પોરબંદરમાં પિતાની વાત નહીં ગમતા પુત્રીએ કર્યો આપઘાત

ઈતર જ્ઞાતિમાં સગપણ કરવા અંગેનો ઠપકો લાગ્યો માઠો ગળાફાંસો ખાઈ મોત માગતા અરેરાટી
પોરબંદર,તા.6
પોરબંદરમાં ઇત્તરજ્ઞાતિમાં સગાઇ કરવા ઇચ્છુક સગીરાને પિતાએ સમજાવવા જતાં પુત્રીએ આપઘાત કરી લીધો છે. બનાવની વિગત એવી છે કે, જયુબેલી વાછરાડાડાના મંદિર પાસે રહેતા વિપુલભાઇ હેમેન્દ્રભાઇ દેવડાની 17 વર્ષ 10 માસની પુત્રી ખુશ્બુને ઇત્તર જ્ઞાતિમાં સગાઇ કરવી હતી આથી પિતા વિપુલભાઇએ તેને સગીરવયની હોવાથી સમજાવીને ઠપકો આપ્યો હતો.
આથી ખુશ્બુને લાગી આવતા તેણે ગળાફાંસો ખાઇ લીધો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભાવસિંહજી હોસ્પિટલે લવાતા વધુ તપાસ એ.એસ.આઇ. એસ.જી. થાનકી ચલાવે છે.
યુવાન ઉપર હુમલો
છાંયાના ભીમરાવ ચોકમાં યુવાન ઉપર હુમલો થયાની પોલીસ ફરિયાદ થઇ છે. છાંયાના નવાપરા સિધ્ધેશ્ર્વર સોસાયટીમાં રહેતા માલદે વાઘા શિંગરખીયાએ એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, તેના કાકાના દિકરા ભીમજી લાખા સાથે ગોપાલ કરશનના ભાઇને માથાકુટ થઇ હતી અને માલદે ભીમજી લાખા સાથે કામ કરતો હોવાથી તેનું મનદુ:ખ રાખીને ગોપાલ કરશને છરી વડે તથા ધવલ સવદાસ શીંગરખીયાએ લોખંડના પાઇપવડે માર માર્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.