રાજકોટ ડેરીના ચેરમેનની 16મીએ ચૂંટણી

આંતરિક અસંતોષ સમી ગયાનો નિર્દેશ છતા છેલ્લી ઘડીનું સસ્પેન્સ
રાજકોટ તા,13
રાજકોટ જિલ્લા દુધ ઉત્પાદક સંઘ (રાજકોટ ડેરી)ના ચેરમેનની ગત તા.9ના રોજ યોજાયેલ ચૂંટણી મુલત્વી રહ્યા બાદ હવે આગામી તા.16મીના રોજ ચેરમેનની ચૂંટણી યોજવા ચૂંટણી અધિકારીએ એજન્ડા બહાર પાડ્યો છે.
રાજકોટ ડેરીના ચેરમેન ગોવિંદભાઇ રાણપરીયાની મુદત પુરી થતી હોવાથી ગત તા.9ના રોજ ચેરમેનની ચૂંટણી યોજાનાર હતી. પરંતુ ચૂંટણીના આગલા દિવસે જ ડેરીના ચૂંટાયેલા 9 સભ્યો ગાયબ થઇ જતા ચૂંટણી મુલત્વી રહી હતી.
આ દરમ્યાન ડેરીના સભ્યો વચ્ચે આંતરીક મતભેદ દૂર કરવા કેબીનેટ મંત્રી શ્રી જયેશ રાદડીયાએ બેઠક યોજી હતી અને નારાજ સભ્યોને મનાવવા પ્રયાસો કર્યા હતા. દરમ્યાન આજે ચૂંટણી અધિકારી એ.ટી. પટેલે રાજકોટ ડેરીના ચેરમેનની ચૂંટણી આગામી તા.16ના રોજ યોજવા માટે એજન્ડા બહાર પાડ્યો હોવાનું જાણવા મળે છે. રાજકોટ ડેરીના સભ્યો વચ્ચે પણ આંતરિક સમાધાન થઇ ગયાનું અને મામલો થાળે પડી ગયાનો દાવો કરવામાં આવી રહ્યો છે. છેલ્લી ઘડીને કોઇ ખેલ પડે નહીં તો ગોવિંદભાઇ રાણપરીયા આગામી અઢી વર્ષ માટે પૂન: ચેરમેનપદે નિશ્ર્ચિત મનાય છે.