ભરપુર જિંદગી જીવવાનો અને જીતવાનો કસબ !

જે કાર્ય કરવામાં આપણને ખૂબ મઝા આવતી હોય તેમાં ધીમે ધીમે આપણે પ્રાપ્ત કરી લેતા હોઈએ છીએ નિપુણતા. ક્ષમતા અને દક્ષતામા થતો રહે છે ખૂબ વધારો. એક સમય એવો આવે છે જ્યારે આપણે કરી શકીએ છીએ શ્રેષ્ઠ કામ. એ ખરા અર્થમાં શ્રેષ્ઠતા સુધી પહોંચ્યું છે તેની સાબિતી છે એ કાર્યનું અન્યો દ્વારા થતું અનુકરણ અને વિશેષ તો નકલ કરવાનો સતત પ્રયાસ! કસબી એ છે કે તેના કામની કદી થઈ શકતી નથી પૂર્ણપણે નકલ ! મૌલિક્તા અને સર્જનશીલતાના સમન્યવથી કામને એક કક્ષાએ લઈ જવાય છે કે તેની કદી પછી કોઈથી થઈ જ ન શકે નકલ! જિંદગીને ખૂબસુરત બનાવતો આ છે પ્રથમ મુદ્દો! બીજો મુદ્દો એ છે કે અદ્ભુત જીવન જીવવા માટે અદ્ભુત કાર્ય કરવાનું હોય અને એ માટે એકલાં કામ કરવાની પાડવી જોઈએ આદત ! જેમની પાસે કોઈ લક્ષ કે મનગમતું કામ નથી તેઓ એકલાપણું કદી પણ નથી કરી શકતા સહન. જેમને એકાંત ગમે છે તેઓ જ વિશ્ર્વને શ્રેષ્ઠ કૃતિની ધરતા હોય છે અણમોલ ભેટ ! પોતાના કાર્યની શ્રેષ્ઠતાને કારણે વ્યક્તિ આગળ જતા ખુદને એકલી પડી ગયેલી કરે મહેસુસ એ સ્વાભાવિક છે. એ વખતે જ શ્રેષ્ઠ બધુ લેતું રહે આકાર. એકાંતને માણી શકનાર વ્યક્તિ જ દુનિયા માટે શ્રેષ્ઠ સર્જક બનીને કરે છે વિશિષ્ટ પ્રદાન!
ત્રીજો મુદ્દો છે જીવંતતાથી જિંદગી જીવવાનો ! શ્રેષ્ઠ જીવન ત્યારે જ જીવ્યાં કહેવાય જ્યારે દરેક દિવસમાં આપણે ભરપુર જીવન ભરી શકીએ, દરેક ક્ષણને બનાવી શકીએ જીવંત! ખૂબ અઘરું છે આ ! પણ સમજાય જાય તેની માપના તો તેના પર કામ કરવાની શરૂઆત કરી જ શકાય. રોજ બરોજના પડકારોનો હિંમતથી સામનો કરીને ખુદના કાર્યમાં તન્મય બનીને શ્રેષ્ઠતા લાવીને જ આપણે રહી શકીએ ભર્યા ભર્યા તાજગીથી અને સાચા અર્થમાં જીવંત ! જિંદગી જીવવા માટે છે. એકજ વખત મળેલો એ છે અવસર ! તે અનિશ્ર્ચિત પણ છે. એટલે તો ભરપુર રીતે જિંદગી જીવી લેવાનો નિશ્ર્ચિય કરીને, તેના પર કામ કરીને આપણે સુખનું સામીપ્ય પામી શકીએ.
