જિંદગી કા સફર, હૈ એક ઐસા સફર...

બેફામ તોય કેટલું થાકી જવું પડયું
નહિ તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી
- બેફામ
બરકત વીરાણી બેફામ તેના આ શેરમાં જીવનના ઉદાત રહસ્યની વાત સાવ સહજતાથી કહી ગયા છે. જો જીવનનો માર્ગ ઘરથી કબર સુધીનો હોય છતાં આટલો થાક કેમ ? પ્રથમ હાલતનું બ્યાન કરતા કહે છે કે કેટલું થાકી જવું પડયું અને તેજ ચોખવટ કરે છે કે જીવનનો માર્ગ તો ઘરથી કબર સુધીનો જ છે. વાસ્તવિક રીતે જોતા ઘરથી કબર વચ્ચે બે પાંચ કિલોમીટરનું માંડ અંતર હોઇ શકે ! તો આ થાક કેમ ? જવાબ વગર કહ્યે જ ભાવકોને મળી જાય છે કે બચપણથી શરૂ કરી બુઢાપા સુધીમાં જીંદગીની સફરમાં કેટલા અવનવા અનુભવો મળ્યા. જીવન જાણે અનુભવોની પાઠશાળા ન હોય !
જીવન એ ઘરથી કબર સુધી જ ભલે કહેવાતું હોય પરંતુ આ લાંબી સફરમાં કયાંક હમસફરના સંગાથનું સુખ તો કયારેક વિરહની વેદના ! તો કદી અપને પરાયેનું દુ:ખ, સફળતાનો નશો કયારેક હારનો વસવસો ગમના ગુણાકાર ભુલના ભાગાકાર અને સુખના સરવાળા કહેતા વિતાવેલ સમય ભલભલાને થકાવી દેતો હોય છે.
કોઇપણ આવી શકે ને આવીને પણ જઇ શકે
જીંદગી છે આ દીવાને ખાસ જેવું કઇ નથી
- મધુમતી મહેતા
જીંદગી એટલે ઉપરવાળાએ બક્ષેલી લીઝ બે પાંચ કે સાત દસકા જેવી મુદત પુરી થાય કે આ જગત છોડી ચાલતા થઇ જવાનું એ જાણવા છતા માણસ પોતાની આગવી મસ્તીમાં જ મસ્ત રહે છે. કેટલાક લોકોને
મારા જેવું કોઇ નહિ તેવું અભિમાન હોય છે. જગતમાં તુંડે તુંડે મતિર્ભિન્ના મતલબ કે કોઇ એક સરખું નથી હોતું બે સહોદર વચ્ચે પણ વિચારભેદ જોવા મળતો જ હોય છે એટલે જ કહેવાય છે કે પ્રકૃતિ અને પ્રાણ સાથે જ જાય કેમ કે સ્વભાવ બદલાઇ શકતો નથી.
ખરેખર તો સરળ સ્વભાવ હોવો તે ઇશ્ર્વરની દેન ગણાય આવા લોકો સૌને પ્રિય હોય છે. તો કેટલાક પાણીમાંથી પુર કાઢનાર ભાગ્યે જ કોઇને ગમતા હોય છે.
કેટલાકનો એવો સ્વભાવ કે કોઇ સાથે ભળશે નહી, કોઇને નજીક આવવા જ નહી દે, તો કેટલાકનું જીવન ખુલ્લી કિતાબ જેવું હોય છે.
જેમ રાજમહેલમાં જવા માટે પરમીશનની જરૂર પડે પણ સામાન્ય ઘરમાં તુરંત બારણે ટકોરા દઇ શકાય છે. તેમ આ શેરમાં કવયિત્રી પોતાના સરળ સ્વભાવની વાત સરસ રીતે જણાવી ગયા છે.
દર્દની જેમાં ન હો કોઇ જલન
જીંદગી એવી ભલા શા કામની ?
- સીરતી
જીવન સુખી હોય તે તકદીરની વાત છે. હરકોઇ સુખની યાચના પણ કરતા રહેતા હોય છે પરંતુ સુખ સાથે જો થોડું દુ:ખ ન હોય તો સુખની કદર નથી થતી.
જેમ ભોજનમાં ફકત શિખંડ, બાસુંદી કે રબડી અને લાડુ જેવી મીઠી વાનગી જ હોય તો ખાસ મજા નહિ પડે પરંતુ સાથે ભજીયા દાળ-શાક, સંભારા જેવી ખારી વાનગી હોય તો ભોજન ભાવતું હોય છે તેમ કવિ કહે છે કે જીવનમાં જો દર્દની કોઇ જલન ન હોય તો એ જીંદગી નકામી છે. આસ્વાદ બાલેન્દુ શેખર જાની