આજથી શરૂ થશે ટીબી મુક્ત ભારત અભિયાન


નવીદિલ્હી તા.13
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજધાની નવી દિલ્હીમાં આજે વિજ્ઞાન ભવનમાં ધ દિલ્હી એન્ડ ટીબી સમિટનું ઉદ્ઘાટન કરશે. આ સમિટનું સહ-આયોજન આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, ડબલ્યુએચઓ સાઉથ ઇસ્ટ એશિયા રિજનલ ઓફિસ (એસઇએઆરઓ) અને સ્ટોપ ટીપી પાર્ટનરશિપ દ્વારા કરાયું છે.
પ્રધાનમંત્રી આ પ્રસંગે ટીબી(ટ્યુબરક્યુલોસિસ)મુક્ત ભારત અભિયાન શરૂ કરશે. ટીબીમુક્ત ભારત અભિયાન યુદ્ધનાં ધોરણે ટીબીને નાબૂદ કરવા માટે રાષ્ટ્રીય વ્યૂહાત્મક યોજનાની પ્રવૃત્તિઓ હાથ ધરશે. ટીબી નાબૂદ કરવા રાષ્ટ્રીય વ્યૂહાત્મક યોજનાને આગામી ત્રણ વર્ષ માટે રૂ. 12,000 કરોડથી વધારેનાં નાણાકીય ભંડોળનું પીઠબળ પ્રાપ્ત છે, જેથી ટીબીનાં દરેક દર્દીને ગુણવત્તાયુક્ત નિદાન, સારવાર અને સહાય મળવાનું સુનિશ્ચિત થશે. નવી રાષ્ટ્રીય વ્યૂહાત્મક યોજના (એનએસપી)માં બહુપાંખીય અભિગમ અપનાવવામાં આવ્યો છે, જેમા ટીબીનાં દર્દીઓને ખાનગી સેવા પ્રદાતાઓ પાસેથી સારસંભાળ મળી રહે એ બાબત પર ભાર મૂકીને ટીબીનાં તમામ દર્દીઓની ઓળખ કરવાનો અને ઊંચું જોખમ ધરાવતી વસતિમાં ટીબીનાં નિદાન ન થવાની સમસ્યાને દૂર કરવાનો ઉદ્દેશ છે.
પ્રધાનમંત્રી વર્ષ 2025 સુધીમાં, એસડીજી (ટકાઉ વિકાસ લક્ષ્યાંકો)નાં પાંચ વર્ષ અગાઉ ભારતને ટીબીમુક્ત કરવાનું સ્વપ્ન સેવે છે, જે માટે સંશોધિત રાષ્ટ્રીય ટ્યુબરક્યુલોસિસ પ્રોગ્રામના પ્રયાસોને વેગ આપવામાં આવ્યો છે, જેમાં વર્ષ 1997ની શરૂઆતથી અત્યાર સુધી 2 કરોડથી વધારે દર્દીઓને સારવાર આપવામાં આવી છે.