આપણી લાગણીને વિચલિત કરી મૂકે, વિક્ષુબ્ધ બનાવી દે, તેને ખંડિત કરી દે એવી બાબતો, બનાવો, ઘટનાઓ, પ્રસંગો સામે મજબુત બનીને આગળ ધપવું એ છે ખૂબ મહત્ત્વનો ચોથો મુદ્દો. તર્ક જો લાગણીશીલ બની શકે અને લાગણી જો બની જાય તર્કબધ્ધ તો આપણાં અભિગમને વધુ તટસ્થતાથી હકારાત્મક બનાવવામાં મળે સફળતા અનેરી ! ઘણી વખત આપણી લાગણી ઘવાતી રહે છે પણ એ વખતે થોડાં નિર્ણય અને નિરપેક્ષ બની જઈએ તો કાર્યને પુન: લયબદ્ધ રીતે કરવામાં સુગમતા રહે છે. દરરોજ, બધી જ પ્રવૃત્તિમાં નેતૃત્ત્વના ગુણો દર્શાવતા રહેવાની ક્ષમતા કેળવી અને તેની આદત પાડવાનો પાંચમો મુદ્દો પણ ખૂબ જ છે અગત્યનો અને મહત્ત્વનો. ધ્યાન કેન્દ્રિત કરવાનું હોય આપણે પ્રશ્ર્નના ઉકેલ પર, સમસ્યાના સંગીન નિરાકરણ અને ઉજ્જવળ સમાધાન પર. પ્રત્યેક કપરી સ્થિતિ આપણને પ્રદાન કરે છે અવસર નેતૃત્ત્વના ગુણો વધુ સરસ રીતે નિખારવાનો ! ક્ષુલ્લક બાબતો પર કે નકામાં અભિપ્રાય પર ધ્યાન આપવાને બદલે ખુદના મુલ્યો સાથે, ખુદના ધ્યેય પ્રતિ પ્રયાણ કરીને જ હાંસલ કરી શકાતી હોય છે અન્યોને અચંબિત અને દિગ્મુઢ કરી દે એવી સફળતા ખુદના વિચારો, શબ્દો અને કાર્યોનો જગતને ખૂબસુરત પરિચય કરાવતા રહેવાની આદત પાડવી એ છે છઠ્ઠો મુદ્દો! કંઈક નોખું, અનોખું, અનન્ય, અદ્ભુત કરવાના વિચારોના માલિક હોવું એ કંઈ જેવી તેવી બાબત નથી. સરસ શબ્દો થકી તેને રજૂ કરતા રહીને, તેના પર અદ્ભુત કાર્ય કરીને આપણે સિદ્ધ કરી શકીએ આપણું ધ્યેય અને પામી શકીએ બેનમૂન સફળતા ! મન, વચન, કર્મનું એ જ છે એકય ! માન્યતા, સિદ્ધાંત અને મૂલ્યોનું પોતીકું, અનન્ય કહી શકાય એવા બંધારણના માલિક હોવું એ છે આજની આ વાતનો સાતમો મુદ્દો. વ્યક્તિ શું માને છે અમુક બાબતો વિશે, કેટલી તીવ્રતાથી આત્મસાત કરી શકે છે વૈશ્ર્વિક કહી શકાય એવા સિદ્ધાંત અને કપરી સ્થિતિમાં પણ પોતાના મૂલ્યોને કેટલાં મજબૂત ઈરાદાથી વળગી રહે છે તેનાથી જ નક્ક્કી થતું હોય છે વ્યક્તિત્ત્વ! અને રચાય છે એ થકી સિદ્ધિ ! આઠમો મુદ્દો છે અન્યોમાં છૂપાયેલી શક્તિઓને પારખીને તેને નિખરવા માટેનો અવસર આપવાનો ! દરેક વ્યક્તિમાં કંઈક શક્તિ કોઈને કોઈ બાબતે હોય જ છે. તેને ઉપયોગમાં લેતા આવડે તો બધાંને થાય તેનો ફાયદો. પોતાના ક્ષેત્રમાં જ્યારે ખૂબ આગળ વધી શક્યા હોઈએ એ વખતે કંઈક નવું અને એકદમ અનોખું કરવું એ છે આજની રસ્રપદ વાતનો નવમો મુદ્દો ! લોકો સફળ થાય પછી પોાતની પ્રવૃત્તિ, કાર્ય ને ક્ષેત્રમાં ફેરફાર નથી કરતા ! જેઓ કરી શકે છે તેઓ છે વિરલ અને વિશિષ્ટ વ્યક્તિ! બધાંને આશ્ર્ચર્યચક્તિ કરી દેવાનો એ જ તો હોય છે એક અવસર! ખુદે પુન: ઘણું બધું ફરીથી, નવીજ રીતે કરવું પડે ! ને એમાં જ તો છે મઝા ! ને કસોટી પણ! ખુદમાં વિશ્ર્વાસ રાખીએ તો અનેક શક્યતાઓને સફળતામાં બદલી શકાય- આ છે દસમો મુદ્દો ! સીમિત દાયરામાં કે એક વિધતામાં જ વિચાર્યા કરવાનો કોઈ અર્થ નથી. અનેક રીતે નવા માર્ગે આગળ ધપવાની શક્યતા દરેક વખતે હોય જ ! તેને ઓળખીને કરવું પડે તેના પર કામ! એ થકી જ રચાતો હોય છે ઈતિહાસ ! હવે લઈએ છેલ્લો અને અગિયારમો મુદ્દો! જેનું નામ છે તેનો નાશ પણ છે જ ! દરેક બાબતે અંતિમ તારીખ હોય જ છે નક્કી ! આ સત્ય સ્વિકારીએ તો દુ:ખી ન થવાય ! અમુક કાર્યોની અંતિમ તારીખ આપણે પણ કરી શકીએ નક્કી! નવું કામ પછી થાય શરૂ! પછી જ સફળતા!
"ઈલેવન કમાન્ડમેન્ટસ ઓફ લાઈફ મેક્સિમાઈઝેશન નામના સંતોષ નાયરના પુસ્તકમાં આપવામાં આવેલો અગિયાર મહત્ત્વના આદેશસમા મુદ્દાની અત્રે આપણે કરી ચર્ચા ! વાંચજો પુસ્તક પણ ! પ્રત્યેક મુદ્દો આપે છે ઈજન આપણને કંઈક નોખું એકદમ અનોખું કરવા માટે ! અટકીએ આ મુકામ પર! બુક ટોક સલીમ સોમાણી