આત્મવિલોપનની ચીમકી આપી ચુકેલા રામપર ગામના ચારની અટકાયત

બેને રાતે જ અટકમાં લઇ લેવાયા, અન્ય બે જીલ્લા પંચાયત કચેરીએ આવતા જ પોલીસે પકડી પાડયા
જામનગર તા.13
જામનગર તાલુકાના રામપર ગામના સરપંચ સામે રામપર ગામની જ ચાર વ્યકિતઓએ ભ્રષ્ટાચારના આરોપો મુકી યોગ્ય તપાસની માંગણી કરી હતી, જે પ્રશ્રે આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. તેને પગલે જીલ્લા પંચાયતની કચેરી પાસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જ્યારે અન્ય બે વ્યકિતઓની જીલ્લા પંચાયત કચેરી પાસેથી અટકાયત કરી લેવામાં આવી છે અને ચારેય સામે પંચકોશી એ ડીવી. પોલીસ મથકમાં 1પ1 હેઠળ અટકાયતી પગલા ભરવામાં આવ્યા અને જામીન અપાયા છે. જ્યારે ડીડીઓ દ્વારા સપ્તાહ દરમિયાન યોગ્ય તપાસ કરવાની ખાત્રી આપવા મામલો શાંત પડયો છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના રામપર ગામના સરપંચ નારણભાઇ શિયાળ દ્વારા ગામના કામોમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે તેવા આક્ષેપો સાથે રામપર ગામના જ 4 વ્યકિત દિનેશ ખીમજી મકવાણા, રાજેશ હરીભાઇ જરૂ, રાહુલ રમેશભાઇ જરૂ અને રાજેશ ગોવિંદ મકવાણાએ જીલ્લા વિકાસ અધિકારીને ફરીયાદ કરી હતી. જેના અનુસંધાને ડીડીઓ દ્વારા પ્રાથમિક તપાસ કરી સરપંચને પંચાયત ધારાની કલમ હેઠળ સસ્પેન્ડ કર્યા હતા.જેની સામે સરપંચ અપીલમાં ગયા હતા અને ફરીથી સરપંચ પદ કાયમ કરી લીધું હતું. જેના પગલે રામપર ગામના સરપંચ ચારેય વ્યકિતઓએ ડીડીઓ સમક્ષ ભ્રષ્ટાચારના મુદ્દે પુન: રજૂઆત કરી તપાસની માંગણી કરી હતી અને જો 11-3-ર018 સુધીમાં પોતાને ન્યાય નહીં મળે તો સોમવાર તા.1ર-3-ર018 ના સવારે 11.30 વાગ્યે જીલ્લા પંચાયત કચેરીના પટાંગણમાં સામુહિક આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. જેને પગલે ગઇરાત્રે પંચકોશી એ ડીવી. પોલીસ દ્વારા રાજેશ ગોવિંદભાઇ મકવાણા અને રાહુલ રમેશભાઇ જરૂની રામપર ગામમાંથી જ અટકાયત કરી લેવામાં આવી હતી પરંતુ દિનેશ ખીમજી મકવાણા અને રાજેશ હરીભાઇ જરૂ દ્વારા પોતાની માંગણી સંદર્ભે ન્યાય મળ્યો ન હોવાનું જણાવી જીલ્લા પંચાયત કચેરીએ આવતા પોલીસ દ્વારા તે બંનેની પણ 1પ1 હેઠળ અટકાયત કરી લેવામાં આવી છે.
પંચકોશી એ ડીવી. પોલીસ મથકમાં ચારેયને લઇ જવાયા છે. જ્યાં તેઓના જામીન લેવામાં આવ્યા છે. ચારેય માંગણીદારો વતી આજે જીલ્લા વિકાસ અધિકારી મુકેશભાઇ પંડયા સમક્ષ
રજૂઆત કરાઇ હતી અને જીલ્લા પંચાયતમાં રૂબરૂ રજૂઆત સમયે એક સપ્તાહ દરમિયાન યોગ્ય તપાસ કરવાની ખાત્રી અપાતા મામલો શાંત પડયો હતો. (તસવીર: દીપક ઠુમ્મર)