13 વિધેયકને મંજૂરી આપતા રાજ્યપાલ કોહલી: એક બિલ રાષ્ટ્રપતિને મોકલાયું

રાજકોટ તા.13
ગુજરાત વિધાનસભામાં મંજુર કરાયેલ 13 વિધેયકોને રાજ્યપાલ દ્વારા મંજુરી આપી દેવામાં આવી છે. રાજ્યપાલ તરફથી મંજુરી મળ્યા બાદ આ વિધેયક હવે ગુજરાતમાં કાયદાના સ્વરુપે અમલી બનશે. જેમાંથી એક વિધેયક કેન્દ્રીય કાયદાઓને લગતો હોવાના કારણે રાષ્ટ્રપતિની મંજુરી માટે મોકલવામાં આવ્યો છે. ખેતીની જમીનના ટૂકડા પડતા અટકાવવા અને એકત્રિતી કરણ બાબતના અધિયનમને રાષ્ટ્રપતિની મંજુરી માટે મોકલાયો છે. જ્યારે રાજ્યપાલે મંજુર કરેલ 14 વિધેયકોમાં સૌથી મહત્વનો વિધેયક અનૂસૂચિત જાતિ, અનૂસૂચિત જનજાતિા અને પછાત વર્ગ જાતિ પ્રમાણપત્ર કાઢી આપવુ અને ખરાઈ કરવા બાબતનો વિધેયક છે. આ વિધેયકને કાયદાનુ સ્વરુપ મળતા હવે જાતિનુ ખોટુ પ્રમાણપત્ર મેળવી સરકારી લાભ મેળવનાર વ્યક્તિને છ મહિનાથી લઈ ત્રણ વર્ષ સુધીની કેદ તેમજ 10 હજારથી લઈ 50 હજાર સુધીનો દંડ થઈ શકે છે. આ ઉપરાંત ખોટુ પ્રમાણપત્ર કાઢી આપનાર કે તેમાં મદદ કરનારને પણ સજા થશે. આ ઉપરાંત ગુજરાત પોલીસ સુધારા વિધેયકને પણ મંજુરી આપવામાં આવી છે જે અંતર્ગત રેસ્ટોરન્ટ અને ઈટિંગ હાઉસને પોલીસ લાઈસન્સ મેળવવાની મુક્તિ અપાઈ છે. તેમજ ગુજરાત સ્ટેમ્પ સુધારા વિધેયક, રજિસ્ટ્રેશન સુધારા વિધેયક, ગુજરાત મુલ્ય વર્ધી વેરા વિધેયક, ખાનગી યુનિવર્સિટી સુધારા વિધેયક અને વીનિયોગ વિધેયકને રાજ્યપાલે મંજુરી આપી છે. જેથી હવે આ વિધેયક કાયદાનુ સ્વરુપ ધારણ કરશે.