હવે તમે કેમ નથી આવતા?

"આ ઈ નો મેન... સ્ટારબક્સ સિવાય હું ક્યાયની કોફી નથી પીતો યુ સી.. પણ આજે આ સીસીડીથી કામ ચલાવવું પડશે..!! કેમકે
છેક સ્ટારબક્સ સુધી જવાનો ટાઈમ નથી.. બ્રેક આજે સરે નાનો આપ્યો છે.
"અમદાવાદમાં સ્ટારબક્સ હજુ ચાર મહિનાથી આવ્યું હતું પરંતુ શૃંગ જેવા અમુક નમૂનાઓ જાણે વર્ષોથી ત્યાં જ પડ્યા પાથર્યા રહેતા હોય તેવું વર્તન કરવા લાગેલા..
શૃંગ આમ તો કાઠીયાવાડ બાજુનો.. પરંતુ ભણવા માટે છેલ્લા પાંચ વર્ષથી અમદાવાદમાં જ હતો.. છ મહિના પહેલા ભણવાનું પૂરું થયું અને આ કંપનીમાં તે નોકરીએ લાગ્યો.. પગાર બહુ સારો હતો.. સારી કોલેજમાંથી ડીગ્રી મેળવી એટલે પ્લેસમેન્ટ પણ સારી જગ્યાએ મળેલું.. મહિનાના પચાસેક હજાર મળતા હતા શૃંગને.. ને બસ એમાં જ શૃંગના રંગ ને તેવર બદલાઈ ગયા હતા..
મહીને ત્રણ હજાર ભરીને સાવ નાનકડી ઓરડી વાળા પીજીમાં રહેતા તેણે હવે પોતાનો અલગથી પંદર હજાર ભાડે એવો ટુ બીએચકે લક્ઝુરીયસ ફ્લેટ લઇ લીધો હતો. લાલ દરવાજાથી ખરીદીને કપડા પહેરતો તે હવે યુસીબી, ને પીટર ઇંગ્લેન્ડના કપડા પહેરવા લાગેલો.. પોતાનું જુનું હીરો હોન્ડા વેચી નવું બુલેટ લઇ લીધું હતું.. ત્યાં સુધી કે પોતાના જુના ફ્રેન્ડસને મળવાનું પણ સાવ ઓછું કરી દીધેલું..
તે વિચારતો કે હવે તેને પોતાના હાઈફાઈ સર્કલમાં કોઈ લો ક્લાસ લોકોને નથી રાખવા.. લોકો પણ નહિ અને વસ્તુઓ પણ નહી.. બધાથી છુટકારો..!!!
અહીના લોકો સાથે રહીને તેણે પોતાની આદતો પણ બદલાવી નાખેલી.. ચાનો રસિયો શૃંગ હવે કોફી પીતો થઇ ગયેલો.. અને એ પણ પાછી સ્ટારબક્સની જ..!!! દિવસમાં એક વખત તો સ્ટારબક્સની કોફી પીવાની જ.. સાંજે ચારથી પાંચ એક કલાકનો બ્રેક મળે તેમાં તે અને તેના અમુક ઓફીસ કલીગ્સ સ્પેશ્યલી સ્ટારબક્સમાં કોફી પીવા જાય..
આજે એ બ્રેક ઓછો હતો એટલે તેમણે સીસીડીથી કામ ચલાવી લીધું..
"બે યાર.. કોણ આવી કોફી પી શકે?
સીસીડીમાંથી નીકળીને શૃંગે બોલવાનું ચાલુ કર્યું..
"યા.. આઈ નો.. સ્ટારબક્સની સામે કઈ નાં આવે તેનું.. થેંક ગોડ વી હેવ સ્ટારબક્સ ઇન અવર સીટી...
તેના દોઢ ડાહ્યા મિત્રે તેની વાતમાં પ્રોત્સાહન આપતા કહ્યું.
"આ જો ને અમુક લોકો તો પાછા આવી સાવ ગંદી જગ્યાએ ચા પીવા જાય.. ખબર નહિ ક્યાંથી પાણી લાવીને પોણાભાગનું પાણી જ ઉમેરીને ચા બનાવતા આ બધા ચાના ઠેલાવાળાના હાથની ચા લોકોને કેમ ભાવતી હશે??
