ઈન્ડિયન વેલ્સ ટેનિસ ટૂર્ના.માં આજે બેટલ ઓફ પાવર । સેરેના V/s વિનસ

ઇન્ડિયન વેલ્સ તા.13
પૂર્વ નંબર વન ટેનિસ ખેલાડી સેરેના વિલિયમ્સે ઇન્ડિયન વેલ્સ ટેનિસ ટૂર્નામેન્ટના બીજા રાઉન્ડમાં નેધરલેન્ડ્સની કિકી બર્ટેન્સને 7-6, 7-5થી હરાવી ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવી લીધો છે. સેરેના વિલિયમ્સનો ત્રીજા રાઉન્ડમાં તેની બહેન વિનસ વિલિયમ્સ સામે થશે. વિનસ વિલિયમ્સે બીજા રાઉન્ડમાં રોમાનિયાની સોરોના ક્રિસ્ટિયાને 6-3, 6-4થી પરાજય આપ્યો હતો.
સેરેના વિલિયમ્સ અને વિનસ વિલિયમ્સ અત્યાર સુધી 28 વખત ટકરાઈ ચૂકી છે. જે પૈકી સેરેનાએ 17 અને વિનસે 11 મેચમાં વિજય મેળવ્યો છે. સેરેના અને વિનસ છેલ્લે ગત વર્ષે ઓસ્ટ્રેલિયન ઓપનની ફાઇનલમાં ટકરાયાં હતા જેમાં સેરેનાએ વિજય મેળવી પોતાની કારકિર્દીનું 23મું ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યું હતું.
અન્ય એક મુકાબલામાં ચોથી ક્રમાંકિત એલિના સ્વિતોલિનાએ જર્મનીની મોના બાર્થેલને 6-4, 6-3થી પરાજય આપી ત્રીજા રાઉન્ડમાં જગ્યા બનાવી હતી જ્યાં તેનો સામનો સ્પેનની કાર્લા સુઆરેઝ નોવારો સામે થશે. નોવારોએ તાઇવાનની સિએ સુ વેઈને 6-4, 2-6, 6-3થી પરાજય આપ્યો હતો. બીજી ક્રમાંકિત ડેન્માર્કની કેરોલિન વોઝનિયાકીએ સ્પેનની લારા અરાબરેના વેકિનોને 6-4, 6-1થી પરાજય આપ્યો હતો. ત્રીજા રાઉન્ડમાં વોઝનિયાકીનો મુકાબલો બેલારુસની એલેકઝાન્દ્રા સાસનોવિચ સામે થશે. સાસનોવિચે બીજા રાઉન્ડમાં ઇસ્ટોનિયાની એનેટ કોન્ટાવેટને 6-2, 6-4થી પરાજય આપ્યો હતો. આ ઉપરાંત રશિયાની એલિના વેસનિના, ઓસ્ટ્રેલિયાની દારિયા ગેવરિલોવા, લેટવિયાની અનાસ્તાસિયા સેવાસ્તોવા અને ફ્રાન્સની કેરોલિન ર્ગાસિયાએ પણ ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યો હતો.