માર્ચ એન્ડિગમાં જીવનનું પ્લાનિંગ કરીયે !

ફાઈનાન્શિયલ સાથે લાગણીઓનું પણ યોગ્ય ઇન્વેસ્ટમેન્ટ કરીએ માર્ચ એન્ડિંગ આવે એટલે સૌ ફાઇનાન્શ્યલ પ્લાનિંગમાં લાગી જાય. પૈસા ક્યાં રોકવા, ટેક્સ ક્યાં બચાવો, ચોપડા કેમ લખવા - એના માટે ચર્ચા અને ખર્ચા થાય.
પણ એવું કોઈ મન્થ એન્ડિંગ ખરું જયારે આપણે જીવનનો હિસાબ માંડીયે? જીવન તો જેમ તેમ ખર્ચી નાખીયે છીએ. એ ખર્ચાની ચર્ચા ક્યારે કરીશું?
અમેરિકામાં વૃદ્ધાશ્રમમાં કામ કરતી એક નર્સનો ઇન્ટરવ્યુ અમણા વાંચેલો. 20 વર્ષ એને વૃદ્ધ સાથે કાઢેલા. ઘણાનાએ છેલ્લા શ્વાસોની એ સંગીની હતી. કેટલીયે વાતો કરતી. આશ્વાસન આપતી. સમય પસાર કરાવી આપતી.
પોતાના ઇન્ટરવ્યુમાં એને આજની પીઢીની વાત કરતા કહ્યું કે આપણે બસ દોડવું જ છે. ક્યાં જઈએ છીએ, કેમ જઈએ છીએ એ પ્રશ્ન સૂઝતા પણ નથી. અને કદાચ એ પ્રશ્નો સુઝશે ત્યારે ઈશ્વરના આંગણે ઉભા હોઈશું.
વૃદ્ધાશ્રમમાં કામ કરતા, વાતો કરતા તેને જીવનનું એક સત્ય ખુબ નજીકથી અનુભવી લીધું હતું. માણસ અંતિમ ક્ષણોમાં એની સફળતાને યાદ નથી કરતો. એ ક્ષણોમાં તો માત્ર પ્રેમ જ યાદ આવે છે. કોણ કેટલા પૈસા કમાયું, કેટલું દોડ્યું, કેટલા શિખરો પાર કર્યા - આ બધું જ છેલ્લા શ્વાસે છૂટી જાય છે. પણ પ્રેમ, આસ્થા, સમર્પણ અને અનુરાગ ક્યારેય છૂટતા નથી. "સૌથી મોટો રંજ શેનો રહી જાય છે? એવું કોઈ વૃદ્ધ એ તામર સાથે ક્યારેય શેર કર્યું?
"સૌથી વધારે ખેદ માનવીને એક જ વાત નો રહે છે. કે કાશ મેં મારા પરિવાર સાથે, મારા સ્નેહીજનો સાથે વધારે સમય વિતાવ્યો હોત. થોડું વધારે મારા બાળક સાથે રમ્યો હોત. લેટ નાઈટ મિટિંગને ભૂલીને જીવન સંગીની સાથે થોડી મીઠી પળો વિતાવી હોત. કાશ હું આટલું દોડ્યો ના હોત. થોડું જીવન માણી લીધું હોત... નર્સની આંખ ભીંજાઈ ગઈ.
આ માર્ચ એન્ડિંગમાં થોડું જીવનનું પ્લાનિંગ કરીયે. જીવનનો ખરો અર્થ સમજવાનો પ્રયત્ન કરીયે. જીવન માણવાની ટિપ્સ પર થોડો સમય ખર્ચીએ!
* એક એક પળ નો હિસાબ માંડો: જેમ તમારા પૈસા ક્યાં અને કેટલા ઈન્વેસ્ટ કરો છો, એના ચોપડા રાખો છો, એમ સમય ક્યાં પસાર કરો છો તેનો પણ હિસાબ રાખો. ખર્ચેલા પૈસા કદાચ કમાઈ શકશો. પણ ખર્ચેલી પળ ક્યાંથી પાછી લાવશો? પહેલા આ પળનું પ્લાનિંગ કરો. ભાવિમાં પૈસા મળશે એ આશા થી કોઈ આજે ખર્ચો કરે એ છેલ્લે તો દેવાળિયો જ થાય!
* ડેડ ઇન્વેસ્ટમેન્ટમાં સમય ન વેડફો: બંધ દરવાજાને ખોલવામાં શક્તિ વેડફ્યા વગર જે દરવાજા ખુલા છે ત્યાં સમય આપો. ભૂત અને ભાવિમાં જીવ્યા વગર આજમાં જીવવાની મજા માણો. સમય થી પહેલા અને નસીબથી વધારે કોઈને કઈ મળતું નથી.
* બોન્ડ્સમાં ઈન્વેસ્ટ કરો: સંબંધમાં સમયનું રોકાણ કરે એનું જીવન પ્રેમ અને સ્નેહ રૂપી વ્યાજથી જ ખીલી જાય. ગાડી તો છેલ્લે કબાડી ઘરમાં જ જવાની. એના માટે ઘરની શાંતિ અને હૂંફનો ત્યાગ કેમ કરવો?
* પોતાને સૌથી લાભદાયક થતું ઇન્વેસ્ટમેન્ટ કરો: કોણે ક્યાં શું મળે છે એમ જોઈને ઇન્વેસ્ટમેન્ટ ન થાય. બુદ્ધિમાન વ્યક્તિ સૌથી પહેલા પોતાનો ફાયદો જોવે. બીજાને શું મળે છે અને કેવી રીતે એનો હિસાબ આપણે રાખીને આપણો સમય કેમ વેડફવો? રેસ જીતવી હોય તો આજુ બાજુ ફાંફા માર્યા વગર પોતાના લક્ષ પર ધ્યાન રાખવું જોઈએ!
* ચોપડા સચ્ચાઈથી લખો: કોઈ બીજા સાથે રોષ ના રાખો, પોતાની સાથે પ્રામાણિકતા જાળવો. ઈશ્વરના દરવાજે ખટખટાવતા નીચું જોવું પડે એનો શું અર્થ? આ એક જ જીવન છે. જો એમા બી ચોરી કરીશું તો ક્યાં જઈને અટકીશું!
* તમારી મૂડી ને સમજો: આ દરેક પળ તમારી મૂડી છે. મૂડીને સાચવીશું નહિ તો નાદાર બનીને જઈશું. મૂડીનું સરખું, પ્રામાણિક અને આત્મીય ઇન્વેસ્ટમેન્ટ કરો. અને પછી જોવો કેટલા રસ્તા ખુલી જાય છે!
- સૃષ્ટિ શાહ