બિન અનામત આયોગ આપશે સસ્તી એજ્યુકેશન લોન

કેટલા વિદ્યાર્થીઓને યોજનાનો લાભ આપવો ? સર્વેની કામગીરી શરૂ મેડિકલ, એન્જીનીયરીંગ કે વિદેશ અભ્યાસ માટે માત્ર 4 ટકાના વ્યાજદરે લોન આપવા નિર્ણય : નીતિન પટેલની અધ્યક્ષતામાં આયોગની બેઠક મળી
રાજકોટ તા.10
રાજ્ય સરકાર દ્વારા બિન અનામત વર્ગ આયોગના કાર્યાલયનો પ્રારંભ થયો. સાથે બિન અનામત વર્ગ નિગમ દ્વારા આ વર્ગના 6 લાખની વાર્ષિક આવક મર્યાદા ધરાવતા યુવાનોને 4 ટકાના વ્યાજે સોફ્ટ લોન આપવાની વિચારણા શરૂ કરાઇ છે. હાલના તબક્કે મેડિકલ, એન્જિનિયરિંગ, વિદેશ અભ્યાસ ઉપરાંત સ્વરોજગારી માટે પ્રાપ્ત માહિતિ અનુસાર આ 4 ટકાનું વ્યાજ તો ટેન્ટેટીવ રીતે નક્કી કરાયું છે અને આગામી શૈક્ષણિક સત્રથી તેનો અમલ થઈ શકે છે.
જો કે સરકારના સૂત્રોનું કહેવું છે કે, સોફ્ટ લોનમાં મહદઅંશે આટલું વ્યાજ નક્કી કરાતું હોય છે તેથી લગભગ તેમાં ફેરફાર નહીં થાય. બજેટમાં આ નિગમને 506 કરોડ રૂપિયા ફાળવાયા છે. નિગમ દ્વારા કેવી યોજનાઓ કેવા અભ્યાસક્રમોમાં કેટલી રકમની ફાળવણી કરવી તે અંગેની
રૂપરેખા નક્કી કરવા માટે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના અધ્યક્ષસ્થાને નિગમના હોદ્દેદારો અને વિભાગના અધિકારીઓની બેઠક યોજાઇ હતી.
નિગમના ચેરમેન બી.એચ. ઘોડાસરાએ કહ્યું કે હજુ પ્રાથમિક તબક્કે ચર્ચા થઇ છે. પરંતુ ટૂંક સમયમાં આ માટેના નિયમો અને યોજનાઓને અંતિમ ઓપ આપી દેવામાં આવશે. મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના પણ અમલી જ છે પરંતુ તેમાં લાભ ન મળી શકતો હોય તેવા બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ તથા રોજગાર વાંચ્છુ યુવાનોને નિગમ દ્વારા લાભ મળે તેવા પ્રયાસ કરાશે.
સરકારી સૂત્રો મૂજબ, આગામી શૈક્ષણિક સત્રથી આ યોજનાનો અમલ શરુ કરવાની કવાયત સરકારે હાથ ધરી છે. હાલમાં આ યોજના અંતર્ગત કેટલાં વિદ્યાર્થિઓ
લાભ મેળવવા પાત્ર છે તે અંગેનું સર્વેક્ષણ હાથ ધરાયું છે. આ અંગે ફોર્મ મંગાવવામાં આવશે, જનરલ કેટેગરીના આગેવાનોને આ યોજના અંગેની માહિતિ પત્રિકાઓ આપીને યોજના અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે.