બાળકો શિક્ષણ સાથે સંસ્કાર, શિસ્ત અને સ્વચ્છતાની ટેવ પણ કેળવે: ધનસુખ ભંડેરી

પરાપીપળીયા પ્રાથમિક
શાળામાં ગુણોત્સવ યોજાયો
રાજકોટ તા.7
ગુણોત્સવ અભિયાનના બીજા દિવસે રાજકોટ જિલ્લાની વિવિધ શાળાઓની મહાનુભાવોઓ મુલાકાત લીધી હતી. મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ડો. ધનસુખભાઇ ભંડેરીએ પરા પીપળિયા પ્રાથમિક શાળાની મુલાકાત લઇ તેનું ગુણાત્મક દ્રષ્ટિએ આકલન કર્યું હતું.
જ્યાં શાળાની બાળાઓએ કુમકુમ તિલક કરી તેમનું સ્વાગત કર્યું. બાદમાં તેમણે શાળામાં નિભાવવામાં આવતા વિવિધ રજીસ્ટર, પ્રવૃત્તિઓના પુસ્તકોનું નિરીક્ષણ કર્યું હતું. શાળાના શિક્ષકગણ સાથે બેઠક કરી શિક્ષણકર્મમાં સક્રિયતા લાવી ગુણાત્મક પરિવર્તન કેવી રીતે લાવી શકાય તે બાબત સરળતાથી સમજાવી હતી અને પોતાના 22 વર્ષના શિક્ષક તરીકેના અનુભવોનો અર્ક પણ જણાવ્યો હતો.
તેમણે વર્ગ ખંડોની મુલાકાત લીધી હતી અને બાળકો સાથે સહજભાવથી વાતચીત કરી હતી. જ્યાં શિક્ષણ સાથે સંસ્કાર, શિસ્ત અને સ્વચ્છતાની સુટેવ કેળવવાની શીખ બાળકોને આપી હતી.
ચેરમેનએ બાળકો પાસે વાંચન, ગણન અને લેખન કાર્ય પણ કરાવ્યું હતું. બાળકોની ક્ષમતાને બિરદાવી હતી. પ્રજ્ઞા વર્ગની પણ મુલાકાત લઇ ત્યાં બાળકોને કરાવવામાં આવતી વિવિધ પ્રવૃત્તિની જાણકારી મેળવી હતી. પરાપીપળિયા શાળા ગ્રિન સ્કૂલ છે અને સ્વચ્છતામાં ચોક્કસાઇ રાખવામાં આવે છે. તે બાબત જોઇ તેઓ પ્રભાવિત થયા હતા. આ માટેના શિક્ષકોના પ્રયત્નોને બિરદાવ્યા હતા. આ વેળા સરપંચ વિક્રમભાઇ હુંબલ, આચાર્યા સુમિત્રાબેન પટેલ, તલાટી મંત્રી ડિમ્પલબેન પરમાર ઉપસ્થિત રહ્યા હતા.