સત્યનો જય: ભોમેશ્ર્વર પોસ્ટ ઓફિસ એ જ વિસ્તારમાં પુન: ધમધમશે


રાજકોટ તા.13
ભોમેશ્ર્વર પ્લોટમાં વર્ષોથી ચાલતી પોસ્ટ ઓફીસ ગત તા.પ મીથી એકાએક બંધ કરી દેવામાં આવતા વિસ્તારવાસીઓએ પોસ્ટ તંત્ર સામે શંકા દાખવીને આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી અને આખરે તંત્રએ ઝુકવું પડયું હોય તેમ એક-બે દિવસમાં એ જ વિસ્તારમાં ફરી પોસ્ટ ઓફિસ શરૂ કરાય તેવા નિર્દેશ મળી રહ્યા છે.
ભાડાના મકાનમાં બેસતી ભોમેશ્ર્વર પોસ્ટ ઓફીસ વોટર લીકેજ અને શોર્ટસર્કીટના બહાને બંધ કરી દેવાતા ર0 જેટલી સોસાયટીમાં રહેતા હજારો લોકોએ 8 કિ.મી. દુર માધાપર પોસ્ટ ઓફીસે ધક્કા ખાવા પડે તેવી નોબત આવી પડી હતી. આવી દરખાસ્ત કોણે મુકી અને કોણે મંજુર કરી તે વિશે સવાલ ઉઠાવી વિસ્તારના અગ્રણી યુવરાજસિંહ જાડેજાએ ચીમકી આપી હતી.
આજે તેમણે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે ભોમેશ્ર્વર મેઇન રોડ પર હનુમાનજીના મંદિર પાછળ જુની પોસ્ટ ઓફિસની નજીકના જ સ્થળે એક બિલ્ડીંગમાં જગ્યા ઉપલબ્ધ કરાવાઇ છે. ત્યાં ભોમેશ્ર્વર પોસ્ટ ઓફિસ પુન: શરૂ કરવા દરખાસ્ત થઇ છે. સામાન પણ આવી ગયો છે અને કદાચ એક-બે દિવસમાં શરૂ થઇ જશે. તેના ભાડાની આવક સેવાકાર્યમાં જ વપરાશે તેમ તેમણે ઉમેર્યુ હતું.