તું સંબંધને કોઇ નામ તો આપ અવઢવનો બહું ભાર લાગે છે

હો અલગભાષા, અલગ સ્થળ, ને અલગ હો પ્રેયસી,
પણ અભિવ્યકિતમાં સૌની એ જ હાલત થઇ હશે.
- હેમેન શાહ
પ્રેમમાં પડવું જરા અઘરી વાત છે. પરંતુ એક વખત બંને વચ્ચે ચોખવટ થઇ ગયા બાદ મનનો ભાર સાવ હળવો બની જતા બંને પાત્રોને નિરાંત થઇ જાય છે. વગર એગ્રીમેન્ટ કે કોઇ લખાણ વગર આપોઆપ ઉંકારા તુંકારા કરવા કે એકબીજાને સ્પર્શ કરવાનો જાણે પરવાનો મળી જાય છે, આ વ્યકિત હવે મારી છે, એકબીજા વચ્ચે હવે મારી છે. તેવો અધિકાર મળી જાય છે. એકબીજા વચ્ચે હવે બોલચાલમાં કોઇ શરમ નથી નડતી પરંતુ એ પછીની વાત છે. પ્રેમની અભિવ્યકિત કઇ રીતે કરવી ? ભલભલા મૂછાળા મર્દ પણ આ સમયે મૂંઝાઇ જતા હોય છે.
કવિ અહીં સરસ વાત કરે છે કે, ફકત અહીંજ શા માટે? દેશ હોય કે વિદેશ, ભાષા ચાહે ગુજરાતી હો કે હિન્દી, કે અંગ્રેજી અથવા કોઇપણ હોય, પરંતુ સામેના પાત્ર પાસે પ્રેમની અભિવ્યકિત વખતે સૌની એક સરખી હાલત થતી હોય છે.
હા આઇ લાવ યુ કહેવાની હિંમત થઇ ગઇ સામેથી પણ જવાબ હા જેવો મળી જાય પછી જાણે બધો ભાર ઉતરી જાય છે.
‘એજ સમજાતુ નથી આ પ્રેમમાં ! જાણ શેની મારફત કરવી પડે!
- સુરેશ ઝવેરી ‘બેફિકર’
પ્રેમમાં પડયા પહેલા એવી અવઢવ સ્વાભાવિક છે કે સામેની વ્યકિતને જાણ કઇ રીતે કરવી ? તેને જોતા જ રોમે રોમમાં રોમાંચ વ્યાપી જાય છે. એ સામે હોય ત્યારે જગત પણ ભૂલી જવાય છે. એ જયારે ન હોય તે વખતે તેનાજ વિચાર આવ્યા કરે છે. એ શું કરતી હશે? કયાં હશે? દી’ હોય કે રાત સુતા જાગતે તેની યાદ આવતી રહેતી હોય છે. પરંતુ જયાં સુધી પ્રેમનુ પ્રગટીકરણ થયું ન હોય, સંબંધનું કોઇ નામ પડયુ ન હોય ત્યાં સુધી મનમાં સતત અવઢવ રહેતી હોય છે કે, શું તે પણ મને ચાહતી હશે? બંનેની સ્થિતિ સરખી હોય છે. પરંતુ જાણ કઇ રીતે કરવી? એ પ્રશ્ર્ન પેચિદો બની રહે છે. અને આવી અવઢવ વચ્ચે સમય સરકતો જાય છે.
‘એજ સાચવવું પડે છે. પ્રેમના વ્યવહારમાં કે ફકત વ્યવહાર જેવું રહી ન જાયે પ્યારમાં’
- ઓજસ પાલનપુરી
પ્રેમનો સંબંધ દિલ સાથે હોય છે. અને હ્રદય એ આખા શરીરનું અંગ ગણાય છે. પિત્તળના વાસણનો ઘા કરતા આપણને જરા પણ ખંચકાટ નથી થવાનો પરંતુ વાસણ જો કાચનું હોય તો સાચવીને નીચે રાખવું પડે છે. તેમ પ્રેમમાં પણ ખૂબ જ સતર્ક રહેવું પડે છે. જરાક જેવી ભૂલ સંબંધનો અંત લાવી શકે છે. અને એક વખત દિલ તૂટી જાય પછી ‘નહિ સાંધો કે રેણ!’ જો કે કોઇ આપણને ચા પીવડાવે તો આપણે કયારેક તેને ચા પાઇ વ્યવહાર સાચવી લઇએ છીએ. પરંતુ એ તો વ્યવહારની વાત થઇ ગણાય. પરંતુ પ્રેમ એ ફકત વ્યવહાર થોડો છે? આ તો દિલનો દિવ્ય કારોબાર છે. એટલે જ તેમાં સાચવવું પડે છે કે, પ્રેમ એ ફકત વ્યવહાર ન બની રહે? પરંતુ સાચો પ્યાર બની રહેવી જોઇએ.
(શિર્ષક પંકિત: ખૂદ લેખક) આસ્વાદ બાલેન્દુ શેખર જાની