મહારાષ્ટ્રનું કિસાન આંદોલન: સંઘે: શક્તિ કલૌયુગે

ફડણવીસે વિધાનસભામાં એવું જ કહેલું કે, મુંબઈમાં વિરોધ કરવા માટે આઝાદ મેદાનમાં આવીને પડેલા લોકોમાંથી 95 ટકા તો આદિવાસી છે ને ટેકનિકલી ખેડૂત જ નથી મહારાષ્ટ્રમાં લાંબા સમયની શાંતિ પછી પાછા ખેડૂતો મેદાનમાં આવ્યા તેના કારણે ભાજપ સરકારની ઊંઘ હરામ થઈ ગઈ હતી પણ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે શાણપણ વાપરીને ખેડૂતોની માગણીઓ સ્વીકારી લેતાં હાલ પૂરતી ઘાત ટળી ગઈ છે. ફડણવીસે ખેડૂતોની માગણીઓ સ્વીકારીને શાણપણ દાખવ્યું તેમાં શક નથી પણ આ ડહાપણની દાઢ તેમને ખેડૂતોએ પોતાની તાકાતનો પરચો આપ્યો એ પછી આવી છે. ભાજપની મેથી મારવા તૈયાર ડાબેરીઓ તક  જોઈને કૂદી પડ્યા ને તેમણે આ વિરોધની આગેવાની લીધી. ઓલ ઈન્ડિયા કિસાન સભા ડાબેરીઓનું ખેડૂત સંગઠન છે. આ ફડણવીસે ખેડૂતો-આદિવાસીઓ માટે કશુંક નક્કર કરવું પડે સંગઠને ખેડૂતોને એકઠા કરીને વિરોધ શરૂ કર્યો ને નાશિકથી મુંબઈ સુધીની કૂચ કરીને વિધાનસભાને ઘેરવાનો કાર્યક્રમ જાહેર કરી દીધો. ભાજપને બરાબર ભીડાવવા તેમણે આદિવાસીઓને પણ સાથે લીધા ને 2006ના ફોરેસ્ટ એક્ટના અમલનો મામલો પણ જોડી દીધો. ગયા મંગળવારે નાશિકથી 12,000 ખેડૂતો અને આદિવાસી બંધુઓ લાલ ઝંડા લઈને નીકળી પડ્યા. અઠવાડિયાથી ખેડૂતો ને આદિવાસીઓ ટાંટિયા તોડીને મુંબઈ ભણી કૂચ કરતા હતા ત્યાં લગી સરકારને કશું ના સૂઝ્યું. એક અઠવાડિયાની કૂચ પછી તેમણે સોમવારે મુંબઈમાં પધરામણી કરી પછી પણ ફડણવીસ તો તોરમાં જ હતા.
ફડણવીસે વિધાનસભામાં એવું જ કહેલું કે, મુંબઈમાં વિરોધ કરવા માટે આઝાદ મેદાનમાં આવીને પડેલા લોકોમાંથી 95 ટકા તો આદિવાસી છે ને ટેકનિકલી ખેડૂત જ નથી. ભાજપનાં સાંસદ પૂનમ મહાજન તો ફડણવીસથી પણ ચાર ચાસણી ચડે તેવાં સાબિત થયાં ને તેમણે તો વિરોધ કરનારા ખેડૂતો પર અર્બન માઓવાદી હોવાનું લેબલ જ લગાડી દીધેલું. અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે ને આવા લવારા છાના રહેતા નથી. આ લવારાની વાત પણ ફેલાવા માંડી ને ખેડૂતોનાં ધાડાં વધવા લાગ્યાં પછી ફડણવીસની ફેં ફાટી ગઈ. તેમને થયું કે આ બફાટ થઈ ગયો ને આ રીતે જ ખેડૂતો આવતા જશે તો હાલત બગડી જશે એટલે તેમણે પોતાની મૂછ નીચી રાખીને ખેડૂતો સામે માથું નમાવી દીધું.
જોકે ફડણવીસે અત્યારે દાખવેલું શાણપણ કાયમ માટે ટકી રહે એ જરૂરી છે. તેનું કારણ એ કે ખેડૂતો-આદિવાસીઓની માગણીઓ એકદમ વાજબી છે ને તેમના ભલા માટે કશુંક નક્કર કરવું જરૂરી છે. દેશભરમાં આમ તો ખેડૂતોની હાલત ખરાબ જ છે પણ મહારાષ્ટ્રમાં સૌથી વધારે ખરાબ છે. મહારાષ્ટ્રમાં મહદ અંશે ખેતી વરસાદ પર નિર્ભર છે. વરસાદ સારો પડે તો ઠીક, બાકી ખેડૂતે રાતા પાણીએ રડવાનો વારો આવે. આ સ્થિતિ માટે આપણા શાસકો જવાબદાર કહેવાય ને તેમણે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ.
