ઈન્ડિયાસ ગોટ ટેલેન્ટ: પોરબંદરની દિવ્યાંગ નૃત્યાંગનાથી વિશ્ર્વ અચંબિત્

‘નાચે મયૂરી’ નિશ્ર્ચલ મન હો તો નાચને કે લિએ ર્પાંવ કા હોના જરૂરી નહી!

માત્ર બે વર્ષની વયે રીક્ષા અકસ્માતને કારણે શારીરિક ક્ષતિગ્રસ્ત બનેલી બાળકીનો સંઘર્ષમય પરિસ્થિતીમાં 21 વર્ષ સુધી માતાએ ઉછેર કર્યો: કલર્સ ટેલીવિઝન નેટવર્ક પર પ્રસારીત થતી રીયાલીટી ટેલીવીઝન શ્રેણીમાં વ્હીલચેરમાં બેસીને પ્રોફેશનલ ડાન્સર તરીકે શ્રેષ્ઠ પ્રદર્શન દાખવ્યું: માત્ર પોરબંદરને જ નહીં, ભારતને પણ ગૌરવ અપાવ્યું પોરબંદર, તા.6
સામાન્ય રીતે શારીરિક રીતે ક્ષતિગ્રસ્ત લોકો માનસિક રીતે પણ ભાંગી જતા હોય છે પરંતુ પોરબંદરમાં માત્ર બે વર્ષની વયે રીક્ષા અકસ્માતને કારણે શારીરિક ક્ષતિગ્રસ્ત બનેલી બાળકીનો તેની માતાએ સંઘર્ષમય પરિસ્થિતીમાં એકલા હાથે ઉછેર કરીને છેલ્લા 21 વર્ષમાં એટલી ટેલેન્ટેડ બનાવી છે કે 23 વર્ષે તે દિવ્યાંગ છે છતાં કુવૈતમાં યોજાયેલ ‘ઈન્ડીયાઝ ગોટ ટેલેન્ટ’ માં પોતાનું ટેલેન્ટ સિદ્ધ કરીને વ્હીલચેરમાં બેસીને પ્રોફેશનલ ડાન્સર તરીકે શ્રેષ્ઠ પ્રદર્શન દાખવી તેણે માત્ર પોરબંદરને જ નહીં, ભારતને પણ ગૌરવ અપાવ્યું છે.
21 વર્ષ પહેલા થયો હતો અકસ્માત
પોરબંદરના રોકડીયા હનુમાન મંદિર પાસે ગાંધી પાર્ક વિસ્તારમાં ચારણ્યુ આઈ મંદિર પાછળ રહેતી 23 વર્ષની કૃપા લોઢીયા નામની યુવતીની આ સંઘર્ષગાથા છે, જેમાં તેની માતા નીતાબેનનો નોંધપાત્ર ફાળો રહ્યો છે. કૃપા બે વર્ષની હતી ત્યારે રીક્ષામાં પરિવારના સભ્યો સાથે જતી હતી અને પોરબંદરના ફૂવારા પાસે અકસ્માતે રીક્ષા પલ્ટી જતા તેના શરીરે ગંભીર ઈજાઓ થઈ હતી જેના કારણે અડધું શરીર ખોટું પડી ગયું હતું.
10 વર્ષ પથારીવશ રહી
માતા નીતાબેને તેમના પતિ સાથે ડાયવોર્સ લઈ લીધા હતા, આથી એકલા હાથે કૃપાનો ઉછેર કરવાની જવાબદારી માથે લઈને 10 વર્ષ સુધી સંપૂર્ણપણે પથારીવશ રહેલી પુત્રીની સંપૂર્ણ સારસંભાળ કરી હતી. એટલું જ નહીં, પરંતુ તે 12 વર્ષની થઈ પછી જમીન ઉપર ઘસડાઈને ચાલતા શીખવા લાગી અને આમ છતાં તેણે હિંમત હાર્યા વગર જીંદગી સામે લડવાનું શરૂ કર્યું હતું.
