સાધનોથી નહીં પરંતુ સાધનાથી જીવન સુદૃઢ થાય: અપૂર્વમુનિ

બીએપીએસ મંદિર દ્વારા પાથ ઓફ પ્રોગ્રેસ વિષય પર સેમિનાર યોજાયો: 1100થી વધુ ઉદ્યોગપતિ રહ્યા હાજર
રાજકોટ તા,13
પ્રમુખસ્વામી મહારાજનો 98મો જન્મજયંતી મહોત્સવ રાજકોટ ખાતે ખુબ જ ભવ્યતા અને દિવ્યતાપૂર્વક ઉજવાશે. જે અંતર્ગત સમગ્ર વર્ષ દરમિયાન રાજકોટ શહેરમાં વિવિધ સામાજીક અને આધ્યાત્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા હેમુગઢવી હોલ ખાતે પાથ ઓફ પ્રોગ્રેસ વિષય પર રાજકોટ શહેરમાં આવેલ વિવિધ ઈન્ડસ્ટ્રીઝના માલિકો, પાર્ટનર્સ, ડિરેકટર્સ, મેનેજર્સ માટે રાજકોટ લીડર્સ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રગતિશીલ રાજકોટના આ ઉદ્યોગપતિઓ સમક્ષ કાર્યક્રમની શરુઆતમાં પ્રેરણાત્મક વિડીયો શો રજૂ કરવામાં આવ્યો હતો. ભારતીય પરંપરા મુજબ યુવકો દ્વારા માંગલીક પ્રાર્થના કરવામાં આવી હતી. ત્યારબાદ રાજકોટ મંદિરના સંત નિર્દેશક અપૂર્વમૂનિ સ્વામીએ ‘પાથ ઓફ પ્રોગ્રેસ’ વિષય પર પ્રેરક ઉદબોધનનો લાભ આપ્યો હતો. જેમાં સૌ ઉદ્યોગપતિઓને ફીઝીકલ પ્રોગ્રેસ, ઈકોનોમીકલ પ્રોગ્રેસ, સોશીયલ પ્રોગ્રેસ, મેન્ટલ પ્રોગ્રેસ તથા સ્પીરીચ્યુઅલ પ્રોગ્રેસ આ પાંચ મુદ્દા પર વિવિધ પ્રેઝન્ટેશન વિડીયો દ્વારા ખુબ સુંદર રીતે પ્રેરક ઉદબોધનનો લાભ આપ્યો હતો.
પૂજય અપૂર્વમુનિ સ્વામીએ ‘પાથ ઓફ પ્રોગ્રેસ’ વિષય પરના ઉદબોધનમાં જણાવ્યું હતું કે, આપણે સમૃદ્ધિને અપડેટ કરી, પણ સાધનાને અપડેટ નથી કરી. સાધનોથી અપડેટ ન થવાય, સાધનાથી જીવન સુદ્રઢ થાય. જો પોતાના પરીવારને સમય ન આપી શકીએ તો લાખ રૂપિયા પણ રાખ સમાન છે. આપણી દોટ લોકપ્રિય થવાની છે જેથી પરિવારપ્રિય નથી થઇ શકતા વધુમાં0 જણાવ્યું કે પૈસા વધ્યા છે પરંતુ પૈસાને સાચવવાની વૃત્તિ ઘટી છે. જીવનમાં બધા જ પ્રોગ્રેસ હોવા છતાં પણ જો સ્પીરીચ્યુઅલ પ્રોગ્રેસ ન હોય તો અંતરમાં શાંતિનો અનુભવ થતો નથી. આજના આધુનિક માનવીને શારીરીક, આર્થિક, સામાજીક અને માનસિક પ્રોગ્રેસની સાથે સાથે જરૂર છે. આધ્યાત્મિક પ્રોગ્રેસની. વૈજ્ઞાનિકો પણ હવે ઈન્ટેલિજન્ટ કવોશન્ટ, ઈમોશનલ કવોશન્ટની સાથે સ્પીરીચ્યુઅલ કવોશન્ટનો સ્વીકાર કરતા થયા છે.
પ્રમુખસ્વામીની આધ્યાત્મિક પ્રગતિથી અભિભૂત થઇ વિશ્ર્વના શ્રેષ્ઠ વૈજ્ઞાનિક અને ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો.અબ્દુલ કલામે પ્રમુખસ્વામી મહારાજ પર પુસ્તક લખ્યું છે. જેમાં તેઓ પ્રમુખસ્વામી મહારાજને એમના ‘અલ્ટીમેટ ટીચર’ ગણાવી જણાવે છે કે ‘પ્રમુખસ્વામી મહારાજે મને ભગવાનની ભ્રમણ કક્ષામાં મુકી દીધો છે’.
જે પ્રભાવ સ્પીરીચ્યુઅલ પ્રોગ્રેસનો છે. જીવનમાં બધી જ પ્રોગ્રેસ હોવા છતાં પણ જો સ્પીરીચ્યુઅલ પ્રોગ્રેસ ન હોય તો અંતરમાં શાંતિનો અનુભવ થતો નથી એ વાત પ્રમુખસ્વામી મહારાજે આપણને સૌ કોઇને શીખવી છે. શહેરમાં આવેલ રાજકોટ એન્જિ. એસો., આજી ઈન્ડસ્ટ્રીયલ એસો., સમ્રાટ ઈન્ડસ્ટ્રીયલ એસોસીએશન, રાજકોટ ગ્રેટર ચેમ્બર્સ કીચનવેર મેન્યુફેકચરીંગ એસોસીએશન, હાર્ડવેર મેન્યુફેકચરીંગ એસોસીએશન અંતર્ગત આવતી 1100 થી વધુ ઈન્ડસ્ટ્રીઝના માલીકો, પાર્ટનર્સ, ડિરેકટરર્સ, મેનેજર્સ આ સેમીનારમાં ઉપસ્થિત રહ્યા હતા.