મોદી સરકારનું સૌથી મોટું લોન માંડવાળ કૌંભાડ । તંત્રી લેખ

સમગ્ર દેશમાં અત્યારે એક સે બઢકર એક..કૌભાંડો ખુલતા જાય છે...જેમાં પંજાબ નેશનલ બેંકના 11400 કરોડના કૌભાંડ બાદ એક પછી એક બહાર આવેલા કૌભાંડોમાં બેન્કિંગ ક્ષેત્રે ખાસ કરીને જાહેર ક્ષેત્રની બેન્કોએ બેંકો સહીત સરકાર સામે ગ્રાહકો અને પ્રજામાં આઘાત સાથે અવિશ્વાસ પેદા કર્યો છે. કારણ કે,સરકારી બેન્કોએ છેલ્લા એક જ વર્ષમાં જ 81,683 કરોડની લોન માંડવાળ કરી છે.જેમાં 17 વર્ષમાં પહેલીવાર એસબીઆઈએ 2016-17 ના વર્ષમાં 20339 કરોડની લોન માંડવાળ કરી બેંક,
પ્રજા અને સરકારને અધધધ નુકશાન કર્યું છે.મોદી રાજના છેલ્લા ચાર વર્ષમાં જ સરકારી બેન્કોએ કુલ રૂપિયા 2,22,695 કરોડની લોન માંડવાળ કરી દેતા તમામ બેન્કોમાં એનપીએની હાલત કથળતા વિકટ સમસ્યા સર્જાઈ છે.
ભારતમાં માત્ર એક જ વર્ષમાં સરકારી બેન્કોની 81 હજાર કરોડથી વધારે લોન રાઈટ ઓફ થઇ ચુકી છે. જયારે કોઈ બેંક લોન વસુલ કરી શકતી નથી ત્યારે તે લોન રાઈટ ઓફ કરે છે. એટલે કે,લોન માંડી વાળીને બેન્કના ચોપડે દર્શાવતી નથી.
પીએનબીના કૌભાંડ સાથે બહાર આવેલી બેન્કોની એનપીએની કથળેલી હાલતમાં બેન્કોની નોન પરફોર્મિંગ, રીસ્ટ્રકચર્ડ અથવા રોલ્ડ ઓવર લોનનો સમાવેશ થાય છે.આવી લોનો ગયા વર્ષના મધ્યમાં જ 148 અબજ ડોલરની ઉંચી સપાટીએ પહોચી ગઈ હતી.બેંકો ધ્વારા આર્થિક મંદી અને નફાકારક ધિરાણની લ્હાયમાં છેલ્લા ચાર વર્ષમાં બેડ લોન્સની સંખ્યા લગભગ બમણી થઇ ગઈ છે.
17 વર્ષમાં પહેલીવાર એસબીઆઈએ 2016-17 ના વર્ષમાં 20339 કરોડની લોન માંડવાળ કરી ઘણું મોટું નુકશાન કર્યું છે.જયારે પીએનબી એ 9205 કરોડ,બીઓઆઈ એ 7346 કરોડ,કેનેર બેંકે 5545 કરોડ અને બીઓબી એ 4348 કરોડની લોન માંડવાળ કરી છે.જયારે સમગ્ર દેશમાં લગભગ તમામ સરકારી બેંકો ધ્વારા 2012-13માં 27231 કરોડ,2013-14માં 34409 કરોડ, 2014-15માં 49018 કરોડ, 2015-16માં 57585 કરોડ અને 2016-17માં 81683 કરોડની લોન માંડવાળ કરવામાં આવી છે.આમ મોદી રાજના છેલ્લા ચાર વર્ષમાં જ રૂપિયા 2,22,695 કરોડની લોન માંડવાળ કરવામાં આવી છે.સરકારી બેન્કોમાં સરેરાશ 21માંથી 9 બેંકો 15 ટકાથી વધુ એનપીએ વધી છે.જયારે સરેરાશ 12 ટકા એનપીએની સપાટી 12 બેંકો પાર કરી ગઈ છે.2017ના વર્ષ સુધીમાં 8.4 કરોડ લીસ્ટેડ બેન્કોની એનપીએ છે.પરિણામે કેન્દ્ર સરકાર ધ્વારા 2.11 લાખ કરોડ રૂપિયા સરકારી બેન્કોમાં જમા કરાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
આ નુકશાનથી સરકારની બેંકો માટેની રીકેપીટલાઈઝેશન યોજના ઉપર અસર પડશે.બીજીતરફ ભારતમાં સરકારી બેન્કોની 7,33,874 કરોડની એનપીએ સામે ખાનગી બેન્કોની એનપીએ 1,02,808 કરોડ જેટલી છે.છેલ્લે વિડીયોકોન અને મધ્ય પ્રદેશમાં પણ 6626 કરોડનું પાવર કૌભાંડ બહાર આવેલું છે.તેમાં રાફેલ સોદાનું તો હજુ કોઈ નામ લેતું નથી.ત્યારે બેન્કોએ આ દેવા,લોન કે કૌભાંડો સામે વધુ કડક પગલા અને નાણાકીય જોગવાઈ પણ કરવી પડશે.