કલાક્ષેત્રે પ્રવેશી સિદ્ધિ મેળવી
જીંદગી સામેની જંગમાં કુદરતને હંફાવીને કૃપાએ અભ્યાસની સાથોસાથ કલાક્ષેત્રે પણ સિદ્ધિ મેળવી. અત્યારે તે પોરબંદરની વી.જે. મોઢા કોલેજમાં બી.સી.એ. નો અભ્યાસ કરી રહી છે જેની સાથોસાથ તેને એક્ટીંગ અને મોડેલીંગનો શોખ હોવાથી કલાક્ષેત્રે પ્રવેશીને જાત મહેનતે સિદ્ધિ મેળવી છે. પ્રણય રાવલના "ફીર ભી તુમ કો ચાહુંગા આલ્બમમાં એક્ટ્રેસ તરીકે ભૂમિકા ભજવી છે. તો 2017 માં મુંબઈમાં યોજાયેલી મીસ્ટર એન્ડ મીસ વ્હીલચેર ઈન્ડીયા સ્પર્ધામાં ભાગ લીધો હતો.
કુવૈતમાં એકમાત્ર યુવતીએ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું
કુવૈતમાં યોજાયેલ ઈન્ડીયાઝ ગોટ ટેલેન્ટમાં ભારતના કુલ ચાર દિવ્યાંગોએ ભાગ લીધો હતો. જે પૈકી ત્રણ યુવાનો હતા જ્યારે એકમાત્ર ભારતીય યુવતી તરીકે કૃપા લોઢીયાએ ‘નચ બલીયે’ ફેઈમ વિનોદ ઠાકુર સાથે પ્રોફેશનલ ડાન્સર તરીકે ડ્યુએટ ડાન્સમાં શ્રેષ્ઠ પ્રદર્શન દાખવીને માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વિશ્ર્વના કરોડો લોકોની વાહવાહી મેળવી હતી. વ્હીલચેર ઉપર તેના ડાન્સને જોઈને સૌ કોઈ મંત્રમુગ્ધ બની ગયા હતા. માત્ર પોરબંદરનું જ નહીં, પરંતુ ભારતનું ગૌરવ વધારનાર કૃપા ઉપર અભિનંદનવર્ષા થઈ હતી.
આગામી દિવસોમાં આયોજન
મુંબઈ ખાતે ઈ-ટ્વેન્ટી ફોર માં ડાન્સ ઓડીશન માટે તે મુંબઈ જશે. 2015 માં મીસ્ટર ઈન્ડીયા વ્હીલચેર બનેલા ગુલફામ અહેમદ સાથે તે જોડી જમાવશે. એટલું જ નહીં, સુરતમાં પણ બે મહિના પછી યોજાનારા ફેશન શોમાં ભાગ લેશે. એક્ટીંગ અને મોડેલીંગ ક્ષેત્રે આગળ જવા ઈચ્છુક કૃપાની આ વિવિધ સિદ્ધિ બદલ તેમની સોની જ્ઞાતિ દ્વારા પણ સન્માન કરવામાં આવ્યું હતું.
આમ, પોરબંદરની આ વ્હીલચેર યુવતીની સિદ્ધિ બદલ સૌ કોઈએ શુભેચ્છાઓ પાઠવી છે, ત્યારે વધુ પ્રગતિના શિખરો સર કરે તેવી શુભકામનાઓ પાઠવી છે.
કોઈની દયા ઉપર નહીં મારા ટેલેન્ટના જોરે આગળ વધવું છે
સામાન્ય રીતે શરીરના કોઈ અંગની ખોટ રહી જાય ત્યારે તે વ્યક્તિ શારીરિક ઉપરાંત માનસિક રીતે ભાંગીને હેરાન-પરેશાન થઈ જાય છે. પરંતુ પોરબંદરની નોખી-અનોખી માટીમાં એવી તાકાત છે કે અહીંના લોકો સંઘર્ષમય પરિસ્થિતીમાં પણ વટભેર જીવે છે ત્યારે કૃપા લોઢીયા નામની આ યુવતીએ સ્પષ્ટ જણાવ્યું હતું કે તે કોઈની દયા ઉપર નહીં પરંતુ ટેલેન્ટના જોરે આગળ વધી રહી છે અને હજુ આગળ વધવું છે.
