માધવપુરને ઐતિહાસિક નગરી તરીકે વિકસાવવા રૂપાણીની જાહેરાત

માધવપુરમાં માધવરાય-રુક્મિણીના લગ્નના સાક્ષી બનતા મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો દર વર્ષે માધવપુરનો મેળો રાજય સરકાર યોજશે તેવી જાહેરાત કરતા મુખ્યમંત્રી : અન્ય રાજયોના મુખ્યમંત્રીઓ, પ્રધાનો, રાજયપાલો સહિતના મહાનુભાવો પણ માધવપુરના મેળામાં મહાલ્યા માધવપુર/પોરબંદર,તા.28
જે ભુમિ ઉપર ભગવાન શ્રીકૃષ્ણ રૂક્ષ્મણીજીનું અપહરણ કરીને લગ્ન કરવા માટે આવ્યા હતા તે પોરબંદર નજીકની પાવન ભુમિ માધવપુરમાં કૃષ્ણ રૂક્ષ્મણીના લગ્નોત્સવના પંચદિવસીય મેળાનું આ વર્ષે કેન્દ્રના ટુરીઝમ વિભાગે આયોજન કર્યુ છે અને તેથી હવે માધવપુર જેવી ઐતિહાસિક નગરીને ભારતની શ્રેષ્ઠ ઐતિહાસિક નગરી તરીકે વિકસાવવામાં આવશે.
મુખ્યમંત્રી રૂપાણી
ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ઉપરોકત મુજબનો સૂર વ્યકત કરતા વધુમાં ઉમેર્યુ હતું કે, કૃષ્ણ અને રૂક્ષ્મણિના લગ્ન થવાના છે ત્યારે આપણે ત્યાં ક્ધયાપક્ષેથી અરૂણાચલ, નાગાલેન્ડ અને આસામથી પધારેલા ક્ધયાના પીયરીયાઓનું હું ગુજરાતની જનતાવતી સ્વાગત કરૂં છું. કેન્દ્ર અને રાજય સરકારે સાથે મળીને વડાપ્રધાન મોદીના વિઝનથી આ માધવપુરનો મેળો એ કાયમ માટે વિશ્ર્વના ફલક ઉપર ભારતના ઇતિહાસમાં મહત્વ પ્રાપ્ત થાય તે માટે આ કાર્યક્રમ યોજયો છે. સાથે સાથે ભારતની રાષ્ટ્રીય એકતા, અખંડીતતા જળવાઇ રહે તેવા ઉદેશ્ય સાથે આયોજન થયું છે. એક સમય એવો હતો કે, દેશની એકતાને તોડવાની વાતો કરતા હતા તેવા સમયે મોદીના નેતૃત્વમાં નોર્થ ઈસ્ટની સંસ્કૃતિને એક કરવાનો પ્રયત્ન કર્યો છે.
દર વર્ષે માધવપુરનો મેળો સરકાર ઉજવશે
ગુજરાતમાં તરણેતરનો મેળો, મહાશિવરાત્રીનો મેળો તેવી જ રીતે આ માધવપુરનો મેળો પણ રાજય સરકાર દર વર્ષે રાષ્ટ્રીય એકતાનો મેળો ગણીને રંગેચંગે ઉજવશે અને માધવપુરને ઐતિહાસિક નગરી તરીકે ટુરીઝમના એંગલથી વિકસાવશે અને માધવપુર ભવિષ્યમાં વધુને વધુ પ્રવાસીઓ આવે તેવો ઉદેશ્ય છે. ભારતના વિવિધ રાજયોના લોકો અહીં આવે તે માટે વ્યવસ્થા કરશું.
