જિનપિંગનો આજીવન ચીનના રાષ્ટ્રપતિ બની રહેવાનો રસ્તો સાફ

બેઈજિંગ, તા.12
ચીનની સંસદે રવિવારે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ પદ માટે બે કાર્યકાળની સમયમર્યાદાને નાબૂદ કરી દીધી છે. હવે, ચીનના વર્તમાન રાષ્ટ્રપતિ શી જિનપિંગ માટે આજીવન રાષ્ટ્રપતિ બની રહેવાનો રસ્તો સાફ થઈ ગયો છે.
ચીનની સંસદે બે કાર્યકાળની અનિવાર્યતાને બે તૃતિયાંશ બહુમતીથી નાબૂદ કરી દીધી છે. સત્તાધારી કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઈના (સીપીસી) દ્વારા પ્રસ્તાવિત સંશોધનને સંસદની મંજૂરી મળવાનું નિશ્વિત જ મનાતું હતું.
પાર્ટીના પ્રસ્તાવોનું સમર્થન કરતા રહેવાને કારણે લગભગ ત્રણ હજાર સભ્યોવાળી સંસદ નેશનલ પીપલ્સ કોંગ્રેસને અવાર-નવાર રબર સ્ટેમ્પ સંસદ કહેવામાં આવે છે. સંસદના વાર્ષિક સત્ર પહેલા સીપીસીએ રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ માટે બે કાર્યકાળની સમયમર્યાદાને હટાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.
ઉલ્લેખનીય છે કે ,માઓત્સે તુંગની જેમ અનિશ્વિત કાળ સુધી ફરી કોઈ દ્વારા સત્તા પર અડંગો જમાવી દેવાના ખતરાને જોતા સન્માનિત નેતા દેંગ શિયોપિંગે ચીનમાં રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ માટે વધુમાં વધુ બે કાર્યકાળ એટલે કે 10 વર્ષ સુધી સત્તામાં રહેવાની સમયમર્યાદા નક્કી કરી હતી.
જોકે, રવિવારે થયેલા બંધારણીય ફેરફારની સાથે જ 64 વર્ષના જિનપિંગ માટે આજીવન ચીનના રાષ્ટ્રપતિ રહેવાનો રસ્તો સાફ થઈ ગયો છે. હાલમાં તેમનો બીજો કાર્યકાળ ચાલી રહ્યો છે ,જે 2023માં પૂરો થશે.