શમીની ખાનગી વિગતો માગતી પોલીસ

દ.આફ્રિકાના પ્રવાસ બાદ શમી ટીમની સાથે દુબઈ ગયો હતો કે એકલા જ ખેપ મારી’તી?
શમી દુબઈમાં અલિસ્બા નામની છોકરી સાથે હોટેલમાં રોકાયાનો પત્નીએ મૂક્યો આરોપ મુંબઈ/કોલકતા તા.13
દરરોજ શમી અને પત્ની હસીનના કેસમાં નવા નવા વળાંકો સામે આવી રહ્યા છે. કોલકાતા પોલીસે બીસીસીઆઇને પત્ર લખીને કેટલીક માહિતી માગી છે. જેમાં શમીના દક્ષિણ આફ્રિકાનાં પ્રવાસની વિગત મગાવવામાં આવી છે.
આ પત્રમાં પોલીસે પૂછયું છે કે, શું શમી ટૂર્નામેન્ટ વખતે ભારતીય ક્રિકેટ ટીમ સાથે જ ફ્લાઇટમાં હતો? કે કોઇ અન્ય ફ્લાઇટથી તેને પોતાના ખર્ચે આ મુસાફરી કરી છે? શમી ટીમ સાથે દુબઇ ગયો હતો કે એકલો ત્યાં ગયો હતો? શમીની સાથોસાથ તેમના પરિવારના ચાર સભ્યો સામે પણ ફરિયાદ નોંધાઈ છે.
હસીને આરોપ લગાવ્યા છે કે, દક્ષિણ આફ્રિકાના પ્રવાસેથી પરત ફર્યા બાદ તે દુબઇ ગયો હતો. અલિસ્બા નામની છોકરી સાથે હોટેલમાં રોકાયો હતો. આ પાકિસ્તાની છોકરી સાથે તેના શારીરિક સંબંધ છે. શમી સામેના કેટલાક પુરાવાઓ રૂપે એક ઓડિયો ક્લિપ મળી આવી હતી.
દુબઇથી આવ્યા બાદ હસીન સાથે સંબંધો વણસ્યા હતા. ક્રિકેટર મહંમદ શમીની પત્નીએ કરેલી ફરિયાદના આધારે પગલાં લેવાના શરૂ કર્યા છે. જાધવપુર પોલીસે પગલાં શરૂ કર્યા બાદ હસીનના પિતા મહંમદ હસનને દીકરીની લડાઇને ટેકો આપ્યો છે.
હસીને કહ્યું કે, આ ઝઘડા અંગે વધુ કોઇ વિગત અમારી પાસે નથી. આ મામલે ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીએ કહ્યું કે, શમી એક સારો માણસ છે. પૈસા માટે પોતાની પત્ની અને દેશ સાથે ચીટિંગ કરે એવો માણસ નથી.
હસીન જહાંના પૂર્વ પતિ સૈફુદ્દીને આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે, તેણે જણાવ્યું હતું કે, શમી પોતાની નિર્દોષતા સાબિત કરે, બંને સાથે બેસીને વાતચીત કરી લો તો તમામ ગેરસમજ દૂર થઇ જશે. જો શમીએ કોઇ પ્રકારની ભૂલ કરી હશે તો તેને પરિણામ ભોગવવું પડશે. હસીન અને સૈફુદ્દીનના લગ્ન 2002માં થયા હતા. તેમની બે દીકરીઓ છે. વર્ષ 2010માં તેમના તલાક થયા હતા. હસીન પોતાની રીતે આગળ વધવા માગતી હતી. અદાલત બહાર સમાધાનના પ્રયાસમાં શમીનો પરિવાર
રવિવારે શમીના પરિજનોએ હસીન જ્હાના વકીલની મુલાકાત લીધી હતી. પરિવાર ઇચ્છી રહ્યો છે કે કોર્ટની બહાર જ સમાધાન થઇ જાય. હસીનના વકીલે વાતચીતથી ઉકેલ લાવવાનો ઉપાય સ્વીકાર્યો પણ આ મામલે વિસ્તૃત માહિતી આપવાની ના પાડી દીધી. દરમિયાન આ વાત પર શમીએ પોતાની વાત રાખી છે. સમાચાર એજન્સી એએનઆઇને શમીએ કહ્યું કે, જો વાતચીતથી જ ઉકેલ આવી જતો હોય તો તેનાથી શ્રેષ્ઠ કશું નહીં. અમારા અને અમારી દીકરી માટે સમાધાન સારું રહેશે. જો કે હસીનએ કહ્યું કે તે શમી તથા તેના પરિવાર દ્વારા કરવામાં આવી રહેલા આ સમાધાનને લઇને સતર્ક છે. એમણે કહ્યું કે, આ મામલે તપાસ ચાલી રહી છે. મને ખબર નથી કે શું આ મામલે સમાધાન થઇ શકે પણ ખરું કે નહીં. શમીને સુધારવા માટે જે કરી શકતી હતી તે બધું જ કર્યું. બદલામાં મને માત્રને માત્ર ધમકીઓ અને અપમાન જ મળ્યું. હવે મારે કંઇ નથી કહેવું, એમણે મારા વકીલ સાથે વાત કરવી પડશે.