રાજયપાલ કોહલી
ગુજરાત રાજયના રાજયપાલ ઓ.પી. કોહલીએ તેમના ઉદબોધનમાં જણાવ્યું હતું કે, ભારતીય હિન્દુસંસ્કૃતિમાં કૃષ્ણ વિવાહનું અનેરૂ મહત્વ છે તેથી અહીંયા ગુજરાતમાં માધવપુરના દરિયાકાંઠે દર વર્ષે યોજાતા કૃષ્ણ-રૂક્ષ્મણિના વિવાહને રાષ્ટ્રીય સ્વરૂપ મળ્યું છે અને મેળામાં રાષ્ટ્રીયકક્ષાનું આયોજન થયું છે અને વિવિધ રાજયના કલાકારોએ સૌને મંત્રમુગ્ધ બનાવ્યા છે ત્યારે આ આયોજનને હું આવકારૂં છું.
અરૂણાચલના રાજયપાલ મિશ્રા
અરૂણાચલના રાજયપાલ મિશ્રાએ તેમના ઉદબોધનમાં જણાવ્યું હતું કે, અમારી રાજકુમારી રૂક્ષ્મણી જે ભુમિ ઉપર રણછોડ કૃષ્ણ સાથે લગ્ન માટે અમને છોડીને આવી હતી એ ભુમિ ઉપર આવવાનો 70 વર્ષ પછી વડાપ્રધાન મોદીએ મોકો આપ્યો છે તેના માટે અમે તેમના આભારી છીએ.
અરૂણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડૂ
અરૂણાચલના મુખ્યમંત્રી પેમા ખાંડૂએ જણાવ્યું હતું કે, આજનો દિવસ એ હિન્દુસ્તાન માટે ઐતિહાસિક દિવસ છે, મહાભારતમાં જે વાત હતી તે અહીંયા કૃષ્ણ રૂક્ષ્મણીના વિવાહને વાસ્તવિક સ્વરૂપ આપીને આયોજન થયું છે ત્યારે હું દુલ્હન તરફથી એટલે કે, રૂક્ષ્મણિજીના અરૂણાચલ પ્રદેશનો મુખ્યમંત્રી હોવાના નાતે અહીં આવ્યો છું ત્યારે આપ સૌ ગુજરાતીઓ પણ અમારી ભુમિમાં આવો તેવું નિમંત્રણ પાઠવું છું.
પ્રાસંગીક ઉદબોધનો
મણીપુર રાજયના મૂખ્યમંત્રી એન.બીરેન સિંઘ, કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રી મહેશ શર્મા, કેન્દ્રીય ગૃહ રાજયમંત્રી કિરેજ રિજજુ, ગુજરાત રાજયના ્રપવાસન મંત્રી ગણપતસિંહ વસાવા વગેરેએ પ્રાસંગીક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, માધવપુર ખાતે પરંપરાગત યોજાતા મેળાને દેશના અગ્રીમ મેળા તરીકેનું સ્થાન અપાવવા પાછળ સૌથી વધુ કોઇને રસ હોય તો તે વડાપ્રધા નરેન્દ્ર મોદીને છે અને તેમણે આપેલા માર્ગદર્શન અનુસાર આ આયોજન થયું હોવાથી પરંપરાગત રીતે યોજાતા કૃષ્ણ રૂક્ષ્મણીજીના વિવાહને આપણે સૌ માણી રહ્યા છીએ. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતની માટીના સરદાર પટેલે દેશના ટુકડા થવા દીધા નથી અને હવે એ જ ગુજરાતની ભુમિના નરેન્દ્ર મોદી દેશને એકસુત્રતાના તાંતણે બાંધીને આવું આયોજન કરાવી રહ્યા છે.
પોરબંદરના માધવપુર ગામે યોજાયેલા આ મેળાની સભામાં પોરબંદરના ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા સહિત સ્થાનિક ભાજપ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.સંસ્કૃતિ સચિવ સહિત દેશના કેન્દ્ર અને રાજયના વિવિધ અધિકારીઓ પણ ઉપસ્થિત
રહ્યા હતા. માધવપુરમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સહિત રાજ્યપાલ કોહલી અને દેશના અન્ય રાજયના મુખ્યમંત્રીઓ, રાજયપાલોની ઉપસ્થિતીમાં સભા યોજાઇ ત્યારની તસ્વીર.