સેન્ટ્રલ અને વેસ્ટ ઝોનમાં 1ર મિલ્કત સીલ : 3 નળજોડાણ રદ કરાયા : 13.ર0 લાખની વસુલાત

ગ્રાહક ન આવતા દુકાનની હરરાજી મોકુફ રખાઇ

રાજકોટ તા.1ર
રાજકોટ મહાનગરપાલીકાના વેરા વિભાગ દ્વારા વેરા રીકવરી ઝુંબેશ અંતર્ગત આજરોજ વેસ્ટ ઝોન અને સેન્ટ્રલ ઝોનમાં કાર્યવાહી હાથ ધરી લાખાજીરાજ રોડ પર આવેલ ટ્રસ્ટની એકસાથે પાંચ દુકાનો સીલ કરી હતી તેમજ અન્ય સાત દુકાન સીલ કરી ત્રણ નળજોડાણ કટ કરવામાં આવ્યા હતા.
વેરા વિભાગે સેન્ટ્રલ ઝોનમાં લાખાજીરાજ રોડ પર આવેલ લાખાજીરાજ ટ્રસ્ટની પાંચ દુકાન સામે બાકી વેરો હોવાથી સીલ કરવામાં આવી હતી તેમજ વેસ્ટ ઝોનમાં વોર્ડ નં.1,8,9,10,11 માં ગાંધીગ્રામમાં બે દુકાન સીલ કરાય હતી તેમજ 1પ0 ફુટ રીંગ રોડ પર ચંદ્ર પાર્કમાં એક મિલ્કત સીલ કરવામાં આવી હતી. તેવી જ રીતે કાલાવડ રોડ પર એક મિલ્કત સીલ અને મવડી વિસ્તારમાં ઉદયનગર-1 માં આવેલ એક મકાનને સીલ કરવામાં આવ્યું હતું.
આજરોજ વેરા વિભાગ દ્વારા ગુજરાત હાઉસીંગ બોર્ડ કવાર્ટર પાસે સંજરી સીલેકશન નામની દુકાનની હરરાજી કરવામાં આવેલ પરંતુ હરરાજીમાં કોઇ ગ્રાહક ઉપસ્થિત ન રહેતા હરરાજી મોકુફ રાખી ઉપરોકત મિલ્કત એસ્ટેટ શાખાને સોપવામાં આવી હતી. વેરા વિભાગ દ્વારા આજરોજ કુલ 1ર મિલ્કત સીલ કરી તથા ત્રણ નળજોડાણો રદ કરી 13.ર0 લાખની વસુલાત કરી હતી.