ગોઢાણાના પ્રૌઢનું કારમાં અપહરણ કરી જઈ હત્યા-લૂંટ

લૂંટારા શખ્સોએ દોઢ લાખની લૂંટ ચલાવી ઝાડીમાં ફેંકી દીધેલા: સારવાર મળે તે પહેલા જ દમ તોડયો
પોરબંદર,તા.ર6
પોરબંદર જિલ્લાના ગોઢાણાના પ્રૌઢનું અપહરણ કરાયા બાદ તેમની પાસેથી દોઢ લાખની લૂંટ કરી હત્યા કરી નાખવામાં આવી હતી. આ પ્રૌઢ ગંભીર ઘાયલ હાલતમાં પોરબંદરના ઓડદર નજીકથી મળી આવ્યા બાદ સારવાર મળે તે પહેલા જ તેમનું મોત નિપજ્યું હતું. સતત બીજા દિવસે લૂંટનો બનાવ બનતા પોરબંદર પંથકમાં ભારે ચકચાર જાગી છે, તો હત્યાનો આ બનાવ શંકાસ્પદ માનવામાં આવે છે.
આ બનાવની પ્રાપ્ત વિગત મુજબ ગોઢાણા ગામની સીમમાં રહેતા મહેશભાઈ બાબુભાઈ ચાવડા (ઉ. વર્ષ 50) પોરબંદર કોઈ કામસર આવ્યા હતા તે દરમિયાન અજાણ્યા શખ્સો કારમાં ધસી આવ્યા હતા. અને મહેશભાઈને પોતાની સાથે કારમાં ઉઠાવી જઈ અપહરણ કરી લીધું હતું. આ દરમિયાન મહેશે પોતાના ભાઈ સંજયને મોબાઈલ ફોન કરીને જણાવ્યું હતું કે ‘કોઈ અજાણ્યા શખ્સો મને કમલાબાગ વિસ્તારમાં કારમાં અપહરણ કરીને ક્યાંક લઈ જાય છે’ આથી સંજયે તુરંત જ પોરબંદર પોલીસ ક્ધટ્રોલ રૂમને જાણ કરી હતી અને પોલીસે નાકાબંધી કરીને અપહૃત મહેશને છોડાવવા ચક્રો ગતિમાન કર્યા હતા.
ત્યારબાદ મહેશભાઈએ બીજો ફોન પોતાના સગાસંબંધીને કર્યો હતો અને જણાવ્યું હતું કે ‘મારી પાસેથી દોઢ લાખની રોકડની લૂંટ ચલાવી મને ચાલુ કારે ઓડદર રોડ ઉપર બાવળની કાંટ્યમાં ફેંકી દેવામાં આવ્યો છે’ આ ફોન મળતાની સાથે જ તેમણે પણ પોલીસને જાણ કરી હતી જેથી પોરબંદર પોલીસ તાત્કાલીક ઓડદર રોડ ઉપર ધસી ગઈ હતી અને ત્યાં તપાસ હાથ ધરતા સીકોતર માતાજીના મંદિરવાળા રોડ ઉપર ગંભીર હાલતમાં ઘવાયેલી અવસ્થામાં અર્ધબેભાન અવસ્થામાં મહેશભાઈ મળી આવ્યા હતા. ત્યારબાદ તેમને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ ત્યાં તેમનો મૃતદેહ જ પહોંચ્યો હતો. આ બનાવ હત્યામાં પલટાઈ જતા પોલીસ દ્વારા અજાણ્યા શખ્સો સામે ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
સમગ્ર બનાવ ભેદભરમવાળો...
હત્યાનો આ બનાવ એટલા માટે શંકાસ્પદ માનવામાં આવે છે કે અપહરણ થયા બાદ પણ બે ફોન મહેશભાઈએ કર્યા તે દરમિયાન તેઓ ક્યાં હતા ? અને અપહરણકારો કોણ છે તે સહિતની વિગતો મેળવવા કાર્યવાહી હાથ ધરી છે. પોરબંદર આવેલા મહેશભાઈનું બાઈક ભાવસિંહજી હોસ્પિટલ નજીક શિતલ કોમ્પ્લેક્સ નીચેથી મળી આવ્યું હતું પરંતુ તેમનું અપહરણ કમલાબાગ
(અનુસંધાન પાના નં. 8)
વિસ્તારમાંથી થયું હતું તેવું પોલીસને જણાવાયું હતું. તેથી હત્યા કોઈ જાણભેદુએ કરી છે ? તે મુદ્દા પર પોલીસે તપાસ હાથ ધરવામાં આવી છે.
મૃતક 18 વર્ષ દુબઈ રહ્યા બાદ 3 વર્ષથી ભારતમાં હતા
પોરબંદરના ગોઢાણા ગામના પ્રૌઢની શંકાસ્પદ હત્યાના આ બનાવમાં તેના પરિવારજનો પાસેથી જાણવા મળેલી માહિતી પ્રમાણે મૃતક મહેશભાઈ 18 વર્ષ સુધી દુબઈ રહ્યા હતા અને ત્રણ વર્ષથી જ તેઓ વતન આવ્યા હતા. તેમના પત્ની કોઈ બિમારી સબબ પીયરીયે બિલેશ્ર્વર ગામે બે સંતાનો રહેતા હોવાનું પણ જાણવા મળ્યું છે. મૃતકની પાંચ વીઘા જમીન હતી તથા મગફળીની વેચાણની રકમ તાજેતરમાં જ તેમની પાસે આવી હોવાનું પણ જાણવા મળ્યું છે. હત્યાનો ગુન્હો દાખલ
ભેદભરમવાળી હત્યાના આ બનાવમાં મરણ જનાર મહેશના નાના ભાઈ ગોઢાણાની પાંઉની સીમમાં રહેતા સંજય બાબુભાઈ ચાવડા નામના મોચી યુવાને અજાણ્યા શખ્સો સામે એવા પ્રકારનો ગુન્હો નોંધાવ્યો છે કે ભાઈનું અપહરણ કરી દોઢ લાખ જેટલી રકમની લૂંટ કરી, સિકોતેર મંદિર પાસે અવાવરૂ સ્થળે ઝેરી દવાની અસર હેઠળ રોડ ઉપર મૂકી દઈ ખૂન કર્યું છે. અનેક લોકોની અવરજવર છતાં હત્યા કઈ રીતે થઈ ?
પોરબંદરના સીકોતેર મંદિર પાછળ ‘જન્નત’ તરીકે ઓળખાતા વિસ્તારમાં અનેક લોકોની અવરજવર સતત રહે છે. ખાસ કરીને પ્રેમીયુગલો ઉપરાંત પોલીસના પણ આંટાફેરા અહીં વિશેષ રહે છે. એટલું જ નહીં, પરંતુ બાજુમાં જ આવેલા ક્રિકેટ મેદાનમાં દિવસભર અસંખ્ય યુવાનો ક્રિકેટ રમતા હોય છે તેમજ ક્રિકેટ ટુર્નામેન્ટ પણ યોજાય છે ત્યારે આવા ભરચક્ક વિસ્તારમાં મહેશભાઈની હત્યા થતી હતી ત્યારે તેમણે બુમાબુમ કેમ કરી નહીં ? તેમને બળજબરીથી ઝેરી દવા પીવડાવાતી હતી ત્યારે તેઓએ સ્વબચાવમાં કેમ કાંઈ કર્યું નહીં ? હત્યારાઓ એક થી વધુ હતા ? તેવા અનેક સવાલોનો ભેદ ઉકેલવા માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.