ટૂંક સમયમાં જોવા મળશે કોકાકોલાનો દેશી અવતાર

નવીદિલ્હી, તા.12
કોલ્ડ ડ્રિંક બનાવનાર કંપની કોકા કોલા દેશમાં પોતાના બિઝનેસનું વિસ્તરણ કરવાની યોજના બનાવી રહ્યું છે. કંપની આવતા વર્ષે પોતાના પ્રોડક્ટ પોર્ટફોલિયોનો બે તૃતિયાંશ ભાગનું સ્થાનિક ક્ષેત્રે વિસ્તરણ કરવાની યોજના ઘડી રહ્યું છે. જે હેઠળ તે દેશી પીણાં અને જ્યૂસ વેચશે.
કોકા કોલા ઇન્ડિયા અને દક્ષિણ-પશ્ર્ચિમ એશિયાના અધ્યક્ષ ટી કૃષ્ણકુમારે જણાવ્યું કે, અમારો વિચાર છે કે એક સમય પછી અમારી પાસે એક તૃતિયાંશ વૈશ્ર્વિક ઉત્પાદનો હોય અને બે તૃતિયાંશ એવા ઉત્પાદનો હોય જે સ્થાનિક ક્ષેત્ર પર આધારિત હોય.
હાલ કોકા કોલા આશરે 50 ટકા પીણાં ભારતમાં તૈયાર કરે છે અને વેચે છે. જેમાં થમ્સઅપ, લિમ્કા, માઝા જેવી સ્થાનીક બ્રાન્ડનો સમાવેશ થાય છે. કુમારે આ યોજનાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે,અમે નોટિસ કર્યું છે કે દરેક રાજ્યનું એક વિશેષ પીણું છે. અમારી કોશિશ દરેક રાજ્યમાં એક અથવા બે પીણાંની ઓળખ બનાવવાની છે.
કુમારે એ પણ ઉલ્લેખ કર્યો હતો કે, ઉદાહરણ તરીકે અમે નારિયેળ પાણી તેમજ જ્યૂસ પર વિચાર કરી રહ્યાં છીએ. અમારૂ માનવું એવું છે કે કેટલાક ઉત્પાદન એવાં છે જે ખૂબ જ મહત્વપૂર્ણ છે. કંપની આવતાં ત્રણ વર્ષમાં દેશી પીણાંના નવા ઉત્પાદન પણ લાવશે.