રસ્તો ક્યાંય જતો નથી છાપ પડી ગઈ છે 'રખડુ ' ની

રસ્તો કયાંય જતો નથી
છાપ પડી ગઈ છે ‘રખડુ’ની
એટલે જ સૌ પૂછતા રહે
આ રસ્તો કયાં જાય છે?
સજીવ અને નિર્જીવ વચ્ચે જમીન આસમાન જેટલો ભેદ હોય છે. આપણે સૌ સજીવ છીએ, એટલે સુખ દુ:ખની અનુભૂતિ કરીએ છીએ. જરાક જેટલી પણ તકલીફ પડે તો રાડારાડ કરી મૂકીએ છીએ. ભગવાને સૌને મગજ અને સાથો સાથ માનવને બુદ્ધિ બક્ષી છે.
સુખ દુ:ખ ગમા અણગમાના ઊભરા ઠાલવવા જીભ આપી છે. જીભ તો પ્રાણીઓનેય હોય છે,પરંતુ માણસને વાચા મળી છે. આપણે ભાષા વિકસાવી અ્રને વાણી વડે કામ સરળ બનાવી લીધું. પરંતુ.... નિર્જિવ વસ્તુને તો વાચા નથી કે તેની જાતે ગતિ કરવાની તો શું હલવાની પણ શક્તિ નથી.
પરંતુ તેનો અર્થ એવો નથી કે તેનું આપણા જીવનમાં કોઈ મહત્વ નથી! કદાચ બે ઘડી માની લઈએ કે જો તેને વાચા હોત તો?
રસ્તો એટલે માનવ સર્જીત એક સુવિધા. જગતની પ્રગતિમાં રસ્તાની અહમ ભૂમિકા રહી છે. પરંતુ રસ્તાને પણ ઘણા બધા પ્રશ્ર્નો હોય છે, આ મોનો ઈમેજ કાવ્યોમાં તેની વ્યથા પડઘાઈ રહી છે.
અહીં એક રસ્તો પોતાની અસહાયતા સ્પષ્ટ સ્વીકારે છે કે તે કયાંય જતો નથી, પરંતુ રસ્તે જનાર પથિક કૌતુહલભેર પ્રશ્ર્ન કરે છે કે આ રસ્તો કયાં જાય છે? તે સાંભળી રસ્તો મનમાં કદાચ મરક મરક મલકાઈ પ્રશ્ર્ન પૂછનારની નિમ્ન માનસિકતાની નોંધ લેતો હશે.!
મનોમન બોલતોય હશે કે ભાઈ તે છતી આંખે આંધળા એ કહેવત યાદ કરાવી આપી! હું તો વર્ષોથી અહીં જ ઊભો છું. તસુભાર પણ હલ્યો નથી, છતાં આવું કેમ પૂછે છે?
મરકી લીધા પછી રસ્તો ગંભીર બની જાય છે. અને દુ:ખ અનુભવતા વિચારે છે કે માણસો એકબીજાને આવું પૂછે છે તેની પાછળનું કારણ શું? હું કયાંય જતો નથી, પણ મારી રખડુની છાપ પડી ગઈ છે તો જ આ રસ્તો કયાં જાય છે? તેવું સૌ પૂછતા હશે ને?
આપણને કોઈ વગર વાંકે કંઈ કહે તો? તરત મગજની કમાન છટકે કહેનાર સમવયસ્ક હોય તો બે તમાચા ચોડી દઈએ. કદાચ આપણાથી મોટા હોય તો તેની સામે દલીલ પણ કરીએ બાકી વગર વાંકે સાંભળે તે બીજા.!
અહીં રસ્તાને આવું જ દુ:ખ થઈ રહ્યું છે, કે તે પોતે સ્થિર રહી હરકોઈને તેના ગંતવ્યસ્થાન સુધી પહોંચાડે છે, પણ અફસોસ એ વાતનો છે કે માણસ પોતે મુસાફરી કરી ત્યાં પહોંચે ને મને રખડું સમજી બેસે?
બોલે તેના બોર વેચાય
એટલે જ સૌ અમારો
લાભ લઈ જાય છે ને !
નામ પાડતા ય જોર પડે
તેને વળી શું નામ હોય?
તેવું સમજી નંબર આપ્યા.
રસ્તાની આ વાત પણ વિચારવા જેવી છે, ઘણા મેટ્રોપોલિટીન સીટીમાં રસ્તાની ઓળખ માટે નંબર અપાય છે. તો હાઈ-વે પણ નંબર વડે ઓળખાતા હોય છે, બેશક તંત્રની સુવિધા માટે આવું કરવું પડયું હશે, પરંતુ આ વાત રસ્તા માટે વસવસાનું કારણ બની રહી છે. માણસ માત્રની શારીરિક રચના આકાર ભલે એક સરખા હોય, છતાં તેની ઓળખ માટે નામ હોય છે.
તેમ કેટલાય રસ્તાના નામ ભલે રહ્યા પરંતુ કેટલાય રસ્તા નામને બદલે નંબરથી ઓળખાય છે. આ વાતનો અફસોસ કરતા રસ્તો કહે છે કે, અમે બોલતા નથી એનું જ આ પરિણામ છે. સાથો સાથ તેને એ વાતની પણ વ્યથા છે કે નામ નહિ પાડી નંબર ભલે આપ્યા પરંતુ અમારે વળી શું નામ હોય? તેવું સમજી લેનાર અમારી તોહિન કરી રહ્યા છે. માણસ માટે સર્વસ્વ અર્પણ કરવા છતાં અમારી કોઈ ગણતરી જ નહિં.!? આસ્વાદ બાલેન્દુશેખર જાની