આઝાદીનાં 70 વર્ષ પછી પણ આ દેશમાં સિંચાઈની પૂરતી વ્યવસ્થા નથી તેની આ બધી મોકાણ છે. હરિયાણા ને પંજાબ જેવાં રાજ્યોમાં સિંચાઈની પૂરતી સગવડો છે તો ત્યાં ખેડૂતોને લીલાલહેર છે ને કોઈ મોકાણ નથી. આવી સગવડો નથી એ રાજ્યોમાં ખેડૂતો બિચારા પોતાની રીતે મથ્યા કરે છે, પણ સરકાર કશું કરતી નથી. તેના કારણે તેમણે દેવાં કરવાં પડે છે. પછી દેવાં ના ભરાય એટલે હાલત બગડે છે. આ સંજોગોમાં તેમની માગણીઓ, તેમનો આક્રોશ વાજબી છે ને તેનો ઉકેલ લાવવો જરૂરી છે જ. ખેડૂતોની પાકના યોગ્ય ભાવની માગણી પણ વાજબી છે. ખેડૂતોએ આ વખતે એવી માગણી કરી છે કે, તેમને પાક લેવામાં જે ખર્ચ થાય તેના કરતાં દોઢો ભાવ મળવો જોઈએ ને સરકારે એ જ રીતે લઘુતમ ટેકાના ભાવ જાહેર કરવા જોઈએ. આપણા રાજકારણીઓએ શરમથી ડૂબી મરવા જેવી વાત એ છે કે આપણું આખું અર્થતંત્ર ખેતી પર આધારિત છે છતાં ખેડૂતોને પોતાના પાકના યોગ્ય ભાવ મળે તેવું માળખું આપણે નથી ઊભું કરી શક્યા. ખેડૂત ચાર મહિના મહેનત કરીને મરી જાય ને પછી બજારમાં એક રૂપિયો કે અધેલાના ભાવે કિલો પાક જાય તો પછી તેણે વખ ઘોળવાનો વારો જ આવે કે બીજું કંઈ ? વધારે શરમજનક એ છે કે ખેડૂતોએ પાણીના ભાવે જે માલ વેચવો પડે છે તે માલ સંઘરીને વેપારીઓ ધૂમ નોટો છાપે છે. ખેડૂતો સસ્તા ભાવે માલ વેચે તેનો ફાયદો સામાન્ય લોકોને મળતો હોય તો સમજ્યા પણ સામાન્ય લોકોએ તો તબલાં તૂટી જાય એવા ભાવ જ ચૂકવવા પડે છે. ખેડૂતોએ પોતે જે પાક ના પકવતા હોય તે સિવાયની ચીજો ઊંચા ભાવે ખરીદવી પડે. તેના કારણે એ લોકોનો બંને બાજુથી મરો થાય. સરકાર આ વેપારીઓને પણ નથી નાથી શકતી એ જોતાં ખેડૂતોને પોતાના પાકના યોગ્ય ભાવ મેળવવાનો હક છે જ. મહારાષ્ટ્રમાં ખેડૂતોની સાથે આદિવાસીઓ જોડાયા છે ને તેમની માગણી પણ એકદમ વાજબી છે. કેન્દ્રની યુપીએ સરકારે આદિવાસીઓના મત લેવા માટે 2006માં ફોરેસ્ટ રાઈટ્સ એક્ટ બનાવેલો. આ કાયદા હેઠળ વન વિસ્તારમાં રહેતા દેશના કરોડો આદિવાસીઓને જંગલ પર અધિકાર મળે છે. આદિવાસીઓ વરસોથી જે જમીનો ખેડે છે તે જમીન તેમની થાય, એ જમીનનો એ લોકો વપરાશ કરી શકે ને જંગલની જમીન બીજા કોઈ ઉપયોગ માટે નહીં આપીને જંગલોની જાળવણી કરાય એ ત્રણ મુખ્ય અધિકારો આ કાયદા હેઠળ અપાયા છે. કમનસીબે આ મામલે રાત ગઈ બાત ગઈ જેવું થયું. જેવી ગરજ સરી કે સરકારે આદિવાસીઓને ભુલાવી દીધા ને તેમને જંગલની જમીનો આપી જ નહીં.
આ દેશમાં કરોડો આદિવાસીઓ જંગલની જમીનમાં ખેતી કરીને અને જંગલમાંથી મળતી પેદાશો વેચીને નિર્વાહ ચલાવે છે. સદીઓથી તેમણે જંગલો સાચવ્યાં છે ને આ જમીન પર તેમનો હક છે છતાં તેમને એ હક નથી મળતો. જંગલમાં ખનિજોની ખાણો હોય તો એ ખોદવા માટે મંજૂરી આપવાની હોય તો રાજકારણીઓ તેમાં વાર લગાડતા નથી. જંગલમાં રિસોર્ટ કે હોટલ બનાવવા માટે મંજૂરી આપવાની હોય તો પણ તરત મંજૂરી મળી જાય છે પણ આદિવાસીઓને તેમના હક આપવામાં જ આપણા નેતાઓને પેટમાં ચૂંક ઊપડે છે. આ સંજોગોમાં આદિવાસીઓ પોતાનો હક માંગે તેમાં કશું ખોટું નથી.
ફડણવીસ આ વાત સમજે ને બે મહિના પછી નક્કર આયોજન સાથે આવે એ જરૂરી છે. દેશભરમાં બધે ખેડૂતો ને આદિવાસીઓ ત્રસ્ત છે. ફડણવીસ તેમને મનાવવા કશુંક નક્કર કરશે તો દેશનાં બીજાં રાજ્યો પણ તેમને અનુસરશે ને ભાજપને પણ ફાયદો થશે.