પોરબંદરના ટીંબી નેસમાં પાંચ શખ્સોએ કરી સરપંચની હત્યા

ધુળેટી પર આપેલા ઠપકાનો લેવાયો બદલો મંદિરે દર્શન કરી પરત ફરતા હતા ત્યારે જ હત્યારા શખ્સોએ રસ્તામાં આંતરીને ઢાળી દીધો
પોરબંદર,તા.30
પોરબંદરના ટીંબીનેશ ગામે યુવાન સરપંચની પાંચ શખ્સોએ ઘાતકી હત્યા કરી નાંખતા ભારે ચકચાર જાગી છે.
બનાવની વિગત એવી છે કે, કુતિયાણાના ટીંબીનેશ ગામના સરપંચ રામાભાઇ ગોગનભાઇ શામળા ઉ.વ. 40 મોટરસાયકલ લઇને ઘેડ પંથકના બળેજ ગામે મંદિરે દર્શન કરીને પોતાના ઘર તરફ જતા હતા ત્યારે ટીંબીનેશ નજીક સારણ ડેમના કાંઠે બોલેરો લઇને પીછો કરી રહેલા પાંચ શખ્સોએ રામાને બાઇક ઉપરથી નીચે ઉતારી દીધો હતો. હુમલાખોરો ભીમા પોલા ભારાઇ, સાગર પાંચા ભારાઇ, નાથા ટીડા ભારાઇ, ભાવેશ હીરા ભારાઇ અને ભાયા ભલા ભારાઇ આ પાંચ શખ્સોએ લોખંડના પાઇપવડે રામાભાઇ શામળાને ગંભીર રીતે માર મારીને નાશી છુટયા હતા. ઘવાયેલા રામાભાઇને સારવાર માટે સૌ પ્રથમ કુતિયાણાની હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર માટે પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં ખસેડાતા ત્યાં તેમનું મોત નિપજતા બનાવ ખુનમાં પલ્ટાયો હતો. હત્યાના આ બનાવમાં મરણજનાર રામાભાઇના ભાઇ કરશન ગોગન શામળાએ પાંચ શખ્સો વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. કુતિયાણાના પોલીસ સબ ઇન્સ. પરમારે આપેલી માહિતી પ્રમાણે હત્યાનું કારણ ધુળેટી સમયે થયેલા ડખ્ખાનું છે જેમાં મરણજનાર રામાના ભાઇ કરશનભાઇ શામળા ધુળેટીના દિવસે મેટાડોર લઇને તેના પરિવારના સભ્યો સાથે શારણનેશ વિસ્તારમાંથી પસાર થતા હતા ત્યારે ભીમા પોલા સહિતના શખ્સો ધુળેટીનો રંગ ઉડાડતા હતા તેની સાથોસાથ ધુળ અને પથ્થરો પણ તેમાં ભેગા ભેળવીને કરશનભાઇના પરિવાર ઉપર હુમલો કર્યો હતો આથી જે તે સમયે કરશનભાઇએ વધુ માથાકુટ કરવાને બદલે ઘરે ગયા હતા અને તેના ભાઇ એટલે કે, ગામના સરપંચ રામાભાઇ શામળાને તેની જાણ કરી હતી આથી રામાએ જે તે સમયે આ યુવાનોને ઠપકો આપ્યો હતો તેથી તેનું મનદુ:ખ રાખીને પાંચેય શખ્સોએ ખુન કર્યુ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. વધુ તપાસ કુતિયાણા પોલીસ ચલાવી રહી છે.