શ્રેષ્ઠ વૈકલ્પિક મીઠી સારવાર : હોમિયોપેથી । આજે વિશ્ર્વ હોમીયોપેથીક દિન

શારીરિક, માનસિક, સંવેદનાત્મક અને ભાવનાત્મક અસરનો તલસ્પર્શી અભ્યાસ રાજકોટ તા.10
10 એપ્રિલ એટલે વિશ્ર્વ હોમીયોપેથીક દિવસ હોમીયોપેથીક ચિકિત્સા પધ્ધતિની શોધ જર્મનીમાં ડો.સેમ્યુઅલ હનીમેને ઇ.સ.1796 માં કરી હતી. તેઓએ સમયનાં એમ.ડી. ચિકિત્સક હતા. એ સમયમાં જે સારવાર આપવામાં આવતી હતી તે અત્યંત પીડાદાયક અને અમાનવીય હતી. આવા સમયમાં એક વૈદ્યકીય પુસ્તકનાં ભાષાંતર દરમ્યાન તેમને જાણવામાં આવ્યું કે સીનચોનાનાં વૃક્ષની છાલનો રસ, તંદુરસ્ત માનવ દ્વારા લેવામાં આવે તો ખુબ જ ઠંડી લાગવાની સાથે શરીરનું તાપમાન વધીને તાવ આવે છે અને ખુબ જ પરસેવો થયા બાદ તાવ ઉતરી જાય છે. આ સામાન્ય અવલોકન અને પ્રયોગનાં અંતે ડો.સેમ્યુઅલ હનીમેને અનેક વનસ્પતીઓ અને વિવિધ ખનીજ તત્વો અને રાસાયણિક ક્ષારોનો ઉપયોગ તેના પોતાના પર જ અને અન્ય તંદુરસ્ત વ્યકિત પર કરીને તેમણે સમ ચિકિત્સા એટલે કે લો ઓફ સીમીલરનો સિધ્ધાંત પ્રસ્થાપિત કર્યો.
ડો.હેનીમેન આ સિધ્ધાંત આપ્યા બાદ તે સમયની (18 મી સદી) ઉગ્ર જલદ ઔષધીઓને લીધે થતી આડઅસર અટકાવવા માટેનાં પ્રયત્નરૂપે દવાના તત્વોને નિશ્ર્ચિત પ્રમાણમાં નિસ્યંદિત પાણી, દુધશર્કરા અને આલ્કોહોલમાં મેળવી લીધા.
આ સારવાર પધ્ધતિમાં રોગીના, રોગનાં લક્ષણોને માત્ર નાબુદ કરવામાં આવતા નથી, પરંતુ વ્યકિતની સંપૂર્ણ માનસિક, શારીરિક અને આત્મીક તંદુરસ્તીને નિયમન કરીને રોગને કાયમ માટે નાબુદ કરી શકાય છે. વ્યકિતએ વ્યકિતએ રોગનું કારણ, પ્રકૃતિ, દરેક પર અલગ અલગ પ્રભાવ પાડે છે.
હોમીયોપેથીક સારવારમાં આપવામાં આવતી મીઠી ગોળીઓ અને દવા વિવિધ તત્વો પદાર્થમાંથી બનાવવામાં આવે છે. જેવા કે વનસ્પતિ, પ્રાણીની પેશીઓ, ખનીજતત્વો, વનસ્પતિ અને પ્રાણીની તંદુરસ્ત પેશીનાં રસાયણો, વનસ્પતિ, પ્રાણી અને માનવીય દુરસ્ત પેશીઓ, કુદરતી જૈવિક શકિતઓ, અકૃત્રિમ રાસાયણિક તત્વોમાંથી દવાને અલગ અલગ પાવરમાં ઉપલબ્ધ કરવામાં આવે છે.
જયારે હોમીયોપેથીક વિજ્ઞાનમાં 1796 થી લઇને આજ દિવન સુધી વિવિધ તત્વોમાંથી બનાવેલી આશરે 4600 દવા ઉપલબ્ધ હશે એકપણ દવા પર આજ સુધી કોઇપણ પ્રકારની આડઅસર કે કોઇપણ પ્રતિબંધિત દવા તરીકે સરકાર તરફથી ફરમાન થયેલ નથી. જે આ દવાની અને આ તબીબી વિજ્ઞાનની ફળદ્રુપતા અને સચોટતા પુરવાર કરે છે.
આજે વિશ્ર્વમાં હોમીયોપેથીક દવાનો વિશેષ રૂપે પ્રચાર અને પ્રસાર થઇ રહ્યો છે તે જોતા આવતો સમય માત્ર અને માત્ર આ સારવારનો જ હશે તેમ કહેવું અતિશયોકિત નથી.
દરેક હોમીયોપેથીક દવા, માનવશરીરની રોગપ્રતિકારક શકિતને ઉતેજીત કરીને રોગનાં લક્ષણો સામે, રોગીનાં શરીરને રોગ સામે પ્રતિકાર કરવાની વિશેષ શકિત પ્રદાન કરે છે અને રોગને કાયમ માટે શરીરમાંથી જડમુળમાંથી નાબુદ કરવાની કાર્યક્ષમતા બક્ષે છે.
આજના દિવસે વિશ્ર્વ હોમીયોપેથીક દિન તરીકે ઉજવીએ અને તેમનાં શોધકે સુચવેલા સૂત્રો મુજબ સાચી સારવાર દ્વારા સમાજને ઉપયોગી બનીએ, એ જ તેના માટેની સાચી ઉચિત ઉજવણી હશે.
(સંકલન - શ્રેયા જોશી)