વગર દરખાસ્તે પણ કેટલીક સ્કૂલોને ફી વધારવા પરવાનો!

લાખો વિદ્યાર્થીઓ-વાલીઓની ઉમ્મીદ ચકનાચૂર, સરકારની બેધારી નીતિ મુખ્યમંત્રીએ પણ શાળાઓને સ્લેબ ફી લેવાની છૂટ કહી સરકારની નિયત સાફ કરી! રાજકોટ તા,10
રાજય સરકારના ફી નિર્ધારણ કાયદાથી ગજા બહારની ફી ચુકવવામાંથી મુક્તિ મળશે એવી આશા સાથે સરકારનાં એકે-એક ‘નાટક’ પર નજર રાખીને બેઠેલા લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓની ઉમ્મીદ પર શાળાઓને સ્લેબ ફી લેવાનો અધિકાર છે’ તેવું કહીને મુખ્યમંત્રીએ પાણી ફેરવી દીધું છે. હવે સરકારની બેધારી નીતિ ખુલ્લી પડી ગઇ છે તથા સરકારની નિયત સાફ થતા આ કાયદાનું નાટક ‘ચૂંટણીલક્ષી’ હોવાનું વાલીઓ જણાવી રહ્યા છે. દરમિયાન ફિ નિર્ધારણ સમિતિએ ફી વધારા માટેની જે શાળાઓને દરખાસ્ત કરી હતી તેને મંજૂરી આપી દીધી છે. એટલુ નહી કેટલીક એવી સ્કૂલોને પણ ફી વધારવા પીળો પરવાનો આપી દીધો છે જેને દરખાસ્ત પણ નથી કરી!
ભાજપ સરકારની બેધારી નીતીએ રાજ્યમાં શાળા શરૂ થાય તે પૂર્વે જ વાલીઓ અને વિધાર્થીઓને મુશ્કેલીમાં મૂકી દીધા છે. જયારે સંચાલકો માટે ફી વધારાનો માર્ગ મોકળો કરી દીધો છે.જેમાં સીએમ રૂપાણીએ પત્રકારો સાથેની વાતચીતમાં ખુદ જ એમ કહ્યું કે સ્કુલને સ્લેબ ફી લેવાનો અધિકાર છે. તેવા સમયે વાલી મંડળોએ તેમને સવાલ પૂછ્યો છે કે જો સ્કૂલોને મનમાની ફી લેવાનો અધિકાર છે તો કાયદો કોની માટે બનાવવામાં આવ્યો છે. આ ઉપરાંત સીએમ રૂપાણીએ ફી નિર્ધારણ કાયદાની જોગવાઈઓની આંટીધૂટી સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં ના તો વાલી કોઈ રજુઆત કરી શકે છે અને સરકાર રજુઆત કરવા માટે તૈયાર નથી.
સીએમ રૂપાણી અત્યાર સુધી જે વસ્તુ સરકાર જોવે છે તેવી વાત કરતા હતા તે તમામ બાબત હવે એફઆરસી કમિટી પણ નાંખી દીધી છે. તેમજ આ બધા મુદ્દે વાલીઓમાં આક્રોશની લાગણી જોવા મળી રહી છે. તેમજ તે જણાવે છે કે સંચાલકો માટે સરકારની ભુમીકા મોસાળ અને મા પીરસનારી જેવી છે.જયારે વાલીઓ અને વિધાર્થીઓની હાલત આ નિવેદનોના પગલે વધુ કફોડી બનવાની છે તે પણ ચોક્કસ છે. આ ઉપરાંત શિક્ષણ એ ધંધો નથી તેમ કહેનારી રૂપાણી સરકાર હવે સંચાલકોનો પક્ષ લઈને વાલીઓને મુશ્કેલમાં મૂકી દીધાં છે. ગુજરાત સરકારે શિક્ષણમાં સંચાલકોની મનમાની ફી ના દુષણ સામે વાલીઓ અને વિધાર્થીઓને રક્ષણ આપવા માટે ફી નિર્ધારણ માટે કાયદો ધડીને ફી નિર્ધારણ સમિતિની રચના કરી હતી. જેનો હેતુ વાલીઓને આર્થિક રાહત આપવાનો હતો.પરંતુ હાલમાં ફી નિર્ધારણ સમિતિમાં જે સ્કૂલોએ ફી વધારાની દરખાસ્ત કરી હતી તેમને મંજુરી આપીને અને અમુક સ્કૂલોને તો માંગ્યા કરતા પણ વધારે ફી વધારાની દરખાસ્ત મંજુર કરી છે. જેના પગલે હવે વાલીઓમાં અને પેરેન્ટ્સ મંડળોને હવે ભાજપ સરકારે ફરી એક વાર છેતર્યા હોવાનો આભાસ થયો છે. જેમાં સરકારે આ કાયદો કોના રક્ષણ માટે ઘડ્યો છે તેની પણ પ્રશ્નાર્થ ઉભો થયો છે. તેમજ વાલી મંડળોએ પણ સરકાર પર સ્કૂલોને મનમાની ફી નક્કી કરી આપી હોવાનો આક્ષેપ કર્યો છે. અમદાવાદ ઝોનની ફી કમિટી દ્વારા 169 સ્કૂલોની પ્રોવિઝનલ ફી જાહેર કરી દીધી છે. ફી કમિટી સમક્ષ સ્કૂલોએ દરખાસ્ત કરી હતી અને તેના આધારે ફી કમિટીએ આ સ્કૂલોની ફી જાહેર કરી છે. જેમાં વાલીઓને ખાસ રાહત મળી નથી. શિક્ષણાધિકારીઓ સેન્ડવીચ...
શાળા સંચાલકો અને વાલીઓ વચ્ચે સ્કૂલ ફી બાબતે ચાલતા વિવાદમાં રાજય સરકારે કોઇ સ્પષ્ટ વલણ અપનાવવાના બદલે બેધારી નીતિ અપનાવતા જિલ્લા શિક્ષણ અધિકારીઓની હાલત ‘સેન્ડવીચ’ જેવી બની ગઇ છે. વાલીઓ ફી વધારા બાબતે શિક્ષણ અધિકારીઓ પાસે ધમાલ મચાવે છે પરંતુ શિક્ષણ અધિકારીઓ સરકારની અસ્પષ્ટ નીતિના કારણે કોઇ પગલા ભરી શકતા નથી. સ્કૂલ સામે પડનાર વાલીઓને હેરાનગતિ
ખાનગી શાળાઓની ફીના મામલે ધારાસભાની ચૂંટણી પહેલા રાજય સરકારે વાલીઓની કોણીએ ગોળ ચોટાડી દેતા ઉત્સાહમાં આવી ગયેલા ઘણા વાલીઓ સ્કૂલોની સામે ખુલ્લેઆમ મેદાને પડયા હતા અને રજુઆતો-ફરિયાદો નામજોગ કરી હતી આવા વાલીઓને હવે સ્કૂલ સંચાલકો દ્વારા હેરાનગતિ થઇ રહ્યાની વિગતો બહાર આવી છે. ઘણી સ્કૂલોએ તો આવા વાલીઓની નવા સત્રની ફી સ્વીકારવાનો ઈનકાર કરી લીવીંગ સર્ટી. પકડાવી દીધા છે.