રસ્તે પસાર થતા એસી ગાડીમાં બેઠેલા શૃંગ અને તેનો મિત્ર આવી કંઇક વાતોની ચર્ચા કરી રહ્યા હતા..
એ દિવસે ઓફિસેથી ઘરે જતા શૃંગ સ્ટારબક્સ થઈને કોફી પીને જ ગયો.. દિવસની એક કોફી ત્યાં પીવી એ નિયમ તૂટવો ના જોઈએ એમ વિચારીને તેણે એકલાએ પણ ત્યાંની કોફીની લિજ્જત માણી લીધી..
બીજા દિવસની સવાર થોડી મોડી ઉગી હતી શૃંગ માટે.. આમ તો ઓફિસે દસ વાગ્યે પહોંચવાનું હોય એટલે તે સાત વાગ્યામાં જ જાગી જાય.. જાગીને જીમ જઈ આઠ વાગ્યે આવીને ફ્રેશ થઈને પોણા નવે તો ઘરેથી નીકળી જાય.. રસ્તામાં ટીજીબી કે પછી ફર્ન અથવા તો ઈમ્પીરીયલ જેવી હોટેલના કાફેમાં બ્રેકફાસ્ટ કરીને જ ઓફિસે જાય.. પણ આજે તેને જાગવામાં જ મોડું થઇ ગયું.. ઉઠ્યો ત્યાં જ સાડા નવ થઇ ગયેલા.. ફટાફટ પાંચ મીનીટમાં નાહીને બીજી બે મીનીટમાં તૈયાર થઇ તે ઘરની બહાર નીકળ્યો.. ઓફીસ તેના ઘરથી દસ મીનીટના રસ્તે હતી.. સહેજ ઉતાવળમાં હોવાથી તે વધારે ઝડપથી બાઈક ચલાવતો હતો. કે અચાનક ચાર રસ્તે સિગ્નલ ક્રોસ કરતા એક છોકરા સાથે તે ભટકાયો.. વીસેક વર્ષનો તે છોકરો પડી ગયો અને તેના હાથ-પગ છોલાઈ ગયા હોવાથી તેને ખાસ્સું એવું વાગ્યું હતું... દસ-પંદર જણા ટોળે વળીને શૃંગને ઠપકો આપી રહ્યા હતા કે પાછળથી અવાજ આવ્યો..
"હેંડો લ્યા.. મારો ભોઈ હતો ને તી એ મુ ફોડી લેઇશ.. તમતમારે ખસકો હંધાય..!!! આયવા મોટા મદદ કરવાવાળા..!!
પચીસેક વર્ષના એક જુવાનડાને આવું બોલતા આવતો જોઈ બધાને નવાઈ લાગી.. પણ તેણે કહ્યું તેમ એનાં ભાઈને તે સંભાળી લેશે એટલે બધા ત્યાંથી ચાલવા લાગ્યા..
શૃંગને જરા હાશ થઇ.. એક તો ઓફિસે મોડું થતું હતું ને એમાં આ નવી લપ આવી પડત... એમાંથી બચ્યો એટલે ખુશ થતા એ બુલેટને કિક મારવા લાગ્યો..
"અરે ઓ સાહેબ.. ઉભા રો.. આમ કઈ વ્યુ નથ જાવાનું હો... ભરપાઈ તો કરવી પડે ને..!!
પેલા પચીસેક વર્ષના છોકરાએ શૃંગની એકદમ પાસે આવીને કહ્યું. તેને ચહેરો કંઇક ઓળખીતો લાગતો હતો શૃંગને.. હજુ તો પેલો સામે કઈ બોલવા જાય તે પહેલા જ શૃંગ બોલ્યો,
"અલ્યા મહેશ તું... સાલા તું મારી પાસે ભરપાઈ માગશે એમ હે??? બોલ ચલ.. શું ભરપાઈ કરું??
ને મહેશને જોઈ શૃંગ અત્યંત ખુશ થઇ ગયો.
