બેટીઓએ સુવર્ણાક્ષરે લખ્યુ ભારતમાતાનું નામ

સ્ત્રીશકિતનું નેતૃત્વ કરી કોમન વેલ્થ ગેઇમ્સમાં ગોલ્ડમેડલ જીતીને દેશનું નામ રોશન કર્યુ છે સ્ત્રીઓમાં ભગવાને શક્તિનો અખૂટ ભંડાર મુક્યો છે જેનાથી તે દરેક ક્ષેત્રે લડત આપી શકે છે આજકાલ રેડીયો ટેલીવિઝનમાં ‘બેટી બચાવો બેટી પઢાવો’ની જાહેરાતો સાંભળવા તથા જોવા મળે છે. અનેક સંસ્થાઓ દ્વારા આ અભિયાનને લઇને કાર્યો થાય છે પરંતુ હાલમાં જે કોમનવેલ્થ ગેમ્સમાં મહિલાઓએ ગોલ્ડમેડલ જીતી ભારતનું નામ રોશન કર્યુ છે ત્યારે લાગે કે તેઓ ખુદ બેટી બચાવોનું નેતૃત્વ કરી રહેલ છે. આપણે ઘણીવાર વાંચતા હોઇએ છીએ અને બોલીએ પણ છીએ કે સ્ત્રીએ શકિતનો સ્ત્રોત છે પરંતુ અહીં તો સ્ત્રીઓએ ખુદ શકિત બનીને કાર્ય કર્યુ છે. ફકત 16 વર્ષની મનુ ભાકરની વાત કરીએ કે પુનમ ચૌહાણનો સંઘર્ષ જોઇએ, મીરાબાઇ ચાનુ હોય કે, સંજીતા ચાનુ દરેક પોતાની જાત સાથે, પ્રતિસ્પર્ધી સાથે સંઘર્ષની અનેક લડતો પાર કરી પોતાની આવડત સાબિત કરી દેખાડી છે. મહિલા ટેબલ ટેનીસમાં તો સૌપ્રથમ વખત ગોલ્ડમેડલ મળ્યો છે જે ખરેખર ગૌરવની વાત છે તો મનુ ભાકર સૌથી નાની વયની ખેલાડી બનીને દુનિયાનું ધ્યાન ખેચ્યું છે.
મહિલાઓમાં સંઘર્ષને મ્હાત કરવાની એક શકિત હોય છે. ચાહે તે પોતાની જાત માટે હોય કે પરીવાર માટે હોય. પુનમ ચૌહાણની વાતમાં તેની બહેનોએ પોતાની કેરીયરનો ત્યાગ કરીને પુનમની કેરીયર બનાવવા પ્રયત્નો કર્યા છે. ચાહે તેમાં ભુખ સહન કરવાની વાત હોય કે પછી નવા શુજનો ત્યાગ કરવાની વાત હોય, દરેક રીતે બહેનને મદદ કરી ગોલ્ડ મેડલ સુધી પહોચાડી છે. અનેક સંઘર્ષ વચ્ચે સ્થિર રહીને જીત મેળવતી આ દરેક માનુનીઓને સો સો સલામ. બીજા રાષ્ટ્રની સરખામણીએ ભારતમાં સરકાર પાસેથી પણ સવલતો ઘણી ઓછી મળે છે. બલ્કે સામાન્ય પણ નથી મળતી. એમાં પણ ઘરની પરીસ્થિતિ પણ ખરાબ હોય ત્યારે પોતાની તમામ તાકાત લગાડી ગોલ્ડમેડલ જીતીને દેશનું નામ રોશન કરવું એ ગર્વ અપાવનારી બાબત છે. મહિલાઓ આજકાલ આર્થિક રીતે સધ્ધર બની રહી છે. એ ખુબ સામાન્ય બાબત છે. જ્યારે અહીં તો કોઇપણ અપેક્ષા વગર ફકત દેશનું નામ રોશન કરવાના ઇરાદા સાથે સંઘર્ષ કરવામાં આવે છે. આ સ્થાને પહોચવા કેટલીયે ભાવતી વસ્તુનો ત્યાગ, નિંદ્રાનો ત્યાગ તેમજ અનેક મોજશોખને અલવીદા કહ્યું છે. મીરાબાઇ ચાનુ પોતાની ટ્રેઇનીંગ દરમિયાન મોબાઇલ બંધ સ્વજનોને મળવાનું બંધ તેમજ ભાવતી વસ્તુ કરવા ડાયેટ મુજબ ખોરાક લઇ સોનેરી મંઝીલ સુધી પહોચી છે.
આજે કોમનવેલ્થ ગેઇમ્સમાં પાંચ મહિલા ખેલાડીઓએ સુવર્ણચંદ્રક જીત્યા છે.
જ્યારે હજુ પણ ઘણી સ્ત્રી શકિત બીજા મેડલ્સ મેળવશે. આ દરેક મહિલાઓને તેમની સંઘર્ષમય સફળતા બદલ સોનેરી શુભેચ્છાઓ.