શ્રી વલ્લભાખ્યાનમાં પ્રાગટ્યોત્સવના હરખની હેલી

શ્રી મહાપ્રભુજીના 541મા પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે ક્ષ દીપશિખા વહુજીના શ્રીમુખે કથાના ત્રીજા દિવસે મોટી સંખ્યામાં વૈષ્ણવો તેમજ આચાર્યોની ઉપસ્થિતિ
રાજકોટ તા.13
મહાપ્રભુજીના પ્રાગટય મહામહોત્સવ અનુલક્ષીને વૈષ્ણવો ગુરુવારે કેસરી ઉપરણા તેમજ લાલ-પીળા વસ્ત્રો ધારણ કરી આવ્યા હતા. કાર્યક્રમ અધ્યક્ષ સપ્તમદીઠ યુવરાજ અનિરૂધ્ધલાલજી મહોદયની ઉપસ્થિતિમાં આજે કથાના તૃતિય દિવસનો પ્રારંભ થયો હતો.
કથામાં દિપશિખા વહુજીએ જણાવેલ કે રઘુકુળ યાદવકુળ અને વલ્લભકુળ એમ ત્રણે કુળમાં વલ્લભકુળમાં પિતા પણ પુરૂષોતમ અને પુત્ર પણ પુરૂષોતમ છે. કિર્તનકારોએ જન્માષ્ટમીની વધાઇ ગાનમાં અષ્ટસખા પરમાનંદદાસના સોવન ફલે ફુલી યશોદાનું સુમધુર તાલબધ ગાન કરેલ.બીજા વલ્લભાખ્યાનનો પ્રારંભ કરતાં દિપશીખા વહુજીએ મહાપ્રભુજીના અધિભૌતિક આધ્યાત્મિક અને આધિદૈવિક સ્વરૂપનાં વર્ણન સાથે પ્રાણપતિનો અર્થ સમજાવેલ કે પ્રાણીમાત્રના પતિ અને જન્મમરણના દુ:ખોને નિવૃત કરનાર મહાપ્રભુજી છે. આગળ વધતા શ્રીકૃષ્ણના જન્મલીલાનું વર્ણન છે તેવું જ મહાપ્રભુજીના પ્રાગટયનું આપની ભાવભરેલ વાણી દ્વારા વર્ણન કર્યુ હતું.શ્રીમદ્દ ભાગવત અને ગીતાજી ઉપર જણાવેલ કે શ્રીપ્રભુની જેમ મહાપ્રભુજીનો લૌકિક અને અલૌકિકમાં સુયશ ફેલાયેલ છે. અનંતકોટી બ્રહ્માંડમાં પણ સુયશ ફેલાયેલ છે. ભકિતમાર્ગનો રંગ કેસરીયો છે જે નિર્ભયતામાં રહેવાનું કરે છે. મહાપ્રભુજીએ દશે દિશામાં પગે ચાલી તીર્થો અનાજ કરેલ છે. કાશીમાં માયાવાદીઓ માટે પત્રાવલંબ ગ્રંથ રચ્યો છે અને માયાવાદનું ખંડન કરેલ છે. સૌથી મહાન મંત્ર શ્રીકૃષ્ણ શરણં મમ્ નું દાન આપેલ છે અને ઘરમાં જ પ્રભુ પધરાવી સેવા કરવાનું અધ્યાહન આપેલું છે.કાર્યક્રમમાં શોભાયાત્રા પધાર્યા બાદ અક્ષયકુમારજી (કૃષ્ણાશ્રય હવેલી - રાજકોટ) અનિરૂધ્ધલાલજી (મદનમોહનજી હવેલી - રાજકોટ), ગો.વિશાલકુમારજી (પોરબંદર-રાજકોટ) તેમજ ગો.પુરૂષોતમલાલજી મહોદય (ચોપાસની - જૂનાગઢ - રાજકોટ)એ ઉત્સવને અનુલક્ષી વચનામૃતો કર્યા હતા. કિર્તનકારો રશેષભાઇ શાહ, નિતેષભાઇ ભાવસાર, દિપકભાઇ, રૂષીકભાઇ તેમજ માધવીબેન શાહ તથા હરેશભાઇ સોની ખરેડીવાળાએ સુંદર કિર્તનો કર્યા હતા. મદનમોહનજી હવેલી ટ્રસ્ટના આમંત્રણને માન આપી રાજકોટના ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ તેમજ રાજકોટના ભાજપના અગ્રણીઓ કથામાં પધારેલ અને સમિતિ વતી તેઓનું સન્માન કરવામાં આવેલ તેવું વ્રજધામ ગ્રુપના પ્રમુખ ગોવિંદભાઇ દાવડાની યાદીમાં જણાવાયેલ છે.