રસ્તાની બાજુએ પોતાના હાથને પકડીને સિસકારા મારતો સુરેશ પોતાના મોટા ભાઈને આ રીતે આ સાહેબને ભેટતા જોઈ આશ્ચર્યચકિત થઇ ગયો..
કદાચ શૃંગના ઓફીસના કલીગ્સ અહી હોત તો તેને આમ કોઈ મજુર જેવા લાગતા છોકરાને ભેટતો જોઈ તેને તેમના ઓફીસના વોટ્સેપ ગ્રુપમાંથી બાકાત કરી દીધો હોત..!!!
"અરે સાહેબ.. શું તમેય. હેંડો.. હવ આ મારા ભોઈને અહીં ઠેલા હુધી લઇ જાવામાં હાથ દિયો..!! આ હામેની દુકાનમાં હંધાયને ચા આલ્વા જતો હતો.. ઈમાં ધીયાન નઈ રિયું હોય રસતા પર..!! એટલે તમારી હાયરે ભટકાણો...!! બચારાને બે મહિના થ્યા છ.. ગામડેથી આયા આયવો એને..!!
"અરે ના ના.. એ તો હું જ ઉતાવળમાં હતો ઓફિસે પહોંચવાની.. એમાં મારાથી ધ્યાન નાં રહ્યું..!!
ને આટલું બોલતા જ શૃંગને અચાનક ભાન થયું કે તે છેલ્લી અડધી કલાકથી અહી છે.. સાડા દસ થવા આવ્યા હતા.. તેનું માથું ભમી રહ્યું હતું..
સુરેશને પકડીને તે અને મહેશ તેના ચાના ઠેલા પાસે આવ્યા.. એ જગ્યાએ પગ મુકતા જ અચાનક શૃંગની જૂની યાદો તાજી થઇ ગઈ..
અમદાવાદમાં આવ્યા બાદ ચાર વર્ષ સુધી અહી સળંગ ચા પીધી હતી તેણે.. પોતે ચાનો કેવો રસિયો હતો.. સવારે દસ વાગ્યે, બપોરે ચાર વાગ્યે ને રાતે અગિયાર વાગ્યે તેને ચા પીવા જોઈએ એટલે જોઈએ જ.. ને અમદાવાદમાં તેની આ ચાની તરસ છીપાવવાની જગ્યા હતી આ મહેશનો ભાઈબંધી ટી સ્ટોલ !!!!!
"સાહેબ.. બેહો જરીક.. તમારે આજ ચા પીવામાં મોડું થઇ ગિયું ને.. દસ તો કિયારના વાગી ગ્યા સ.. બે મીલીટ ખમો.. તમારી કડક, મીઠી, આદુવાળી, ફુદીના વગરની આખા દુધની ચા બનાવી આલું..!!
ને શૃંગની આંખમાંથી આંસુનું ટીપું સરી પડ્યું..
આમ તો ચાર વર્ષનો હતો ને ત્યારથી જ ચા પીતો.. કોઈ પોતાની રકાબીમાંથી એક ઘૂંટડો નાનકડા શૃંગને ભરાવે એટલે તે ખીલખીલાટ હસવા લાગતો.. ધીમે ધીમે મોટો થતો ગયો તેમ ચાની તલપ વધતી ગઈ.. ચા વગર હવે તેને એક દિવસ પણ ના ચાલતું.. દિવસમાં ત્રણ વાર એક સરખા સ્વાદની ચા અને તે પણ તેના મમ્મીના હાથની જ પીતો તે.. ચા જાણે તેનું વ્યસન થઇ ગયેલું.. ચા વગર તે પોતાની જાતને અધુરી માનતો.. બેવકૂફ ડોટ કોમમાંથી બટ ફર્સ્ટ ચાઈ વાળા ટી-શર્ટસ પણ તેણે લીધા હતા.. પાંચ અલગ અલગ રંગમાં..!!
બારમાં ધોરણમાં 85 ટકા આવ્યા એ પછી અમદાવાદ ભણવા આવવાનું નક્કી કર્યું.. પોતાનું શહેર અને માં-બાપને છોડવાનું દુ:ખ તેને એટલું નોહ્તું જેટલું માંના હાથની ચા છોડવાનું હતું..
