કચ્છનું દીનદયાળ પોર્ટ કાર્ગો હેન્ડલિંગમાં અવ્વલ

ચાલુ નાણાકીય વર્ષમાં 110 એમ.એમ.ટી. કાર્ગો હેન્ડલીંગ કરી મેળવી અનેરી સીધ્ધી: દેશમાં પ્રથમસ્થાને પંડિત દિનદયાળ પોર્ટ
ભુજ તા,2
દેશના પ્રથમ હરોળના દીનદયાળ પોર્ટે કાર્ગો હેન્ડલિંગ ક્ષેત્રે અને અમદાવાદ રેલવે ડિવિઝન પૈકીના ગાંધીધામ ડિવિઝને રેક લોડિંગ ક્ષેત્રે ગત નાણાકીય વર્ષની સરખામણીમાં નોંધપાત્ર વૃદ્ધિ હાંસિલ કરી છે. ડી.પી.ટી.એ વધુ કાર્ગો હેન્ડલિંગનો વિક્રમ જારી રાખતાં દેશના તમામ મહાબંદરોમાં સતત 11મા વર્ષે અવ્વલ દરજ્જો જાળવી રાખ્યો છે.
પોર્ટના સત્તાવાર સાધનો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ દીનદયાલ પોર્ટે ઇતિહાસમાં સૌપ્રથમ વખત નાણાકીય વર્ષ 2017-18માં 110 મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલિંગનો લક્ષ્યાંક પાર પાડી દીધો છે. પોર્ટ દ્વારા ગત નાણાકીય વર્ષમાં 91.6 લાખ એમ.ટી. કાર્ગો હેન્ડલ કરાયો હતો તેની સામે માર્ચ-2018માં વૃદ્ધિ સાથે 99.75 લાખ એમ.ટી. કાર્ગો હેન્ડલ કરાયો હતો. 4.42 ટકાની વૃદ્ધિ સાથે પોર્ટ દ્વારા 1100.99 લાખ એમ.ટી. ટ્રાફિક હેન્ડલ કરાયો છે.
આ આંકડો ગત નાણાકીય વર્ષમાં 1054.42 લાખ એમ.ટી. હતો. ડી.પી.ટી. દ્વારા ગત નાણાકીય વર્ષમાં 353.90 લાખ એમ.ટી. ડ્રાય કાર્ગો હેન્ડલિંગ કરાયો હતો જેની સામે માર્ચ-2018માં 25.70 લાખ એમ.ટી.ની વૃદ્ધિ સાથે 379.60 લાખ એમ.ટી. ડ્રાય કાર્ગો હેન્ડલ કરાયો હોવાનું જણાવાયું છે. કંડલા બંદરે લિક્વિડ કાર્ગો હેન્ડલિંગમાં ચાલુ નાણાકીય વર્ષમાં 10.80 ટકાની વૃદ્ધિ નોંધાઇ છે. ગત વર્ષે 130.50 લાખ એમ.ટી. સામે આ વર્ષે 144.60 લાખ એમ.ટી. લિક્વિડ કાર્ગો હેન્ડલ કરાયો છે. વાડીનાર બંદરે લિક્વિડ કાર્ગોમાં 1.19 ટકાની વૃદ્ધિ થઇ?છે. માર્ચ 2017માં 570.2 લાખ એમ.ટી. સામે માર્ચ-2018માં 576.79 લાખ એમ.ટી. લિક્વિડ કાર્ગો હેન્ડલ કરાયો હતો.
અત્યાર સુધી દેશમાં દીનદયાલ પોર્ટ સિવાયના કોઇ મુખ્ય બંદરે નાણાકીય વર્ષ દરમ્યાન 110 મિલિયન મેટ્રિક ટનથી વધુ કાર્ગો હેન્ડલિંગ કર્યો નથી.?ડી.પી.ટી.એ મંત્રાલય દ્વારા આપવામાં આવેલા 106 એમ.એમ.ટી.ના લક્ષ્યાંકથી પવધુ કાર્ગો હેન્ડલિંગ ચાલુ નાણાકીય વર્ષમાં કર્યું હતું. ડીપીટી ચેરમેન સંજય ભાટિયાએ આ સિદ્ધિ બદલ પોર્ટના કર્મચારીઓ, વપરાશકારોને અભિનંદન પાઠવી પોર્ટને લક્ષ્યાંક પાર પાડવામાં સહયોગ આપવા બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી તેવું ડીપીટીના જનસંપર્ક અધિકારી ઓમપ્રકાશ દાદલાણીએ જણાવ્યું હતું.
દરમ્યાન, પ્રતિદિન રેક લોડિંગ ક્ષેત્રે અમદાવાદ ડિવિઝન હેઠળ આવતા ગાંધીધામ સબ ડિવિઝને પણ ગત વર્ષની સરખામણીમાં નોંધપાત્ર વૃદ્ધિ હાંસલ કરી છે. રેલવેના સત્તાવાર સાધનો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ ગાંધીધામ સબ ડિવિઝનમાં ચાલુ નાણાકીય વર્ષ દરમ્યાન સરેરાશ પ્રતિદિન 1379 રેકની લોડિંગની કામગીરી થઇ?છે. ગત નાણાકીય વર્ષમાં પ્રતિદિન 1284 રેક લોડિંગ થઇ હતી. ગાંધીધામ સબ ડિવિઝન હેઠળ ગાંધીધામ ઉપરાંત મુંદરા, કંડલા, ભુજ, સાંતલપુર વગેરેનો સમાવેશ?થાય છે. આ સફળતા બદલ ડી.આર.એમ. દિનેશકુમારે ગાંધીધામની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા.