પોરબંદરની વધુ બે બોટ સાથે 42 માછીમારોના અપહરણ

ભારતીય જળ સીમામાં ઘૂસી આતંક મચાવવાનું ચાલુ રાખતું પાક. મરીન પોરબંદર, તા.29
છેલ્લા બે દિવસ દરમિયાન આંતરરાષ્ટ્રીય દરિયાઇ જળસીમા નજીકથી પોરબંદરની સાત બોટ અને 4ર માછીમારોના અપહરણ કરીને પાક. મરીન સીકયુરીટીએ હાહાકાર મચાવી દીધો છે.
પોરબંદર માછીમાર બોટ એશો.ના પ્રમુખ ભરતભાઇ મોદીએ આપેલી માહિતી પ્રમાણે આઇ.એમ.બી.એલ. નજીક પોરબંદરની કેટલીક ફીશીંગ બોટો ગ્રુપમાં માછીમારી કરતી હતી ત્યારે અચાનક ત્રાટકેલી પાક. મરીન સીકયુરીટી એજન્સીએ મંગળવારે પોરબંદરની 4 બોટ અને ર4 ખલાસીઓને અને બુધવારે 3 બોટ અને 18 ખલાસીઓને બંદીવાન બનાવીને પાક.ના જુદા-જુદા બંદર તરફ લઇ ગયા હતા. છેલ્લા બે દિવસમાં જ પોરબંદરની 7 બોટ અને 4ર ખલાસીઓના અપહરણ કરીને પાક. મરીને રીતસરની દાદાગીરી કરી છે. અગાઉ પણ પોરબંદરની અબજો રૂપિયાની ફીશીંગ બોટો પાક.ના જુદા-જુદા બંદર ઉપર ભંગાર હાલતમાં ફેરવાઇ રહી છે તેને મુકત કરાવવામાં સફળતા મળી નથી ત્યારે હવે વધુ બોટોના અપહરણનો સિલસિલો અટકાવવા તંત્રએ કાર્યવાહી કરવી જોઇએ.
પોરબંદર માછીમાર બોટ એશો.ના પ્રમુખ ભરત મોદીના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં પોરબંદર સહિત ગુજરાતની 1027 બોટો અને 550 માછીમારો પાકીસ્તાનના કબ્જામાં છે. વર્ષોથી પકડા પકડીનો ખેલ ચાલે છે અને કેન્દ્ર સરકાર બોટ મુકત કરવા માટે કોઇ જ નકકર કાર્યવાહી કરી શકતી નથી. છેલ્લા દોઢેક દાયકાથી પાક. મરીને અબજો રૂપિયાની ફીશીંગ બોટોના અપહરણ કરી લીધા છે તે પૈકી માત્ર 57 ફીશીંગ બોટો દોઢેક વર્ષ પહેલા મુકત કરી હતી.
ભારત સરકાર પાકીસ્તાન ઉપર દબાણ લાવી શકતી નહીં હોવાને કારણે અવાર-નવાર આવી પરિસ્થિતિ સર્જાય છે. છેલ્લે રર ફીશીંગ બોટો મુકત કરવાની વાતો છેલ્લા એક વર્ષથી સરકાર કરે છે પરંતુ એ બોટો મુકત કરવાની કાર્યવાહી પણ હાથ ધરાઇ નથી.
પાકીસ્તાની મરીન સીકયુરીટી એજન્સી અવાર-નવાર માછીમારોને બંદુકના નાળચે અને મશીનગનની અણીએ ઉઠાવી જાય છે અનેતેના પરિવારજનોની સ્થિતિ ખુબ જ દયનીય બની જાય છે. મહીનાઓ નહીં વર્ષો સુધી પાક.ની જેલમાં ખલાસીઓ સબડતા હોવાથી તેના પરિવારજનોના ભરણપોષણના પણ ફાંફા પડી જાય છે અને વખતો વખત માછીમાર આગેવાનો સ્થાનિક મંડળો ઉપરાંત અખીલ ગુજરાત માછીમાર મહામંડળ જેવી રાજયકક્ષાની માછીમારોની પ્રતિનિધિ મંડળની ટીમ પણ રજુઆત કરે છે અને છેક વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સુધી રૂબરૂ પણ રજુઆતો કરવામાં આવતી હોવા છતાં પાક.માંથી બોટો છોડાવવાની કાર્યવાહી હાથ ધરવામાં ભારત સરકારને નિષ્ફળતા મળે છે તેમ જણાવીને માછીમાર આગેવાનોએ ઉગ્ર રોષ ઠાલવી દરિયામાં માછીમારોની સુરક્ષા માટે સરકાર વધુ ગંભીર બને તેવી માંગણી પણ કરી છે.
માછીમારોને છોડે છે, પણ બોટના
અભાવે રોજગારી મળતી નથી
પાકીસ્તાનની જુદી-જુદી જેલમાં સજા કાપી રહેલા ગુજરાતના ખલાસીઓ ે સમયાંતરે છોડવામાં આવે છે. પરંતુ તેમની રોજીરોટી સમાન ફીશીંગ બોટો છોડવામાં આવતી નથી તેના કારણે તેઓ બોટના અભાવે બેરોજગાર જેવા બની રહે છે.
એક બોટની કીંમત અંદાજે પ0 લાખ રૂપિયા
એક ફીશીંગ બોટની કીંમત અંદાજે પ0 લાખ રૂપિયા જેવી થવા જાય છે અને આ પૈકીની કેટલીક બોટો તો એક જ બોટ માલીકની છે તેથી પાકીસ્તાનના જુદા-જુદા બંદરો ઉપર કાટ ખાઇ રહેલી બોટોને મુકત કરાવવા માટે સરકાર કયારે ગંભીર બનશે? તેવો સવાલ ઉગ્ર રીતે માછીમારોએ રજુ કર્યો છે.