ગરમીમાં ત્વચા સંબંધી રોગો થવાની શક્યતા વધુ: ડો. જોશી

સ્વસ્થ રહીએ... સ્વસ્થ રાખીએ... ખોરાક લેવામાં કાળજી રાખો તૈલી અને મસાલાયુકત ખોરાકથી દુર રહો
રાજકોટ તા.7
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા 7 એપ્રિલને વિશ્ર્વ સ્વાસ્થ્ય દિવસ જાહેર કરવામાં આવ્યો છે આજે સમગ્ર વિશ્ર્વ મેડીકલ ક્ષેત્રે ઘણું આગળ નીકળી ગયું છે અનેક અસાધ્ય રોગોની દવાઓ શોધાઈ છે લોકો પણ પોતાના સ્વાસ્થ્ય વિશે જાગૃત બન્યા છે અસાધ્ય રોગોને બાદ કરતા દરેક ઋતુઓ મુજબ જુદા જુદા રોગોની સંભાવના હોય છે અત્યારે ગરમીની ઋતુ છે તેથી ગરમીના કારણે રોગો થવાની શકયતા વધુ હોય છે. ત્વચા સંબંધી રોગો પણ વધુ થતા હોય છે. અથર્વ મલ્ટી સ્પેશીયાલીટી આયુર્વેદ હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરના ડો.ગૌરાંગ જોશીએ ગરમી સંબંધિત ‘ગુજરાત મિરર’ને ખુબ ઉપયોગી અને જરૂરી માહિતી આપી હતી.
ગુજરાત મિરર: હાલ ગરમીના દિવસોમાં શું કાળજી રાખવી જોઇએ
ડો.જોશી : ગરમીના દિવસોમાં સૌરાષ્ટ્રમાં તાપમાન 40ં સે. થી ઉપર જતુ જ રહે છે હીટવેવના સકંજામાં ન આવી જવાય તે માટે કેટલીક સાવચેતી રાખવી જોઇએ. સૌ પ્રથમ ગરમીમાં ખાસ કામ હોય તો જ બપોરના સમયે બહાર નીકળવુ. તેમજ જયારે બહાર નીકળો. ત્યારે આખા શરીરને કવર કરીને નીકળો. માથા પર કેપ, આંખો માટે ગોગલ્સ વગેરે પહેરીને નીકળો. બહાર નીકળો ત્યારે સાથે પાણીની બોટલ પણ રાખો જેથી તરસ લાગે તો તરત જ પી શકાય છે.
ગુજરાત મિરર: આટલી ગરમીનું કારણ શું?
ડો.જોશી: આપણી હાલની લાઈફ સ્ટાઈલ આ ગરમી માટે જવાબદાર છે. પહેલાના સમયમાં લોકો અગાસીમાં, ફળીયામાં સુતા જયારે અત્યારે આપણે ઓફીસ-ઘર બધી જ જગ્યાએ એસીની ટેવ છે જેની અસર હવામાન પર પણ થાય છે ગ્લોબલ વોર્મિંગનું પ્રમાણ વધતુ જાય છે અને જેના કારણે ગરમીનું પ્રમાણ પણ વધે છે.
ગુજરાત મિરર: ખાવા-પીવાની બાબતમાં શું કાળજી રાખવી?
ડો.જોશી : ઉનાળાના સમયમાં આપણી પાચન શકિત મંદ પડી જાય છે અને પિત્તનું પ્રમાણ વધે છે તેથી પિત્તને લગતી તકલીફ થાય છે તૈલી તેમજ મસાલા યુકત ખોરાકને ટાળો, શુધ્ધ ગુજરાતી ખોરાક લેવાનો વધુ આગ્રહ રાખો પિત્ત વધવાથી ત્વચા સંબંધી રોગો પણ થાય છે.
ગુજરાત મિરર : ત્વચા સંબંધી કેવા પ્રકારના રોગો થાય છે અને તેના માટે શું કરવું જોઇએ?
ડો.જોશી : ઉનાળામાં સ્કીન બર્ન, અળાઈ, એલર્જીક રીએકશન થતા હોય છે તેથી ત્વચાને સ્વચ્છ રાખવા બે વાર સ્નાન કરવુ તેમજ કોટન અને લિનન ના કપડા પહેરવા. ખોરાકમાં કાળજી રાખવી પોલીએસ્ટર, સિલ્ક વગેરે કાપડ એવોઈડ કરો નાના બાળકોને અત્યારે અળાઈનો પ્રોબ્લેમ થાય છે જે ક્ધટ્રોલ કરવા માટે પાણીમાં લીમડો નાખી અને એ પાણીથી બાળકોને સ્નાન કરાવવું યોગ્ય છે અને બાળકોને પણ ખુલતા કપડા પહેરાવવા જોઇએ.
કારમાં બેસતા પહેલા રાખો આટલી કાળજી
તડકામાં કાર પાર્ક કરેલી હોય છે તો બહારના ટેમ્પરેચર કરતા પણ અંદરનું ટેમ્પરેચર વધારે હોય છે ગાડીની અંદર રહેલી ગરમ હવાને બારી બારણા ખોલી બહાર નિકળી જવા દો અને અંદર બેઠા પછી પણ તરત જ એસી ચાલુ ન કરો. ફેનને બે ત્રણ મીનીટ ઓન રાખી અને પછી એસી ચાલુ કરો જો સીધુ એસી ચાલુ કરો તો બન્ને બેન્ઝાઈન નામનો ગેસ ઉત્પન્ન થાય છે અને આ બેન્ઝાઈન મિશ્રીત શ્ર્વાસ દરરોજ લેવાથી કેન્સર જવા રોગ થઇ શકે છે. (તસવીર: પ્રવીણ સેદાણી)