"મમ્મી.. તારા જેવી ચા ત્યાં કોણ પીવડાવશે?? જો મને ત્યાં ચા નહિ ભાવે ને ક્યાંય તો હું અમદાવાદ છોડીને આવતો રહીશ..!
જતા જતા શૃંગે તેના મમ્મીને કહેલું..
અમદાવાદ પીજી શોધ્યું ને એ પછી મળ્યો આ ચા વાળો..!! પહેલી વાર કોઈ મિત્ર સાથે અહી ચા પીવા આવેલો.. ને પછી રોજ આવતો થઇ ગયેલો.. ધીમે ધીમે આ મહેશ શૃંગની પસંદ જાણી ગયેલો.. તેને ગમે તેવી જ ચા બનાવતો.. તેના એક માટે સ્પેશિયલ બનાવતો.. શૃંગ પણ ચા પીવા જાય તો અડધી કલાક સુધી તેની પાસે બેસી રહેતો...
પણ એ બધા કોલેજના દિવસો હતા.. હવે તો શૃંગ મોટો સાહેબ બની ગયેલો..
"લો સાહેબ.. આઈ ગયી તમારી ઇસ્પેશીયલ.. આજ ઘણે દાડે તમારી સેવા કરવાનો મોકો મળીયો છ.. નિરાતેં પીજો..!!
મહેશના ચહેરા પર હજુ પણ એવું જ ભોળપણ હતું.. શૃંગ વિચારવા લાગ્યો..!!!
આરામથી ચા પીને શૃંગ ત્યાં જ અડધી કલાક સુધી એમનેમ બેઠો રહ્યો. ઓફિસથી હાફ ડે લીધો હતો.. એટલે કઈ ખાસ ઉતાવળ હતી નહિ..
થોડી વાર થતા ઉભો થઈને જવા લાગ્યો કે મહેશ બોલ્યો,
"સાહેબ, હવે તમે અહી કેમ નથી આવતા?????
ને આ સવાલ શૃંગને ખૂંચી ગયો..
ક્યાં એ જુનો, મસ્તીમાં રહેતો સદાય લોકોની મદદ કરવા તત્પર શૃંગ.. અને ક્યાં આ બદલાઈ ગયેલો, બધાથી ડિસ્ટન્સ મેઇન્ટેઇન કરતો શૃંગ...!! શું કહે તે મહેશને?? કે હવે તેને સ્ટારબક્સની કોફી પીને દેખાડો કરતા આવડી ગયું હતું એટલે ચાની જરૂર નહોતી..!!!!
અચાનક ખબર નહિ શૃંગને શું થયું કે તે દોડીને જઈને મહેશને વળગી પડ્યો.. જાણે તેની માંને ભેટતો હોય.. જાણે તેના જુના અવતારને ફરી જીવંત કરતો હોય.. ફરી બદલવાની શરૂઆત કરતો હોય તેમ દોડ્યો...
ને પછી તો ત્યાં જ આખો દિવસ બેસીને તેણે દસથી બાર કપડી ચા પીધી.. ઘડીક મોજ માટે પોતેય ચા બનાવી લીધી..
ને આજ ઘણા વખતે તે રાત્રે તેને શાંતિની ઊંઘ મળી..!! સંતોષની ઊંઘ મળી..!! ચાનો રસિયો શૃંગ હવે કોફી પીતો થઇ ગયેલો.. અને એ પણ પાછી સ્ટારબક્સની જ..!!! દિવસમાં એક વખત તો સ્ટારબક્સની કોફી પીવાની જ.. સાંજે ચારથી પાંચ એક કલાકનો બ્રેક મળે તેમાં તે અને તેના અમુક ઓફીસ કલીગ્સ સ્પેશ્યલી સ્ટારબક્સમાં કોફી પીવા જાય... સાહેબ.. બેહો જરીક.. તમારે આજ ચા પીવામાં મોડું થઇ ગિયું ને.. દસ તો કિયારના વાગી ગ્યા સ.. બે મીલીટ ખમો.. તમારી કડક, મીઠી, આદુવાળી, ફુદીના વગરની આખા દુધની ચા બનાવી આલું..!! વાર્તા આયુષી સેલાણી