કોઇને વાંચવા આપેલું પુસ્તક ખૂબ લાંબા અંતરાલ પછી પણ ફરે પરત !!!

મુક પ્રશ્ર્ન એવા હોય કે જેના જવાબ વ્યકિતગત રીતે અલગ અને અદ્વિતીય પણ હોય ! હું તમને એમ પૂછુ કે તમે સૌથી છેલ્લે વાંચલા પુસ્તકનું નામ શુ ? તો જવાબ અલગ અલગ જ મળવાના! એ પણ એટલી જ વાત કે તમે પુસ્તક વાંચવાનો શોખ ધરાવતા હોવ અને સમય કાઢીને પુસ્તક વાંચતા પણ હોવ તો જ આ સવાલ અર્થ સભર અને યથાર્થ ગણાય ! બીજા સવાલો આવા પણ હોય શકે તમે ઇચ્છિત પુસ્તક કયાંથી મેળવો છો ? કોની પુસ્તકાલયના તમે સભ્યો છો ? વાંચવા હોય કોઇને તમે પુસ્તક વાંચવા માટે આપો છો ? કોઇ પાસેથી વાંચવા માટે તેમ જે પુસ્તક લઇ આવ્યા હતા એ સમયસર પરત કર્યુ હતું ? કે હજુ
પણ એ તમારી પાસે સચલાયેલું
પડયું છે. !!!
પુસ્તક ગોષ્ઠિ બેઠકમાં કયારેક હાજરી આપનાર મારા એક પરિચિત મિત્ર એક વખત મારી પાસેથી મસ્ત મઝાનું એક પુસ્તક વાંચવા લઇ ગયા મને તેણે પુસ્તક લઇ જતી વખતે વચન પણ આપ્યું કે તેઓ એક અઠવાડિયામાં જ પુસ્તક વાંચીને પરત કરી દેશે. મે એ વખતે તેઓને કહેલું કે ભલે એકને બદલે બે અઠવાડિયામાં થાય પણ મહત્વનું એ છે કે મને પુસ્તક તેઓ પરત કરશે જ. આઠમો દિવસ નહીં થવા દઉં એવું કહીને મારૂ ખુબ પ્રિય પુસ્તક લઇ ગયેલાં એ મિત્રએ આજે ત્રણ વર્ષ બાદ પણ એ પુસ્તક નથી કર્યુ પરત ! મેં જ્યારે માંગણી કરી કે પુસ્તક તેઓએ મને પરત કરવું જોઇએ તો તેના જવાબમાં તેઓ એવું જ કહે છે કે કયાંક મૂકાઇ ગયું છે. આડે હાથે ! નિરાંતે શોધીને મને તેઓ જરૂર પરત કરશે ! પુસ્તક શોધવાની કે નવું ખરીદીને મને આપવાની નિરાંત તેઓને હજુ સુધી પ્રાપ્ત થઇ નથી ને હું હજુ નિરાંતે પ્રતિક્ષા કરૂ છું. કે કાશ એ પુસ્તક પણ પાછુ આવે ! એક પુસ્તક ખૂબ લાંબા સમય બાદ મને પાછું મળેલું ! તે વાત જ એકદમ રોચક અને રસપ્રદ ! પુસ્તક મેળામાંથી ખરીદેલાં ઘણાં પુસ્તકો પૈકીનું એ હતુ એક વિશેષ પ્રકારનું શીર્ષક ધરાવતું પુસ્તક મને ! વાંચવાની ખૂબ મઝા પડી હતી. તુષાર નામના બારમા ધોરણની પરીક્ષા આપનાર એ વિદ્યાર્થીએ વેકેશનમાં વાંચવા માટે એ પુસ્તક મારી પાસેથી માંગેલુ ને કહેલું કે ત્વરીત એ કરી દેશે પરત ! પણ પછી ન તુષાર દેખાયો કે ન કોઇ દ્વારા એણે પાછું મોકલ્યું મને એ પુકતક ! મસ્ત મઝાનું પુસ્તક ગુમાવ્યાનો એ વખતે મને થયેલો અફસોસ ! સ્મૃતિ પર પરથી પછી તો એ વાત લગભગ વીસરાઇ જ ગયેલી એક દિવસ એક યુવાન મને મળવા આવ્યો આવીને પગે લાગ્યો ! ને પછી પોતાની બેગ ખોલી પુસ્તક કાઢીને મારા હાથમાં મુકી સોરી કહીને પોતાની ઓળખ આપતા કહ્યું કે તે હતો તુષાર ! વીસેક વરસ પછીએ મને મળવા આવ્યો હતો. અને મારૂ પુસ્તક એ સાથે પરત કરવા માટે પણ ! મને આશ્ર્ચર્ય અને આનંદની મિશ્રિત લાગણી થઇ તુષાર કહે બારમાં ધોરણની પરીક્ષાના પરિણામ બાદ મુંબઇ શીફટ થઇ ગયા હતા મેં કોલેજનો અભ્યાસ ત્યાંજ કર્યો પછી ત્યાંજ સ્થાયી થયા ! પુસ્તક અચાનક યાદ આવ્યું ! વરસો પછી ! ખુબ અફસોસ અને દૂ:ખ થયાં કે મેં સમયસર પરત કેમ ન કર્યુ ! નક્કી કર્યુ કે ગમે તે થાય! પાછું તો આપવું જ છે. ! અને આવી ગયો હું તમારી પાસે તમારુ આ પુસ્તક લઇને ! દિલગીર છું ને ખૂશ પણ તુષાર મારી પાસેથી વાંચવા માટે લઇ ગયેલું એ પુસ્તક તેણે મને પરત કર્યુ હતું વીસેક વર્ષના લાંબા અંતરાલ પછી ! ન માની શકાય એવી પણ એકદમ સાચી વાત છે ! કહેવાનું તાત્પર્ય માત્ર એટલું
જ કે કોઇ પાસેથી પુસ્તક વાંચવા માટે લઇએ તો નિયત સમયથી વહેલૂં એ કરી દેવું જોઇએ પરત ! તો અને માત્ર તો જ આપણને ફરીથી ત્યાંથી
પુસ્તક મળે વાંચવા ! અન્યથા નહીં ! ને મળે તો લેવાય પણ નહીં જો સમયસર પરત કરી શકવાની ક્ષમતા ને ટેવ ન હોય તો !
