ગુનેગાર કોણ ? લાંચ લેનાર કે આપનાર ?

"પપ્પા, હું ફરી ફેલ થયો!
"મેં તને કીધેલું. હવે લાઇસન્સની પરીક્ષા સહેલી નથી રહી. હવે તો બધા સેન્સર આવી ગયા છે. અને બધું સમયના ટકોરે પતાવવું પડે. અમારે તો ખાલી ગાડી રિવર્સમાં પાડો એટલે લાઇસન્સ મળી જતું.
"ખાલી 5 સેકેંડ ઓછી પડી પપ્પા. આવતી વખતે પાસ થઇ જઈશ.
"ફરી આટલો સમય બગાડીશ? ભણશે કોણ? હું તને ક્યારનો કહું છું કે પેલા રાકેશભાઈ 2500 રૂપિયામાં ઘરે બેઠા લાઇસન્સ અપાવી દે છે. આપણા મનુ કાકાની દીકરી એ પણ એમ જ લીધું. તને ખબર નહિ શું શોખ છે આર.ટી.ઓ. જઈને લાઈનમાં ઉભા રહેવાનો.
"પપ્પા આમ તો તમે જીવન સિદ્ધાંતના ભાષણો આપતા હોઉં છો. અને હવે તમે લાંચ આપવાની વાત કરો છો? "લાંચની વાત નથી. તારા સમયની વાત છે. પણ આ તમારી નવી પીઢી સમજે નહિ ને!
લાંચ - આપણા દેશના નાનામાં નાનાથી લઇને કદાવર કૌભાંડને શાંત પાડવાનો સહેલામાં સહેલો રસ્તો. ટ્રાફિક પોલિસે પકડ્યા કે પછી ઇન્કમ ટેક્સની રેડ પડી - લાંચ આપી દો એટલે કામ પૂરું.
લાંચથી જે ભ્રષ્ટાચાર થાય છે એમાં વાંક કોનો? લાંચ લેનારનો? 90 ટકા પ્રજા હા પાડશે. કારણ? ‘એને લાંચ લીધી જ ન હોત તો મેં ક્યાંથી આપી હોત?’
લોભનો કોઈ ઉપાય નથી. એટલે લાંચ લેનારને પકડી અને એમની માનસિકતા બદલવા કરતા સરળ ઉપાય એ છે કે આપણે આપણી માનસિકતા બદલી નાખીયે.
એક આર્કિટેક્ટે એક ખુબ મોટી બેન્કનું કામ કર્યું. 3 વર્ષ સુધી બેન્ક એમનું બિલ પાસ ન કરે. 3 વર્ષ સુધી સાહેબના પૈસા અટવાયેલા રહ્યા. છેવટે જેને કામ અપાવેલું એમની સાથે મુલાકાત કરી. ઉપાય મળ્યો. બિલ પાસ કરાવનાર સાહેબને ત્યાં એકાદ મોંઘી ઘડિયાળ સાથે થોડી કેશ મોકલાવી દો તો બિલ પાસ થઇ જશે.
એટલે પોતાના કરેલા કામના પૈસા લેવા પણ લાંચ આપવાની? આર્કિટેક્ટ સાહેબને વાત જ નહિ. એ દિવસે ઓફિસમાં બહુ લાંબી ચર્ચા થઇ.
"બધાં જ કરે છે સાહેબ. આપણે કરીયે તો ખોટું ન ગણાય.
"3 કરોડ માટે 5 લાખ તો ખર્ચી જ નખાય.
"આને લાંચ નહિ, નેટવર્કિંગ કહેવાય.
"થોડું આવું બધું કરવું જ પડે. તો જ આપણે આગળ આવી શકીશું.
આવી તો ઘણી સૂચના સાહેબને મળી. પણ સાહેબનું મન જ ન માને. આમ ને આમ ખોટી દિશામાં પગલું લેવાઈ જતા વાર ન લાગે.
પણ પછી પાછા આવવું અશક્ય છે. અને આમ જીવનભર સિંચેલા સિદ્ધાંત એક પળમાં કેમના છૂટી જાય?
સાહેબ ન નમ્યા. છેવટે બીજા 2 વર્ષ પૈસા અટવાયેલા રહ્યા. પોતાની એફ.ડી. તોડીને પગાર કર્યા. પણ પોતાની પ્રામાણિકતા ન છોડી.
2 વર્ષ પછી બેન્કમાં નવા સાહેબ આવ્યા. આર્કિટેક્ટે એમને બિલ પાસ કરવાની વિનંતી કરી. સાહેબે તરત જ કાગળ આગળ વધાર્યા. કોઈના પૈસા રોકી રાખવાથી એમને શું મળવાનું? દુનિયામાં સિદ્ધાંતવાદી માણસોની કમી નથી. કમી આપણી માનસિકતામાં છે. લાંચ લેતા લોકોની ઘૃણા કરતા પહેલા એક વાર અંદર ઝાંખીયે. શું આપણે જ ક્યાંક ખોટા નથી ને?
- સૃષ્ટિ શાહ