કોઈ જાતની સહાય લીધી નહીં
સામાન્ય રીતે દિવ્યાંગોને અનેક પ્રકારની સહાય મળતી હોય છે, પરંતુ પોરબંદરની આ યુવતીએ કોઈ જાતની સહાય લીધી નથી. તે જણાવે છે કે સરકારી સહાય લીધી નથી તેવી જ રીતે સરકારી નોકરીમાં પણ આસાનીથી દિવ્યાંગોના ક્વોટામાં તેને નોકરી મળી શકે છે પરંતુ પોતાના સ્વબળે અને ટેલેન્ટના જોરે તે આગળ વધી હોવાથી એવો જ મિજાજ જાળવીને કારકિર્દી બનાવવી છે.
અનેકવિધ પ્રકારના શોખ
પોરબંદરની મલ્ટી ટેલેન્ટેડ એવી કૃપાને વિવિધ પ્રકારના શોખ પણ છે. તેને મોડેલીંગ ઉપરાંત એક્ટીંગનો શોખ તો છે તેની સાથોસાથ કોમ્પ્યુટરમાં પણ તે માસ્ટરી ધરાવે છે અને તેથી જ બી.સી.એ. નો અભ્યાસ કરી રહી છે. તે ઉપરાંત પેઈન્ટીંગ, ડ્રોઈંગ, રંગોળી બનાવવી જેવા શોખ છે.
મારી માતા મારા માટે રોલમોડેલ
પોરબંદરની દિવ્યાંગ યુવતી કૃપા લોઢીયાએ તેની માતા નીતાબેનને રોલમોડેલ ગણાવીને જણાવ્યું હતું કે ખૂબ જ સંઘર્ષમય પરિસ્થિતીમાં માતાએ મને પૂરતી હિંમત આપી છે અને દસ-દસ વર્ષ સુધી હું પથારીમાં રહી ત્યારે તેણે મને સતત હુંફ અને પ્રોત્સાહન પૂરા પાડ્યા છે અને તેથી જ માતા મારા માટે રોલમોડેલ છે.
ધોરણ 12 માં 77 ટકા પ્રાપ્ત કર્યા
પોરબંદરની આ યુવતીએ ધોરણ 12 માં જાત મહેનતે 77 ટકા પ્રાપ્ત કર્યા હતા. ક્યાંય પણ ટ્યુશન રખાવ્યા વગર જાતે જ તૈયારી કરીને આ સિદ્ધિ તેણે પ્રાપ્ત કરી હતી. તેની માતા પૂરતું ભણેલ નથી છતાં દીકરીને શ્રેષ્ઠ શિક્ષણ અપાવ્યું છે અને હજુ વધુ આગળ ભણવા ઈચ્છે છે. સામાન્ય વિદ્યાર્થીઓ પણ ભાગ્યે જ આવું પરિણામ લાવી શકે છે ત્યારે વિપરીત પરિસ્થિતીમાં જીવતી આ યુવતીએ સંઘર્ષ કરી બતાવ્યો છે તે અન્ય વિદ્યાર્થીઓ માટે પણ પ્રેરણાદાયી છે. પોરબંદરની દિવ્યાંગ યુવતી કૃપા લોઢીયાએ મુંબઈ સહિત કુવૈતમાં પણ ‘ઈન્ડીયાઝ ગોટ ટેલેન્ટ’ વ્હીલચેરમાં ભાગ લઈને શ્રેષ્ઠ પ્રદર્શન દાખવ્યું હતું. તેની માતા નીતાબેન દ્વારા તેને સતત પ્રોત્સાહન પૂરૂં પાડવામાં આવે છે. મોડેલીંગ અને ડાન્સીંગ ક્ષેત્રે આગળ ધપી રહેલી આ વ્હીલચેર યુવતીની વિવિધ તસ્વીરો. (તસ્વીર: જિજ્ઞેષ પોપટ)