SBI એ મિનિ. બેલેન્સ ચાર્જ 75% ઘટાડ્યો

  • SBI એ મિનિ. બેલેન્સ ચાર્જ 75% ઘટાડ્યો

મિનિમમ બેલેન્સ ચાર્જિસ (એમબીસી)નો ભાવ ઘટાડો 1 એપ્રિલ 2018થી લાગુ
મુંબઈ તા,13
દેશની સૌથી મોટી બેન્ક એસબીઆઇએ કરોડો ગ્રાહકોને રાહત આપી છે. બેન્કે મિનિમમ બેલેન્સ નહી રાખવાના ચાર્જમાં આશરે 75 ટકા સુધીનો ઘટાડો કર્યો છે. આ કપાત બચત ખાતા પર લાગૂ થશે. નવા દરો 1 એપ્રિલ 2018થી લાગૂ થશે.
મેટ્રો અને શહેરી વિસ્તારોમાં મિનિમમ બેલેન્સ નહી રાખવાનો ચાર્જ 50 રૂપિયાથઈ ઘટાડીને 15 રૂપિયા કરી દેવામાં આવ્યો છે. નાના શહેરોમાં આ ચાર્જ 40 રૂપિયા હતો જે હવે ઘટાડીને 12 રૂપિયા કરી દેવામાં આવ્યો છે. આ જ રીતે ગ્રામીણ વિસ્તારમાં મિનિમમ બેલેન્સ નહી રાખવા પર 40 રૂપિયાના બદલે 10 રૂપિયા જ ચાર્જ લાગશે. આ ચાર્જમાં જીએસટીનો સમાવેશ થતો નથી. બેન્કના રિટેઇલ અને ડિજિટલ બેન્કિંગના એમડી પીકે ગુપ્તાએ જણાવ્યું કે અમારા ગ્રાહકોની ભાવનાઓ અને પ્રતિક્રિયાઓ મેળવ્યા બાદ અને આ પગલુ લીધું છે. તેમણે જણાવ્યા અનુસાર બેન્ક પોતાના ગ્રાહકોના હિતોનું ધ્યાન પહેલા રાખે છે.
એસબીઆઇમાં આશરે 41 કરોડ બચત ખાતા છે. તેમાં 16 કરોડ ખાતા પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ ખોલવામાં આવ્યાં છે. બેન્કના આ પગલાથી 25 કરોડ લોકોને લાભ મળશે. બેન્કે ગ્રાહકોને ફ્રીમાં રેગ્યુલર સેવિંગ એકાઉન્ટને બેઝિક સેવિંગ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાની સુવિધા આપી છે. એસબીઆઇએ તાજેતરમાં જ ડિપોઝીટ રેટ અને લેંડિંગ રેટમાં વધારો કર્યો હતો.તાજેતરમાં જ એસબીઆઇએ લોનના દરોમાં 0.25 ટકાનો વધારો કર્યો હતો. સાથે જ તેણે એમસીએલઆર દરોમાં પણ વધારો કર્યો હતો. આ દરના આધારે તે લોન આપે છે. તેના પગલે હોમ લોન, ઑટો લોન અને પર્સનલ લોન જેવી તમામ લોન મોંધી થઇ ગઇ. એસબીઆઇએ 3 વર્ષની એમસીએલઆર દરોને 8.10 ટકાથી વધારીને 8.35 ટકા કરી દીધા છે. એપ્રિલ 2016 બાદ એસબીઆઇએ દરોમાં પહેલી વખત વધારે કર્યો છે.