તુષાર જે પુસ્તક વાંચવા લઇ ગયેલો અને ખૂબ લાંબા અંતરાલ પછી એ પરત કરવા પણ આવ્યો ! એ પુસ્તકની જ વાત કરી દઉં તો તમને અત્યારે ખુબ જ સંક્ષિપ્તમાં!
આપણા સંપર્કમાં આવતી દરેક વ્યકિત સાથેની વાતચીતમાં ઘણું બધું વૈચારિક અને ભાવનાત્મક આદાર પ્રદાન થતું હોય છે. ક્યારેક આપણે એ થકી ખુશ થઇએ ક્યારેક કોઇ જ ભાવ ઉત્પન્ન ન થાય જેમના તેમ જ રહીએ અને કયારેક ગમ કે નાખુશી દુ:ખ કે ગ્લાનિભી પણ આપણને થાય અનુભૂતિ અને મળે તેવો અનુભવ કે જે આગળ પર આપણાં અન્યો સાથેના વ્યવહારમાં આવી જાય કામમાં !
દરેક ક્ષણે આપણે ઉમરનાં ચોક્કસ મુકામ પર હોઇએ છીએ. જેમની સાથે આપણો વ્યવાહાર કે વાતચીત થતા હોય તેની ઉંમર આપણાંથી ઓછી ખુબ ઓછી વધુ કે ખુબ વધુ હોય શકે. આવા વખતે બેઉ પક્ષે ઓકેની લાગણી થવી જરૂરી હોય છે ! મતલબ કે બંનેને બધુ યોગ્ય કે બરાબર હોવાનો થવો જોઇએ અહેસાસ ! પણ મોટાભાગે આમ થતું નથી હોતું બાળક અને પુખ્તવયની વ્યકિત વચ્ચેના આદાન પ્રદાનમાં મોટાભાગે પુખ્ત વ્યક્તિ કદી પણ પેલાનાં બાળકના સ્તર પર જઇને એ પ્રકારની વિચારધારા કે સંવેદનો સાથે તાદાત્મય સાધી શકતી નથી ! પુખ્ત પોતે બાળક હતા એ વખતના બિનજરૂરી વ્યવહાર સંસ્મરણથી તેનું થયું હોય ઘડતર ! એટલે હવે અહમની ભુમિકા પણ એ પ્રમાણેની જ હોય ! એટલે જ્યારે બાળકે અને પુખ્ત વચ્ચેનો વ્યવહાર વાતચીત પૂર્ણ થાય ત્યારે બેઉ પક્ષને કદી પણ ઓકે નો અનુભાવ કે લાગણી થતા નથી ! બાળક પુખ્ત કે વયસ્ક સાથે જે તે સ્તર પર જઇને તેના જેવી જ વિચારધારા સંવેદનામનું કલ્પના કરીને સમહાનુભૂતિની સુક્ષ્મતા અને ગહનતાને સમજીને વ્યવહાર વર્તન કરીને તો જ બંને બાજુ થાય અહેસાસ ઓકે આવા તો જગતના ઘણાં પ્રશ્ર્નોના સમાધાન આમાંજ છે. સમાવિષ્ટ ! એથી પણ વધુ મહત્વની અને અર્થસભર વાત તો એ છે કે ઘણાં બધાં પ્રશ્ર્નોને ઉદ્દભવતા જ અટકાવી શકાય છે. જો આ સિધ્ધાંત સમજાય જાય અને તેના પર કામ થાય તો ! વ્યવહાર દક્ષ અને આવડત બાબતે સક્ષમ બનવાના રહસ્ય એમાં જ કયાંક છૂપાયેલા હસે છે. આપણને !
જે પુસ્તક હાર્દમે તમારી સામે મૂકયુ એ પુસ્તકનું શીર્ષક જાણવા માટે ખૂબ જ ઉત્સુક છો ને ?
તુષારે લાંબા અંતરાલ પછી મને પરત કરેલું એ પુસ્તક છે વિશ્ર્વ વિખ્યાત અને હજુ આજે પણ ખુબ વંચાય છે! તેના પછી ઘણા પુસ્તકો એ પ્રકારે આવ્યાં ! તેનું પ્રેરણાસ્ત્રોત એ ! એ પુસ્તક છે. - થોમસ એ હેરિસનું આઇ એમ ઓકે યુઆર ઓકે ! વાંચજો ! હું અટકું ! દરેક ક્ષણે આપણે ઉંમરનાં
ચોક્કસ મુકામ પર હોઇએ છીએ.
જેમની સાથે આપણો વ્યવહાર કે વાતચીત
થતા હોય તેની ઉંમર આપણાંથી ઓછી ખુબ ઓછી વધુ કે ખુબ વધુ હોય શકે. આવા
વખતે બેઉ પક્ષે ઓકેની લાગણી થવી
જરૂરી હોય છે ! મતલબ કે બંનેને
બધુ યોગ્ય કે બરાબર હોવાનો
થવો જોઇએ અહેસાસ ! બુક ટોક સલીમ સોમાણી