજકોટ તા.13
રાજ્ય સરકાર દ્વારા બે વર્ષ પહેલા બજેટમાં રાજકોટના ઇશ્ર્વરિયા પાર્કમાં સાયન્સ સીટી બનાવવાની જાહેરાત કરવામાં આવ્યા બાદ બે વર્ષે ખાતમુહૂર્ત કરવાનું મુહૂર્ત નીકળ્યું છે અને રૂા.78 કરોડના ખર્ચે નિર્માણ પામનાર સાયન્સ સીટીનો પ્રોજેકટ બે વર્ષમાં પૂર્ણ કરવામાં આવનાર છે.
આગામી રવિવારે રાજકોટમાં મુખ્યમંત્રીના હસ્તે 300 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવનાર છે ત્યારે ઇશ્ર્વરિયા પાર્કમાં બનનાર સાયન્સ સીટીનું પણ ભૂમિપૂજન પણ કરવામાં આવનાર છે.
રાજકોટ કલેકટર તંત્ર દ્વારા એક વર્ષ પહેલા રાજ્યના સાયન્સ અને ટેકનોલોજી વિભાગને ઇશ્ર્વરિયામાં 10 એકર જમીન સાયન્સ સીટી બનાવવા માટે ફાળવી દેવામાં આવી છે. સાયન્સ અને ટેકનોલોજી વિભાગના અધિકારીઓ દ્વારા જમીનમાં માર્કીંગ પણ કરી દેવામાં આવ્યું છે. સાયન્સ સીટી માટે ટેન્ડર પ્રસિધ્ધ કરી દેવામાં આવ્યું છે.
જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા રાજકોટની ભાગોળે પ્રાકૃતિક સૌંદર્યથી ખુબ જ સમૃદ્ધ એવા ઇશ્ર્વરિયા પાર્ક ખાતે આશરે 10 એકર જમીનના વિશાળ ક્ષેત્રફળમાં અંદાજે રૂ. 78 કરોડના ખર્ચે લેટેસ્ટ ટેકનોલોજી સાથેનું નમૂનેદાર અને અદભૂત સાયન્સ મ્યુઝિયમ બનાવવામાં આવનાર છે.
તેઓએ વિશેષમાં ઉમેર્યું હતું કે, શિક્ષણ ક્ષેત્રે સમગ્ર સૌરાષ્ટ્રનું હબ બની ચુકેલા રાજકોટમાં આ શાનદાર પ્રોજેક્ટ શિક્ષણ જગત માટે અત્યંત ઉત્સાહવર્ધક અને પ્રોત્સાહનરૂપ બની રહેશે. આ સાયન્સ મ્યુઝિયમ પ્રોજેક્ટ સ્માર્ટ સિટી રાજકોટની પ્રતિષ્ઠામાં જબ્બર વધારો કરશે. શિક્ષણની સાથોસાથ સૌરાષ્ટ્રના લોકો માટે હરવા ફરવાના એક નવા રોમાંચક સ્થળની ઉપલબ્ધિની સાથોસાથ તેઓના જ્ઞાન અને માહિતીમાં વધારો પણ થઇ શકશે. અધ્યત્તન સરકયુલર ડીઝાઈન ધરાવતા આ સાયન્સ સિટી અને સાયન્સ મ્યુઝિયમમાં રોબોટીક્સ ગેલેરી, થ્રી-ડી, સેન્ટ્રલ કોટ, લાઈબ્રેરી, આઈમેક્સ થિયેટર, લાઈટ્સ સાયન્સ, નોબેલ પ્રાઈઝ ફિઝિક્સ, સહિતની અનેક સુવિધાઓ અને આકર્ષણો તેમાં ઉપલબ્ધ હશે.
ગાંધીનગરમાં બનેલ અફલાતુન સાયન્સ સીટી જેવું જ બીજુ સાયન્સ સીટી રાજકોટમાં બનનાર છે. ઇશ્ર્વરિયા પાર્કમાં નિર્માણ પામનાર સાયન્સ સીટીમાં રોબેટીક સુવિધા તેમજ સૌરાષ્ટ્રના ખ્યાતનામ ઉદ્યોગોની પ્રતિકૃતિઓ પણ મુકવામાં આવનાર છે. રાજ્ય સરકાર દ્વારા પ્રથમ તબક્કા માટે રૂા.પ કરોડની ગ્રાંટ પણ ફાળવી દેવામાં આવી છે. આગામી રવિવારે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે પ.10 કલાકે સાયન્સ સીટીનું ભૂમિપૂજન કરવામાં આવનાર છે. ખાતમુહૂર્ત થયા બાદ આ પ્રોજેકટ શરૂ થશે.
આ ઉપરાંત મુખ્યમંત્રીના હસ્તે પ.3પ કલાકે કાલાવડ રોડ ઉપર આવેલ આત્મીય કોલેજ સામે પશ્ર્ચિમ મામલતદાર કચેરીનું ભૂમિપૂજન કરવામાં આવનાર છે. આ કચેરીમાં સીટી પ્રાંત-ર કચેરી પણ બનનાર છે તેમજ સ્ટાફ માટે કવાર્ટર પણ બનાવવામાં આવનાર છે. મુખ્યમંત્રીનો સત્તાવાર કાર્યક્રમ
9.1પ રાજકોટ એરપોર્ટ ઉપર આગમન
9.30 ઇસ્ટ ઝોન કચેરી
11.00 અનામત
11.1પ સર્કીટ હાઉસ
3.00 ઇમ્પીરીયલ પેલેસ, ગાલા ઇવેન્ટ
પ.10 સાયન્સ સીટીનું ભૂમિપૂજન
પ.3પ મામલતદાર કચેરીનું ભૂમિપૂજન કાલાવડ રોડ
6.00 જાહેર સભા ગુંજન પાર્ક મેઇન રોડ
7.1પ રાજકોટ એરપોર્ટથી અમદાવાદ જવા રવાના