મુખ્યમંત્રી, કેન્દ્રીય મંત્રી, રાજ્યપાલ સહિતના મહાનુભાવો મેળામાં મહાલ્યા

રંગ જમાવતો માધવપુરનો મેળો ઈં બીજા દિવસે મોટી સંખ્યામાં જનમેદની ઊમટી માધવરાયજીનું વિશાળ ફુલેકું ગામમાં ફર્યુ, આજે દિવસભર યોજાશે દેશની સંસ્કૃતિના દર્શન કરાવતા અનેકવિધ કાર્યક્રમો પોરબંદર તા. 27
પોરબંદર તાલુકાના માધવપુર ગામે વર્ષોથી ઉજવાતા પરંપરાગત લોકમેળાનો રામનવમીથી પ્રારંભ થયો છે, ત્યારે આ મેળાને માણવા હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી છે. મેળાના પ્રારંભે યોજાયેલા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમમાં દેશના વિવિધ રાજ્યોના કલાકારોએ રંગ જમાવ્યો હતો.
પોરબંદર જિલ્લાના માધવપુર ખાતે દર વર્ષે રામનવમીના દિવસથી પાંચ દિવસ સુધી મેળાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે ભારત સરકારના સાંસ્કૃતિક વિભાગ તથા રાજ્યસરકાર દ્વારા માધવપુરના મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. માધવપુર મેળાનો શુભારંભ ભારત સરકારના સાંસ્કૃતિક વિભાગના અગ્રસચીવ સુજાતા પ્રસાદે દીપપ્રાગટ્ય કરીને મેળાને ખૂલ્લો મૂક્યો હતો. તેમની સાથે જિલ્લા કલેક્ટર અશોક કાલરીયા, જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી. ધાનાણી, પ્રાંત અધિકારી કે.વી. બાટી સહિતના મહાનુભાવો જોડાયા હતા.
આ પ્રસંગે અગ્ર સચીવ સુજાતા પ્રસાદે જણાવ્યું હતું કે, માધવપુરના મેળાનું આયોજન ખુબ જ ટુંકાગાળામાં પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ના વિચારને મૂર્તિમંત કરવા સરકારે રૂક્ષ્મણીજીની ભગવાન કૃષ્ણ સાથેની અરૂણાચલ પ્રદેશની ગુજરાત સુધીની ચિરંતન યાત્રાના ઉત્સવને મનાવીને બે સંસ્કૃતિઓનું મિલન કરીને સંસ્કૃતિઓનું ધરોહરને મજબુત કરવાનું કાર્ય કર્યું છે.
આ પ્રસંગે મારવાડના મહેશ રામની ટીમ દ્વારા ભજન, મણીપુરના કલાકારો દ્વારા વસંતરાસ, ભારતના ખ્યાતનામ સોનલ માનસિંહ દ્વારા નાટ્યકથા તથા અસમ રાજ્યના કલાકારો દ્વારા બીહુ નૃત્ય પ્રસ્તુત કરવામાં આવ્યું હતું.
આ સાંસ્કૃતિક કાર્યક્રમોને જોવાનો લ્હાવો માધવપુરના ગ્રામજનો તથા આજુબાજુના શહેરોમાંથી આવેલ નગરજનો સહિત મોટી સંખ્યામાં લોકોએ લીધો હતો.
આજે મુખ્યમંત્રી સહિતના
અનેક મહાનુભાવો હાજરી
પોરબંદર : પોરબંદર જિલ્લાના માધવપુર ખાતે દરવર્ષે રામનવમીના દિવસથી પાંચ દિવસ સુધી મેળાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે ભારત સરકારના સાંસ્કૃતિક વિભાગ તથા રાજય સરકાર દ્વારા માધવપુરના મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
આગામી તા. 27 માર્ચ 2018ના રોજ માધવપુરના મેળામાં ગુજરાત રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી, ગુજરાત રાજયના મહામહિમ રાજયપાલશ્રી ઓ.પી.કોહલી, તેમજ મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ રહેશે. તેઓશ્રીની સાથે અરૂણાચલ પ્રદેશના રાજયપાલશ્રી બિગ્રેડિયર (ડો.)બી.ડી.મિશ્રા (સેવા નિવૃત), અરૂણાચલપ્રદેશના મુખ્યમંત્રીશ્રી પેમા ખાંડૂ, કેન્દ્રિય સંસ્કૃતિ રાજયમંત્રી ડો.મહેશ શર્મા, કેન્દ્રિય ગૃહ રાજયમંત્રીરી કિરેન રિજ્જુ, ગુજરાત રાજયના પ્રવાસન મંત્રીશ્રી ગણપતસિંહ વસાવા તથા સંસ્કૃતિ રાજયમંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલ સહિતના મહાનુભાવો જોડાશે.
વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે
માધવપુર મેળામાં સરકાર દ્વારા તા. 25 થી 28 માર્ચ દરમિયાન દરરોજ સાંજે 6-00 કલાકથી 9-00 કલાક દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અરૂણાચલપ્રદેશ, મણીપુર, આસમ સહિતના રાજયોના કલાકારો દ્વારા તેઓશ્રીની સંસ્કૃતિને ઉજાગર કરતા સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરવામાં આવશે.