ટ્રેડ વોરની ચિંતાથી વેચવાલી: સેન્સેક્સ ટોપ સ્તરથી 370 અંક ગબડ્યો


બેન્કો, ઇન્ફ્રા, આઇટી અને મેટલ સૌથી વધુ 1.45 ટકાથી 1 ટકા વચ્ચે ઘટ્યા છે.જ્યારે ઓટો પોઝિટિવ છ: ચીને અમેરિકાના 106 સામાન પર વધુ 25 ટકા ટેરિફ જાહેર કરતા વૈશ્વિક બજારમાં ઘટાડો આવ્યો છે.
બિઝનેસ ડેસ્ક: ચીને અમેરિકાના 106 સામાન પર વધુ 25 ટકા ટેરિફની જાહેરાત કરતા ટ્રેડ વોર તીવ્ર બનવાના ભયે વૈશ્વિક બજારો ઘટતા બપોર બાદ ભારતીય માર્કેટમાં વેચવાલી આવી હતી અને બેન્ચમાર્ક ગબડ્યા છે. સેન્સેક્સ બપોરે 2.30 વાગ્યે 304 પોઇન્ટ ગબડીને 33,066 પર ટ્રેડ કરે છે અને દિવસની ટોચથી 500 પોઇન્ટ નીચે અડ્યો છે. નિફ્ટી પણ 108 પોઇન્ટ ઘટીને 10,136 પર ટ્રેડ કરે છે. મોટી વેચવાલીથી બેન્કિંગ, મેટલ, ઇન્ફ્રા, આઇટી અને ફાર્મામાં 1.83 ટકાથી 1 ટકા વચ્ચે ઘટાડો આવ્યો છે.
માર્કેટ વધીને ખુલ્યા પછી ગબડ્યા
મિશ્ર ગ્લોબલ સંકેતો અને આરબીઆઇની બે દિવસની મીટિંગ પૂર્વે બુધવારે માર્કેટ વધીને ખુલ્યા હતા પરંતુ બપોર બાદ વેચવાલીથી ઘટાડો જોવા મળી રહયો છે. સેન્સેક્સ સવારે વધીને ખુલ્યો હતો અને 135 પોઇન્ટ વધીને ઉપર 33,505 સુધી ગયો હતો પરંતુ બેન્કિંગ, મેટલ, ઇન્ફ્રા સહિતના સેક્ટર્સમાં આવતા 2-40 કલાકે 337 પોઇન્ટ ઘટીને 33,033 પર ચાલે છે. આમ, સેન્સેક્સ ટોપ સ્તરથી આશરે 370 પોઇન્ટ ગબડ્યો છે. નિફ્ટી ઉપર 10,280 સુધી ગયો હતો પરંતુ બપોર બાદ તે 111 પોઇન્ટ ઘટીને 10,133 પર ચાલે છે.
ઓટો સિવાયના બધા સેક્ટર્સમાં ઘટાડો
ઓટો અને રીયલ્ટી સિવાયના તમામ સેક્ટરમાં ઘટાડો જોવા મળે છે. તેમાં બેન્કો, ઇન્ફ્રા, આઇટી અને મેટલ સૌથી વધુ 1.48 ટકાથી 1 ટકા વચ્ચે ઘટ્યા છે. બેન્ક નિફ્ટી 1.15 ટકા ઘટીને 24,228 પર ટ્રેડ કરે છે. જયારે ઓટો 0.79 ટકા વધ્યો છે.
એચડીએફસી, એલએન્ડટી, આઇસીઆઇસીઆઇ ઘટ્યા, ટાટા મોટર્સ ટોપ ગેઇનર
સેન્સેક્સમાં 24 શેરો ઘટીને ટ્રેડ થઇ રહ્યા છે તેમાં એચડીએફસી, એલએન્ડટી, ઇન્ફોસીસ, આઇસીઆઇસીઆઇ બેન્ક, એચડીએફસી બેન્ક, રિલાયન્સ, કોટક બેન્ક, ઇન્ડસ ઇન્ડ બેન્ક, એક્સિસ બેન્ક જેવા શેરો 1.67 ટકાથી 0.35 ટકા વચ્ચે ઘટ્યા છે. જ્યારે ટાટા મોટર્સ 4.54 ટકા ઊછળીને ટોપ ગેઇનર છે. ઉપરાંત અદાણીપોર્ટસ, હીરો મોટોકોર્પ અને મારુતિ પણ વધ્યા છે.
આઇસીઆઇસીઆઇ બેન્કની પેટાકંપની આઇસીઆઇસીઆઇ સિક્યોરિટીઝનું માર્કેટમાં ખૂબ નબળું લિસ્ટિંગ થયું હતું. બીએસઇમાં આઇસીઆઇસીઆઇ સિક્યોરિટીઝનો શેર 17 ટકાના તીવ્ર ડિસ્કાઉન્ટ સાથે રૂ.431.10 પર લિસ્ટ થયો હતો. એનએસઇમાં આ શેર 16.34 ટકા ડિસ્કાઉન્ટમાં રૂ.435 પર લિસ્ટ થયો હતો. બીએસઇમાં શેર અત્યારે રૂ.445.75 પર ચાલે છે. ઇશ્યુ પ્રાઇસ રૂ.520 પ્રતિ શેર હતી. આઇપીઓ 78 ટકા ભરાયો હતો.