મેરી બીવી કી શાદી: પતિએ પત્નીને પ્રેમી સાથે પરણાવી!

રાઉરકેલા તા.13
ફિલ્મોમાં તમે આવી સ્ટોરી જોઈ હશે કે, પ્રેમિકાના લગ્ન અન્ય કોઈ સાથે થઈ જાય અને પછી પ્રેમી છુપાઈને તેના ઘરમાં આવે, અને પછી આખરે પ્રેમી-પ્રેમિકાના લગ્ન થઈ જાય. પરંતુ ઓરિસ્સાના રાઉરકેલામાં આવી સત્ય ઘટના સામે આવી છે. અહીં એક યુવકે લગ્નના 6 જ દિવસ પછી પોતાની પત્નીના લગ્ન તેના પ્રેમી સાથે કરાવી આપ્યા.
સુંદરગઢ જિલ્લાના બડંગાંવ બ્લોકના પમારા ગામમાં આ અનોખા લગ્ન થયા. આ ગામમાં રહેતા 28 વર્ષીય વાસુદેવ ટપ્પુના લગ્ન 4થી માર્ચના રોજ ઝારસુગુડાના દેવિની ગામમાં રહેતી 24 વર્ષીય મહિલા સાથે થયા. રવિવારના રોજ વાસુદેવના ઘરે 3 યુવક આવ્યા, જેમાંથી એકે પોતાની ઓળખ વાસુદેવની પત્નીના કઝીન તરીકે આપી. આ યુવકોની સારી રીતે આગતા-સ્વાગતા કરવામાં આવી. 3માંથી બે યુવકો વાસુદેવ સાથે ગામ જોવા જતા રહ્યા પરંતુ તેનો કથિત કઝિન ઘરે જ રોકાઈ ગયો. પ્રાપ્ત માહિતી અનુસાર, તેને વાસુદેવની પત્ની સાથે જોતા સ્થાનિકો તેના ઘરે પહોંચ્યા અને તેની ધોલાઈ કરી. આ જોઈને નવી દુલ્હન બહાર આવી અને તેણે જણાવ્યું કે આ યુવક તેનો કઝિન નહીં, પરંતુ પ્રેમી છે.
યુવતીએ જણાવ્યું કે, બન્ને પ્રેમ કરતા હતા પરંતુ પરિવારના લોકો લગ્ન માટે રાજી નહોતા અને તેની મરજી વિરુદ્ધ વાસુદેવ સાથે લગ્ન કરાવી દેવામાં આવ્યા. ત્યારપછી વાસુદેવે પત્નીના મોટા ભાઈ-બહેન અને તેના પ્રેમીના પેરેન્ટ્સ સાથે વાતચીત કરી. શનિવારના રોજ આ બન્નેના લગ્ન કરાવી દેવામાં આવ્યા. વાસુદેવ જણાવે છે કે, જો હું આમ ન કરતો તો ત્રણ લોકોના જીવન ખરાબ થઈ જતા, હવે અમે બધા જ ખુશ છીએ. લોકો વાસુદેવના આ નિર્ણયના વખાણ કરી રહ્યા છે. તેની પત્ની પોતે કહે છે કે, અમે તેના આ ઉપકારને જીવનભર નહીં ભુલીએ. ગામના સરપંચ જણાવે છે કે, અમને જ્યારે આ નિર્ણયની જાણ થઈ તો અમે તેને સ્વીકાર્યો. આખું ગામ તેની પત્નીના બીજા લગ્નના સમર્થનમાં આગળ આવ્યું.